ચોમાસુ માત્ર 3 જ દિવસ મોડું આવશે, હવામાન વિભાગની સત્તાવાર આગાહી જાહેર
આ વર્ષે ભરઉનાળે ચોમાસા જેવો માહોલ જામ્યા બાદ એવી વાતોએ વેગ પકડ્યો છે કે ચોમાસુ પણ મોડું બેસશે. પરંતુ હકીકત એ છે કે ચોમાસુ માત્ર 3 જ દિવસ મોડું બેસશે. 4 જૂનથી કેરળમાં ચોમાસુ દસ્તક દેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.
ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર ચાલુ વર્ષે નૈઋત્યનું ચોમાસું માત્ર 3 જ દિવસ વિલંબિત થશે. સામાન્ય રીતે કેરળમાં 1 જૂનથી ચોમાસું બેસી જાય છે પરંતુ આ વર્ષે 4 જૂને મેઘરાજાની સત્તાવાર એન્ટ્રી થવાની આગાહી છે. કેરળમાં મેઘરાજાની એન્ટ્રી થાય એટલે દેશભરમાં સત્તાવાર ચોમાસું બેસી ગયું તેમ કહી શકાય.
ભારતીય હવામાન વિભાગે મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ વર્ષે કેરળમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના પ્રારંભમાં માત્ર 3 જ દિવસનો વિલંબ થઈ શકે છે. કેરળમાં ચોમાસાની શરૂઆત 4 જૂને થઈ શકે છે. હવામાન વિભાગે ગયા મહિને આગાહી કરી હતી કે, ભારતમાં અલ નીનોની સ્થિતિ વિકસી રહી હોવા છતાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસા વખતે સામાન્ય વરસાદ રહી શકે છે.
અલ નીનોની ઘટના ભારતથી હજારો કિલોમીટર દૂર પ્રશાંત મહાસાગરમાં થાય છે. દક્ષિણ અમેરિકાના દેશ પેરુમાં દરિયાકિનારે દરિયાની સપાટી પર ગરમ પાણી આવવાનું શરૂ થાય એટલે અલ નીનોની સ્થિતિ પેદા થાય છે. સમુદ્રના તાપમાન અને વાયુમંડલની પરિસ્થિતિમાં થનારા ફેરફારથી સર્જાતી આ ઘટનાને અલ નીનો કહે છે. આ ફેરફારના કારણે સમુદ્રના તાપમાનમાં સામાન્ય કરતાં ઘણો વધારો છે. જેના કારણે દુનિયાભરના હવામાન પર અસર જોવા મળે છે.
હવામાન વિભાગે કહ્યું છે કે, કેરળમાં ચોમાસુ મોડું બેસશે તો પણ તેની અસર તેના ભૌગોલિક વિતરણ પર નહીં થાય. 2019માં કેરળમાં સામાન્ય તારીખ કરતાં ચોમાસું સાત દિવસ મોડું બેઠું હતું અને તે વર્ષે સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાયો હતો. સામાન્ય રીતે ચોમાસું 1 જૂનથી શરૂ થાય છે અને આ સાથે જ ભારતમાં જૂનથી સપ્ટેમ્બર સુધીની ચાર મહિનાની ચોમાસાની ઋતુની શરૂઆત થાય છે. જોકે, આંદમાન અને નિકોબારમાં ચોમાસુ વહેલું આવી જાય છે તેમ છતાં જ્યારે કેરળમાં વરસાદ પડે ત્યારથી જ ભારતમાં તેની શરૂઆત ગણવામાં આવે છે.
એકાદ સપ્તાહ બાદ વિસ્તૃત આગાહી જાહેર કરાશે
“બંગાળની દક્ષિણ ખાડી, સાઉથ આંદમાન સમુદ્ર અને નિકોબાર ટાપુ પર દક્ષિણ-પશ્ચિમનું ચોમાસું 2-3 દિવસ વિલંબિત થઈ શકે છે”, તેમ ભારતીય હવામાન વિભાગના સિનિયર સાયન્ટિસ્ટ આર. કે. જેનામનાનીએ જણાવ્યું. ચોમાસા દરમિયાન દેશના વિવિધ ભાગોમાં કેટલો વરસાદ પડશે અને દર મહિને કેટલો વરસાદ થશે તેની વિગતવાર આગાહી ચાલુ મહિનાના છેલ્લા અઠવાડિયામાં કરશે.
અત્યાર સુધીની હવામાન વિભાગની તમામ આગાહી સાચી પડી, માત્ર 2015માં જ અનુમાન ખોટું પડ્યું
કેરળમાં ચોમાસાની શરૂઆત ક્યારથી થશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા 2005થી કરવામાં આવી રહી છે. ભૂતકાળના રેકોર્ડ જોઈએ તો ખ્યાલ આવે છે કે, કેરળમાં ચોમાસાની શરૂઆતની છેલ્લા 18 વર્ષની એટલે કે 2005થી 2022 સુધીની આગાહી સાચી પડી છે. ફક્ત 2015માં જ આગાહી પ્રમાણે વરસાદ નહોતો આવ્યો. ચોમાસાની આગાહી માટે હવામાન વિભાગ દ્વારા સ્વવિકસિત આર્ટ સ્ટેટિસ્ટિકલ મોડલ તૈયાર કર્યું છે જે 4 દિવસના મોડલ એરર આધારિત છે. આ મોડલોમાં છ પ્રેડિક્ટરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
કૃષિ માટે દર વર્ષ જેવું જ ચોમાસુ રહેવાનું અનુમાન
નિષ્ણાતોનું માનવું છે કે, ચોમાસામાં થોડા વિલંબથી કૃષિ પર અને એકંદર વરસાદ પર અસર નહીં પડે. ચોમાસાના આગમનની તારીખ અને સિઝન દરમિયાન દેશભરમાં કુલ વરસાદ વચ્ચે કોઈ સીધો સંબંધ નથી. ભારતમાં ચોમાસાની ઋતુ દરમિયાન સતત ચાર વર્ષ સુધી સામાન્ય અને સામાન્યથી વધુ વરસાદ જોવા મળ્યો છે. ભારતના કૃષિ ક્ષેત્ર માટે સામાન્ય વરસાદ મહત્વપૂર્ણ છે કારણકે 52 ટકા જમીનમાં વરસાદ આધારિત ખેતી થાય છે. દેશભરમાં વીજ ઉત્પાદન ઉપરાંત પીવાના પાણી માટે મહત્વપૂર્ણ જળાશયોને ભરવા માટે પણ ચોમાસું નિર્ણાયક રહે છે.