ત્રણ વખત રાઈડની હરાજીના નિષ્ફળ પ્રયાસો વચ્ચે તંત્રને ચાર એવા ખાનગી સંચાલકો મળી ગયા કે જે એસઓપી સાથે તમામ રાઈડનું સંચાલન કરવા તૈયાર : હવે તંત્ર જોરમાં, રાઈડ સંચાલકોએ ઝુકવું પડશે

રાજકોટનો પ્રખ્યાત જન્માષ્ટમીનો લોકમેળો રાઈડ વગરનો રહે તેવા એંધાણ વર્તાઈ રહ્યા હતા. પણ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે લોકમેળો રાઈડ વગરનો તો નહીં જ રહે. કારણકે તંત્રને ચાર એવા ખાનગી સંચાલકો મળી ગયા છે કે જે એસઓપી સાથે તમામ રાઈડનું સંચાલન કરવા તૈયાર છે.

રેસકોર્સ મેદાનમાં આગામી 24મીથી પાંચ દિવસીય યોજાનાર લોકમેળામાં કુલ 235 સ્ટોલ અને પ્લોટ ઉભા કરવામાં આવનાર છે. તેમાંથી 165 સ્ટોલનો ડ્રો થઈ ગયો છે. આઈસ્ક્રીમના 16 અને રાઇડ્સના 32 સહિત કુલ 70 જેટલા પ્લોટની હરાજીનું કોકડું ગુંચવાયું છે.  પણ હવે લોકમેળામાં રાઈડ્સના પ્લોટની હરાજીમાં નિયમોની કડક અમલવારીના કારણે રાઈડ્સ સંચાલકો અને કલેક્ટર તંત્ર વચ્ચે સર્જાયેલી મડાગાંઠ ઉકેલવાના નિર્દેશ મળી રહ્યા છે. રંગીલા લોકમેળામાં રાઇડ્સ વગરનો થવાનો છેદ ઉડી ગયો છે. મેળામાં 32 જેટલી રાઇડ્સ માટે ખાનગી સંચાલકોએ તૈયારી દર્શાવી હોવાનું જાણવા મળી રહ્યું છે. કલેક્ટર તંત્ર પાસે ચાર ખાનગી સંચાલકોએ એસઓપીના ચુસ્ત પાલન અને ફુલ પેમેન્ટ સાથે પ્લોટ સંભાળવાની તૈયારી દર્શાવી છે.

રાજ્ય સરકાર દ્વારા લોકમેળા સહિત રાઈડ્સ માટે બનાવવામાં આવેલી એસઓપીમાં કેટલાક નિયમોને લઈને રાઈડ્સ સંચાલકોએ બાંધછોડની માગણી કરી કલેકટર સાથે ત્રણ-ત્રણ વખત બેઠક યોજી હતી અને હરાજીમાંથી બહિષ્કાર કરતા હરાજી મોકૂફ રાખવામાં આવી હતી.

રાઈડ્સ સંચાલકોની મુખ્ય ત્રણ ડિમાન્ડ એવી છે કે, રાઇડ્સમાં ફાઉન્ડેશન, એનડીટી રિપોર્ટ, સોલ રિપોર્ટના નિયમમાં છૂટછાટ આપવામાં આવે. પરંતુ સ્થાનિક તંત્રના હાથમાં પોલીસી ફેરાર કરવાની સત્તા નહીં હોવાથી તેઓ પણ લાચાર છે.કલેકટર તંત્ર દ્વારા રાજ્ય સરકારની માર્ગદર્શિકામાં કોઈ પણ છૂટછાટ નહીં આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધા હતો. બાદમાં હરાજીમાંથી વેપારીઓએ ભાગ લીધો ન હતો. હવે આગામી તારીખ 12 ના રોજ સાંજે 4:00 કલાકે રાઇડ્સના તમામ સંચાલકોને ફરીથી હરાજીમાં ભાગ લેવામાટે કલેક્ટર તંત્ર દ્વારા તેડુ મોકલવામાં આવ્યું છે.

સોમવારે વેપારીઓને હરાજીની છેલ્લી તક અપાશે

લોકમેળામાં વિવિધ પ્લોટ તેમજ સ્ટોલની આખરી હરરાજી સંભવિત આગામી તા. 12 મી ઓગસ્ટ ને સોમવારના રોજ બપોરે 4:00 કલાકે યોજાશે.      જેમાં 1. એ- ખાણીપીણી, 2. બી-1 કોર્નર ખાણી-પીણી, 3. કેટેગરી એક્સ – આઈસક્રીમ, 4. કેટગરી-ઝેડ (ઝેડ ટી કોર્નર), 5. કેટેગરી-ઈ (ઈ યાંત્રિક), 6. કેટેગરી-એફ (એફ યાંત્રિક), 7. કેટેગરી-જી (જી – યાંત્રિક), 8. કેટેગરી-એચ (એચ યાંત્રિક)ના સ્ટોલ પ્લોટની હરરાજી, રાજકોટ શહેર પ્રાંત-1 કચેરી ખાતે બપોરે 4:00 કલાકથી હરરાજી પૂર્ણ થાય ત્યાં સુધી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

વહીવટી અનુકૂળતા મુજબ આ સંભવિત હરરાજીના કાર્યક્રમમાં ફેરફાર પણ થઈ શકે છે, તેમ લોકમેળા અમલીકરણ સમિતિ અને રાજકોટ શહેર-1 નાયબ કલેક્ટરની યાદીમાં જણાવાયું છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.