વિશ્વ સંસ્થાઓ પાસેથી લોન સહિતની નાણાકીય મદદ મેળવવાના પ્રયાસોમાં ફરી એક વખત પાકિસ્તાનને ઉંધેમાથે પછડાવું પડ્યું છે. કહેવત છે કે, ‘વિનાશ કાળે વિપરીત બુદ્ધી’ એ સુત્રને સાર્થક કરીને પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરમાં ડ્રોનના સહારે આતંકવાદ ફેલાવવાનો મલીન પ્રયાસ કર્યો છે. પરંતુ પહેલા જ પ્રયાસમાં તેને ઘોર નિષ્ફળતા મળી છે. બીજી તરફ તેના પાપનો ઘડો ભરાઈ ગયો હોય તેમ વિશ્વન નાણા સંસ્થાઓ પાસેથી તેના હુક્કા-પાણી બંધ થઈ જવાની શકયતા પણ ઉભી થઈ છે.
વિશ્વના ફાયનાન્સીયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ) દ્વારા પાકિસ્તાનને ગ્રે લીસ્ટમાં જ યથાવત રાખવામાં આવ્યું છે. તેનો મતલબ એ થયો કે, હજુ પાકિસ્તાનને વિશ્વની નાણા સંસ્થાઓ બારીક નજર સાથે જોતી રહેશે અને આતંકવાદ બંધ કરે તો જ તેને નાણાકીય સહાય આપવામાં આવશે.
એફએટીએફના નિર્ણયથી પાકિસ્તાન ભિંસમાં મુકાયું છે અને તેને ચારેતરફથી મદદ બંધ થઈ જવાની શકયતા ઉભી થઈ છે. પેરીસમાં વડુ મથક ધરાવતી અને આતંકવાદી પ્રવૃતિમાં વોચડોગ સમાન સંસ્થાએ પાકિસ્તાનને કોઈ રાહત આપવાનો ઈન્કાર કર્યો છે. ધાર્મિક સંગઠનો અને આતંકવાદી સંસ્થાઓ પર પગલા લેવામાં નિષ્ફળતા બદલ પાકિસ્તાનની કામગીરી વિશ્વ સંસ્થાને આકર્ષીત કરી શકી નથી. એ કારણે કોઈ રાહત આપવામાં આવી નથી. જો કે સંસ્થાએ એવું પણ કબુલ કર્યું હતું કે, આતંકવાદી ફંડ રોકવામાં જે એક્શન પ્લાન ઘડાયો હતો તેમાંથી 27 પૈકીના 26 મુદ્દાઓ પર ઈસ્લામાબાદે કામગીરી હાથ ધરી છે. પરંતુ હજુ તેને ગ્રે લીસ્ટની બહાર મુકી શકાય તેમ નથી.
હજુ એક મુદો બાકી રહી ગયો છે તે દર્શાવે છે કે, આતંકવાદી સંગઠનોને નાણા આપતી સંસ્થાઓ અને આતંકી જુથોના આકાઓ સામે પુરતા પ્રમાણમાં પગલા લેવાઈ રહ્યાં નથી તેવું વિશ્વ નાણા સંસ્થાને લાગે છે. તાજેતરમાં જમાત ઉલ દાવા નામના સંગઠનની પેટા પાંખ તરીકે મીલી મુસ્લિમ લીગની રચના કરવામાં આવી હતી. પરંતુ ચૂંટણીપંચ દ્વારા પક્ષ તરીકે તેની નોંધણી કરવામાં આવી નથી. 2018થી આ સંગઠન સંસદની ચૂંટણીઓ લડવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. કેમ કે, જમાતની અંતિમવાદી વિચારધારાનો ત્યાગ કર્યો નથી એ કારણે આ જુથને ચૂંટણી લડવા દેવાઈ નથી. નુરૂલ ઈસ્લામ નામના રાજકીય નિષ્ણાંતે જણાવ્યું હતું કે, મુખ્ય આતંકવાદી જુથોને રાજકીય પ્રવાહમાં લાવવાના પ્રયાસો એ એકલ-દોકલ પગલા તરીકે નહીં પરંતુ એક લાંબી પ્રક્રિયા તરીકે શરૂ કરવા જોઈએ. મુખ્ય રાજકીય પ્રવાહમાં આવતા પહેલા આ તમામ જુથોએ અંતિમવાદી અને આતંકવાદી વિચારધારાનો ત્યાગ કરવો જોઈએ એ પ્રક્રિયા હજુ શરૂ થઈ નથી.
