ખાદ્યતેલના વધતા જતા ભાવની ચિંતામાંથી લોકોને મુક્તિ મળી શકે છે. સરકાર દ્વારા હાલ આ મુદ્દે વિચારણા કરાઈ રહી છે. કોરોના સંકટકાળમાં ખાદ્યતેલોના ભાવમા તોતિંગ બમણા જેટલો વધારો થતા કિંમતો રેકોર્ડ ઉંચા લેવલે પહોંચી ગઇ છે જેના પરિણામે મધ્યમ અને ગરીબ વર્ગની મુશ્કેલી વધી ગઇ છે. જંગી ભાવવધારાને ધ્યાનમાં રાખી સરકાર હવે ખાદ્યતેલો પરની આયાત જકાત ઘટાડવા અંગે વિચારણા કરી શકે છે જેથી લોકોને સસ્તુ તેલ ઉપલબ્ધ થઇ શકે. નોંધનિય છે કે, કોરોના મહામારી દરમિયાન દેશમાં ખાદ્યતેલોનો કુલ વપરાશ અને માંગ ઘટ્યા હોવા છતાં સોયાતેલ, સનફ્લાવર અને પામતેલના ભાવમાં બમણાંથી વધારે ઉછાળો જોવા મળ્યો છે. જૂન અંત સુધીમાં આયાતી ખાદ્યતેલ પર લાદવામાં આવેલો આયાત શુલ્ક ઘટાડવા અંગેની જાહેરાત થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર હાલ આ અંગે વિચારણા કરી રહી છે.
સરકારી અધિકારીઓના જણાયા મુજબ વિશ્વમાં ખાદ્યતેલોનો સૌથી મોટો આયાતકાર દેશ જકાત ઘટાડી શકે છે. જકાત ઘટતા સ્થાનિક સ્તરે ખાદ્યતેલોના ભાવ ઘટશે અને વપરાશ વધતા સોયાતેલ- સનફ્લાવર તેલ અને મલેશિયન પામતેલને ટેકો મળશે. તો બીજી બાજુ સ્થાનિક તેલીબિયાં જેવા કે સરસવ, સોયાબીન અને મગફળીની કિંમતો નીચી આવશે.
જૂન અંત સુધીમાં ખાદ્યતેલમાં આયાત શુલ્ક ગજતાંડવા સરકાર સજ્જ!!
વાવણી થતાની સાથે જ આયાતી ખાદ્યતેલ પર જકાત ઘટે તેવી પ્રબળ શકયતા
ખાદ્યતેલોની આયાત જકાત ઘટાડવાનો પ્રસ્તાવ હજી સમીક્ષા હેઠળ છે અને આ મામલે ચાલુ મહિનાના અંત સુધી આખરી નિર્ણય લેવાઇ શકે છે એવું ઘટનાક્રમ સાથે સંકળાયેલા સરકારી અધિકારીઓએ જણાવ્યુ હતુ.
ભારત તેની બે તૃત્યાંશ ખાદ્યતેલની જરૂરિયાત આયાત મારફતે સંતોષે છે. ભારતમાં પામતેલની આયાત પર હાલ ૩૨.૫ ટકા અને ક્રૂડ સોયાતેલ પર ૩૫ ટકા જકાત વસૂલાય છે. પામતેલની આત ઇન્ડોનેશિયા – મલેશિયાથી તો આર્જેન્ટિના, બ્રાઝિલ, યુક્રેઇન અને રશિયાથી સોયાતેલ – સનફ્લાવર તેલની આયાત કરવામાં આવે છે. ઉલ્લેખનિય છે કે, હવે ટુંક સમયમાં દેશમાં ખરીફ તેલીબિયાંનું વાવેતર થશે. જો આયાત જકાત ઘટાડવામાં આવશે તો તેલીબિયાનું ખરીફ વાવેતર પ્રભાવિત થઇ શકે છે.
સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના આંકડા મુજબ ભારતીય બંદરો પર આવલે ક્રૂડ પામતેલની પડતર કિંમત એપ્રિલ ૨૦૨૧ માં ૧૧૭૩ ડોલર પ્રતિ ટન હતી જેનો ભાવ વર્ષ પૂર્વેના સમાન મહિનામાં ૫૯૯ ડોલર પ્રતિ ટન બોલાયો હતો.
આયાત શુલ્ક ઘટાડવા સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિએશનની સરકારને દરખાસ્ત
સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાની કેન્દ્ર સરકાર સાથે બેઠક યોજાઇ હતી જેમાં એસોસિએશન દ્વારા વધતા જતા ખાદ્યતેલના ભાવોને નિયંત્રણમાં લેવા માટે આયાતી ખાદ્યતેલ પર ઝીંકવામાં આવેલી આયાત શુલ્કમાં ઘટાડો કરવા દરખાસ્ત કરવામાં આવી છે. નોંધનીય બાબત છે કે, ભારત તેની જરૂરિયાતના પ્રમાણમાં એક તૃત્યાંશ ભાગના જથ્થા માટે અન્ય દેશો પર નિર્ભર છે ત્યારે આયાત કરવામાં આવતા ખાદ્યતેલ પર સરેરાશ ૩૫% જેટલો આયાત શુલ્ક વસુલવામાં આવે છે.
સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ બી.વી. મહેતાએ સરકારને એવી પણ રજુઆત કરી છે કે, જો આયાત શુલ્ક ન ઘટાડવી હોય તો સબસીડી આપીને પણ ખાદ્યતેલના ભાવ પર નિયંત્રણ મેળવી શકાય છે.