વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતીય અર્થતંત્ર સ્થિર અવસ્થામાં: નાણાં મંત્રાલયનું સત્તાવાર નિવેદન
ચિંતા ન કરતા : વિકાસનો દર ફુગાવાને પચાવી લેશે. અનેક વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતીય અર્થતંત્ર સ્થિર અવસ્થામાં છે તેવું દેશના નાણા મંત્રાલયે સત્તાવાર નિવેદન આપ્યું છે.
વૈશ્વિક સ્તરે નાણાકીય નીતિમાં આક્રમક વલણ હોવા છતાં, ભારતીય અર્થતંત્ર વધુ સારી સ્થિતિમાં છે. મેક્રો-ઈકોનોમિક સ્ટેબિલિટીના આધારે ભારત આગામી વર્ષોમાં સાધારણ ઝડપી ગતિએ વિકાસ કરવા માટે તૈયાર છે. નાણા મંત્રાલયે ઓક્ટોબર માટે જાહેર કરાયેલ માસિક આર્થિક સમીક્ષામાં આ માહિતી આપી છે.
રિપોર્ટ અનુસાર વર્તમાન વૈશ્વિક સ્થિતિને કારણે શેરના ભાવમાં ઘટાડો, કરન્સીમાં નબળાઈ અને બોન્ડની ઊંચી ઉપજ જેવી બાબતો થઈ શકે છે. આનાથી વિશ્વભરની ઘણી સરકારો માટે ઉધાર ખર્ચમાં પણ વધારો થઈ શકે છે. મંથલી ઈકોનોમિક રિવ્યુ અનુસાર, વૈશ્વિક મંદીની આશંકાથી ભારતના નિકાસ વ્યવસાયની અપેક્ષાઓ ઓછી થઈ શકે છે. જોકે, સ્થિતિસ્થાપક સ્થાનિક માંગ, મજબૂત નાણાકીય વ્યવસ્થા અને માળખાકીય સુધારાઓ સાથે સક્રિય રોકાણ ચક્ર આગળ જતાં આર્થિક વિકાસને વેગ આપશે.
વધુમાં નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર ફુગાવાનો દર ભલે થોડા અંશે વધે પણ સામે વિકાસનો દર વધતો રહેશે એટલે ફુગાવાને પચાવવો સહેલો રહેશે. એક તરફ વિશ્વમાં મંદીની અસર વર્તાઈ રહી છે. પણ ભારતની સ્થિતિ મજબૂત છે. જો કે વિશ્વની મંદી ભારતને નિકાસ અને બીજા અન્ય મોરચે નડી શકે છે. પણ સામે સ્થાનિક માંગ સહિતના અનેક પ્લસ પોઇન્ટ પણ છે જે અર્થતંત્રને બુસ્ટ આપતા રહેશે. તેમ જણાવવામાં આવ્યું છે.
નવા ખરીફ પાક આવતા મોંઘવારીનું દબાણ ઘટશે, રોજગારી ઉભી થશે
નાણા મંત્રાલય દ્વારા ગુરુવારે જારી કરાયેલા અહેવાલ મુજબ, ખરીફ પાકના આગમન સાથે, આગામી મહિનાઓમાં મોંઘવારીનું દબાણ ઓછું થશે. આ સાથે, વ્યવસાયની સંભાવનાઓ સુધરવાની સાથે, રોજગારની તકો પણ વધશે. બીજી તરફ મંત્રાલયે તેની માસિક આર્થિક સમીક્ષામાં ચેતવણી આપી છે કે યુએસ મોનેટરી કડક ભવિષ્ય માટે જોખમ છે.