દરમિયાન ઘર આંગણે ઈમરાન ખાન સરકાર વધુ મુશ્કેલીમાં મુકાઈ છે. કેમ કે ટાસ્ક ફોર્સ દ્વારા ગ્રે લીસ્ટમાં યથાવત રાખવાના નિર્ણયના કારણે ઘર આંગણે પાકિસ્તાનની સરકાર પર ખુબ માછલા ધોવામાં આવી રહ્યાં છે. કેટલાંક રાજકીય પક્ષોએ ટાસ્ક ફોર્સની જ ટીકા કરવાનું શરૂ કર્યું છે અને જણાવ્યું છે કે, પાકિસ્તાનના પ્રયાસોની કદર કરવામાં આવી નથી અને નાણા સંસ્થાએ વધુ પડતું આકરુ પગલું લીધુ છે. નિરીક્ષકો માને છે કે, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાને નિતી વિષયક નક્કર પગલા લેવા પડશે. તો જ ઘર આંગણા તથા બહારના પડકારોને પહોંચી વળાશે. આતંકી જુથોને રાજકીય મુખ્ય પ્રવાહમાં લાવવાના પ્રયાસો છતાં વિશ્વને પાકિસ્તાનના પ્રયાસમાં હજુ કોઈ દમ દેખાતો નથી.
ડ્રોન હુમલો ભારે પડશે! નાપાક તત્ત્વો સામે વધુ એક વાર સર્જીકલ સ્ટ્રાઈક કરાશે?
જમ્મુમાં ભારતીય હવાઈ દળના મથક પર વિસ્ફોટકો ભરેલા ડ્રોનથી વિસ્ફોટ કરવાના પાકિસ્તાની આતંકવાદીઓના પ્રયાસોને પગલે કિંમત ઈસ્લામાબાદને ચૂકવવી પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. પીઠ પાછળ ઘા કરવાની આ નવી સાજીસનો મુકાબલો કરવા માટે ભારતીય લશ્કરની ત્રણેય પાંખોને એકદમ સતર્ક અને સાવધ કરી દેવામાં આવી છે અને ફરી વખત પાકિસ્તાનને સર્જીકલ સ્ટ્રાઈક સહન કરવી પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે. ડ્રોન હુમલાને પગલે પાકિસ્તાન પર નવી સર્જીકલ સ્ટ્રાઈકના વાદળો ઘુમરાવા લાગ્યા છે. આતંકવાદના નવા રૂપ અને હથિયાર તરીકે ડ્રોનનો ઉપયોગ કરીને પાકિસ્તાની આતંકવાદી જુથોએ ભારતને જે પડકાર ફેંક્યો છે તે તેને ખુબજ ભારે પડી જવાનો છે. ડ્રોન હુમલાથી મોટુ નુકશાન
કરવાની આતંકવાદી પેરવી સદંતર નિષ્ફળ ગઈ છે પરંતુ એ હકીકત સ્પષ્ટ બની છે કે, આતંકવાદી જુથો અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરતા થઈ ગયા છે અને પાકિસ્તાનની સરકાર વિના શક્ય બની ન શકે. ભારતના લશ્કરી મથકો અને ઓઈલ રિફાઈનરી જેવા મહત્વના વાણીજ્ય વિસ્તારો પર ડ્રોનથી હુમલો કરવાની નાપાક સાજીસ ઘડવામાં આવી છે. ડ્રોન મારફત બાયોલોજીકલ અને કેમીકલ શસ્ત્રોથી પણ હુમલો કરી શકાય છે. એ ખતરા સામે લડી લેવા માટે ભારતીય લશ્કરી દળો અને સુરક્ષા દળોને સતર્ક કરી દેવામાં આવ્યા છે. આ પ્રકારના ડ્રોનને જામ કરી દેવાની સીસ્ટમ ગોઠવવામાં આવી રહી છે. રડાર પર દેખાતા વિમાનની જેમ સેટેલાઈટ અથવા વિડીયો કમાન્ડ અને કંટ્રોલ દ્વારા ડ્રોનના હુમલાને પહેલેથી ખાળી શકાય તે માટે સીસ્ટમ ગોઠવવામાં આવી રહી છે.
