પોક્સો કાયદા હેઠળ ગૂનો માનવા માટે ફિઝિકલ અથવા સ્કિન કોન્ટેક્ટની શરત રાખવી હાસ્યાસ્પદ અને વિચિત્ર : સુપ્રીમ કોર્ટ

આપણા ભારતીય ધાર્મિક ગ્રંથોમાં કહેવાયું છે કે, ૧૦૦ દુષ્કર્મ કરતાં ૧ સ્વપ્નદોષમાં વધુ પાપ લાગે છે. આપણા ધાર્મિક ગ્રંથના રચયિતાઓએ ભવિષ્યના પરિપેક્ષમાં જ જાણે રચના કરી હોય તે રીતે કહેવામાં આવ્યું છે કે, દુષ્કર્મ આચરવું એ શારીરિક કૃત્ય છે અને તેની સજા પણ નક્કી કરવામાં આવી છે પરંતુ દુષ્કર્મના કારણે મહિલા/સગીર/બાળકીના મન પર છૂટતી નકારાત્મક અસર મોટો ગુન્હો છે. સુપ્રીમે એક મહત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું છે કે, નારી ગૌરવ ફક્ત શારીરિક સ્પર્શથી નહીં પરંતુ મલિન ઈરાદાથી પણ હણાય છે. ન્યાયની દેવીની આંખ પર પટ્ટી ભલે હોય પરંતુ ન્યાયતંત્ર ચોક્કસ સંવેદનાને પણ ધ્યાને લે છે તેવું આ ચુકાદા પરથી પુરવાર થાય છે.

પોક્સો કાયદા હેઠળ જાતીય સતામણી સંબંધિત એક કેસમાં સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટના ‘સ્કીન ટુ સ્કીન કોન્ટેક્ટ’ અંગેના ચૂકાદાને રદ કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે બોમ્બે હાઈકોર્ટના ચૂકાદાને માનવામાં આવે તો હાથમાં મોજાં પહેરીને બળાત્કાર થવા લાગશે. હાઈકોર્ટના ચૂકાદાથી કાયદાનો મૂળ આશય જ માર્યો જાય છે. કાયદાનો ઉદ્દેશ્ય ગૂનેગારોને  કાયદાની જાળથી બચવાની મંજૂરી આપવાનો હોઈ શકે નહીં.

સુપ્રીમ કોર્ટે એટર્ની જનરલ, મહારાષ્ટ્ર સરકાર અને રાષ્ટ્રીય મહિલા આયોગ (એનસીડબલ્યુ)ની અલગ અલગ અરજીઓ પર સુનાવણી કરતાં આ આદેશ આપ્યો હતો. ન્યાયમૂર્તિ યુયુ લલિતના અધ્યક્ષપદે બેન્ચે બોમ્બે હાઈકોર્ટનો ચૂકાદો રદ કરતા કહ્યું કે જાતીય સતામણીમાં સૌથી મહત્વપૂર્ણ બાબત જાતીય ઈરાદો છે, બાળક સાથે સ્કીન-ટુ-સ્કીન સંપર્ક નહીં.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, બંધારણમાં આ અંગે સ્પષ્ટ ઈરાદો વ્યક્ત કરાયો છે ત્યારે અદાલતો જોગવાઈમાં અસ્પષ્ટતા પેદા કરી શકે નહીં. સુપ્રીમ કોર્ટની આ બેન્ચમાં જસ્ટિસ એસ. રવિન્દ્ર ભટ અને જસ્ટિસ બેલા એમ ત્રિવેદીનો પણ સમાવેશ થાય છે. જસ્ટિસ બેલા ત્રિવેદીએ હાઈકોર્ટના ચૂકાદાને તર્કહીન ગણાવતા કહ્યું કે, પોક્સો કાયદા હેઠળ ગૂનો માનવા માટે ફિઝિકલ અથવા સ્કિન કોન્ટેક્ટની શરત રાખવી હાસ્યાસ્પદ છે.

આ કાયદાનો આશય બાળકોને જાતીય ગૂનાઓથી બચાવવાનો છે. કોર્ટે કહ્યું કે આ ચૂકાદો માનવામાં આવે તો હાથમાં મોજાં પહેરીને બળાત્કાર કરનારા લોકો ગૂનાથી બચી જશે. આમ થતાં ખૂબ જ વિચિત્ર પરિસ્થિતિ સર્જાશે. બેન્ચે જણાવ્યું કે નિયમો એવા હોવા જોઈએ જે કાયદાને મજબૂત કરે, તેનો આશય જ ખતમ કરી દે તેવા ના હોવા જોઈએ.

