- કેરળમાં આગામી ત્રણથી ચાર દિવસમાં ચોમાસુ બેસી જશે તેવી હવામાન વિભાગની આગાહી
ચોમાસાને લઈને હવે ચિંતા કરવાની જરૂર નથી. કારણકે ચોમાસુ એક અઠવાડિયું મોડું આવવાનું છે. પણ વરસાદ સામાન્ય રહેવાનો છે. કેરળમાં આગામી ત્રણથી ચાર દિવસમાં ચોમાસુ બેસી જવાનું છે. તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.કેરળમાં રવિવારે દક્ષિણપૂર્વી ચોમાસુ બેસવાનું હતું, પણ ભારતીય હવામાન વિભાગ તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે હવે ચોમાસાના આગમનને લઈ ત્રણથી ચાર દિવસનો વિલંબ થઈ શકે છે.
મે મહિનાના મધ્ય ભાગમાં હવામાન વિભાગે જણાવ્યું હતું કે કેરળમાં ચોમાસુ 4 જૂનના રોજ આવી શકે છે, અલબત હવામાન વિભાગે આપેલી છેલ્લામાં છેલ્લી માહિતી પ્રમાણે ચોમાસાને લઈ હવે ત્રણથી ચાર દિવસનો વિલંબ થઈ શકે છે.હવામાન વિભાગે જાહેર કરેલી માહિતી પ્રમાણે દક્ષિણ અરેબિયન સમુદ્ર પરથી જે પશ્ચિમી પવનો છે તેમા વધારો થવા સાથે સાનુકૂળ સ્થિતિ સર્જાઈ રહી છે. પશ્ચિમી પવનોની ગહનતામાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે અને આજની આ સ્થિતિને જોતા પશ્ચિમી પવનની ગહનતા 4 જૂનના રોજ સમુદ્ર સપાટીથી 2.1 કિલોમીટર ઉપર થવા જઈ રહી છે.
દક્ષિણપૂર્વ અરેબિયન સમુદ્ર પર વાદળના દ્રવ્યમાનમાં પણ વધારો થઈ રહ્યો હોવાનું જોવા મળે છે. ચોમાસુ બેસવા માટેની આ સાનુકૂળ સ્થિતિ કેરળમાં આગામી ત્રણ-ચાર દિવસ દરમિયાન વધુ સુધારો દર્શાવશે. ચોમાસાને લઈ સતત ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
ચોમાસામાં વિલંબની ખરીફ પાક વાવેતર પર કોઈ અસર નહીં થાય
વૈજ્ઞાનિકોનું માનવું છે કે ચોમાસામાં વિલંબની ખરીફ પાકના વાવેતર તથા દેશમાં એકંદરે વરસાદ પર અસર થવાની નહીંવત શક્યતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે દક્ષિણપૂર્વી ચોમાસુ ગયા વર્ષે 29મી મેના રોજ આવી પહોંચ્યું હતું, વર્ષ 2021માં તે 3 જૂન, 2020માં 1લી મેના રોજ, 2019માં 8 જૂનના રોજ જ્યારે 2019માં 29મી મેના રોજ થયું હતું.