ડીઆરડીઓ દ્વારા આવી એન્ટ્રી ડ્રોન સીસ્ટમ વિકસીત પણ કરી લેવામાં આવી છે. 10 કિલો વોટના લેસર મારફત કોઈપણ ડ્રોન હુમલાને 2 કિ.મી. દૂરથી નિષ્ફળ બનાવી શકાય તેમ છે. ટ્રી પોટ પર ગોઠવી લેસરથી બે કિલોમીટર સુધીની રેંજમાં આવી ગયેલા ડ્રોનને ટાર્ગેટ કરી શકાય છે. હવે આ સીસ્ટમનો મોટાપાયે ઉત્પાદન કરવાની જરૂર ઉભી થઈ છે. ભારતીય દળોએ ઈઝરાયલની સ્મેસ 2000 પ્લસ સીસ્ટમની પણ તૈયારી કરી દીધી છે. આ સીસ્ટમ તોપ ઉપર અને રાયફલ ઉપર પણ ગોઠવી શકાય છે. જેનાથી ડ્રોનને દૂરથી ટાળી શકાય છે.
પઠાણકોટ અને જમ્મુના હવાઈ મથકો પાકિસ્તાનમાં આવેલા આતંકી થાણાઓની નજીક હોવાથી અહીં એન્ટ્રી ડ્રોન સીસ્ટમ વહેલાસર ગોઠવવાનું આયોજન શરૂ કરી દેવામાં આવ્યું છે.
કાશ્મીરમાં કાયર આતંકી હુમલો, એસપીઓ અને પત્ની તથા દિકરીની ક્રુર હત્યા
મોડી રાત્રે ઘરમાં ઘુસી આતંકવાદીઓએ લોહીની હોળી ખેલી: સમગ્ર વિસ્તારની ઘેરાબંધી
જમ્મુ અને કાશ્મીરના અવંતીપોરામાં ગઈ મધરાત્રે આતંકવાદીઓએ કાયરતાપુર્વક હુમલો કરી જમ્મુ-કાશ્મીર પોલીસદળના એસપીઓ અને તેમના પત્ની તથા દિકરીની ક્રુર ઢબે હત્યા કરી નાખતા ખળભળાટ મચી ગયો હતો. સશસ્ત્ર દળોના ધાડા ધસી ગયા છે અને સમગ્ર અવંતીપોરા વિસ્તારને ઘેરી લીધો છે. ફરાર થઈ ગયેલા આતંકવાદીઓની જોરદાર શોધખોળ કરવામાં આવી રહી છે.
ગઈકાલે મધરાત્રે એસપીઓ ફૈયાઝ અહેમદના ઘરમાં ઘુસી ગયેલા આતંકવાદીઓએ આડેધડ ગોળીબાર કર્યો હતો. ફૈયાઝ અહેમદના માથામાં ગોળી મારી દેતા પોલીસ અધિકારી સ્થળ પર શહિદ થઈ ગયા હતા. બેફામ ગોળીબારમાં ઘવાયેલા શહિદ જવાનના પત્ની અને પુત્રીને ગંભીર હાલતમાં તાત્કાલીક દવાખાને ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન આજે વહેલી સવારે માતા-પુત્રીનું મૃત્યુ નિપજયું હતું.
આ ઘટનાથી સમગ્ર પોલીસદળમાં અરેરાટી પ્રસરી વળી હતી. સમગ્ર વિસ્તારને પોલીસ અને સશસ્ત્ર દળોએ ઘેરાબંધી કરી લીધી છે. હજુ સુધી કોઈ આતંકવાદી સંગઠને હુમલાની જવાબદારી સ્વીકારી નથી પરંતુ ત્રણ આતંકવાદીઓ આવ્યા હોવાનું કેટલાંક નજરે જોનારા સાક્ષીઓએ જણાવ્યું હતું.