સગીરાના શરીરને સ્પર્શવાના અને તેને હાથ લગાવવાના એક પ્રકરણમાં આરોપીને દોષિત ઠેરવી સર્વોચ્ચ અદાલતે તેમને બે વર્ષની સજા ફટકારી હતી. આ ચૂકાદો આપતા સર્વોચ્ચ અદાલતે નોંધ્યું હતું કે ‘ભલે ત્વચાને સ્પર્શ ન પણ થયો હોવ તેમ છતાં આવું કૃત્ય જ અત્યંત ખેદજનક છે.

બોમ્બે હાઈકોર્ટની નાગપુર ખંડપીઠના જસ્ટીસ પુષ્પા ગનેડીવાલાએ કહ્યું હતું કે ‘પુરુષે સગીરાના કપડાં કાઢ્યા ન હોવાથી અને સગીરાના સ્તનને કપડાં ઉપરથી જ સ્પર્શ કર્યો હોવાથી સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ થયો નથી. તેથી તેને પોક્સો કાયદા હેઠળ આ ગુનાને જાતીય અત્યાચાર કહી શકાય નહીં. પુરુષનું આ કૃત્ય આઈપીસીની કલમ ૩૫૪ અનુસાર ‘મહિલાના વિનયભંગ’ના ગુના હેઠળ આવે છે.

આ કેસમાં નીચલી અદાલતે પોક્સો હેઠળ આરોપીને દોષિત ઠેરવી ત્રણ વર્ષની કેદની સજા ફટકારી હતી. જો કે હાઈકોર્ટે આ મામલે પોક્સો હેઠળ સેક્સ્યુઅલ એસોક્ટ ન થતો હોવાનું માની આઈપીસીની કલમ ૩૫૪ હેઠળ છેડતી નો કેસ માન્યો હતો. જોકે, આ ચૂકાદા વિરુદ્ધ દાખલ થયેલી અરજીની સુનાવણીમાં મુખ્ય ન્યાયાધીશની આગેવાનીમાં સુપ્રીમ કોર્ટની બેન્ચે ૨૭મી જાન્યુઆરીએ હાઈકોર્ટના ચૂકાદા પર સ્ટે આપી દીધો હતો.

બોમ્બે હાઇકોર્ટના એક ચુકાદા બાદ ઉઠ્યો હતો મુદ્દો 

બોમ્બે હાઇકોર્ટની નાગપુર બેન્ચ દ્વારા જાતીય શોષણના એક આરોપી વિષે પોકસો એક્ટ હેઠળ ચુકાદો આપતા જણાવ્યું હતું કે અંગત અંગોનો સ્કીન ટુ સ્કીન કોન્ટેક્ટ ન થાય તો પોકસો એકટ હેઠળ સજા ન થઈ શકે. એટર્ની જનરલ કેકે વેણુગોપાલે આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં ઉઠાવ્યો હતો. આ મામલે સુપ્રીમ કોર્ટે એટર્ની જનરલ કેકે વેણુગોપાલને અરજી દાખલ કરવા માટે કહ્યું હતું. ફરી આ મુદ્દે સમર્થન કરતાં મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગ, મહારાષ્ટ્ર સરકાર સહિત અન્ય પક્ષકારો તરફથી થયેલી યાચિકાઓ પર સુનાવણી થઈ હતી. ૩૦ સપ્ટેમ્બરે આ મામલે સુનાવણી પૂરી થઈ હતી.

પોકસોના એક્ટના અર્થઘટનમાં થઈ શકે છે ફેરફાર !!

આ દરમિયાન અરજી કરનાર લોકોએ કોર્ટમાં કહ્યું હતું કે હાઈકોર્ટના ચુકાદાનો મતલબ એ થાય છે કે જો જાતીય શોષણ થાય તો આરોપી અને પીડિતા વચ્ચે સ્કીન ટુ સ્કીન કોન્ટેક્ટ થવો જોઈએ. એટર્ની જનરલે કહ્યું હતું કે આ મામલે ફેરફાર આવે વિચાર કરવાની જરૂર છે. આ રીતે તો વ્યાભીચારીઓને છૂટો દોર મળી જશે અને સજા આપવામાં મોટી તકલીફ ઊભી થશે. હવે આ મુદ્દે સુપ્રીમ કોર્ટનો અંતિમ નિર્ણય આવ્યા બાદ જ જાણી શકાશે કે પોકસો એકટ હેઠળ સજાની જોગવાઈ મુદ્દે કાયદામાં કોઈ ફેરફાર થાય છે કે અર્થઘટનમાં ફેરફાર કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.