પ્રાંસલામાં ચાલતી રાષ્ટ્રકથા શિબિરના ત્રીજા દિવસે અનેક મહાનુભાવોનો મેળાવડો

સ્વામી ધર્મબંધુજી દ્વારા આયોજીત રાષ્ટ્રકથા શિબિરના ત્રીજા દિવસના પ્રવચન સત્રમાં કેન્દ્રીય જળશકિત પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવત મેઘાલયના રાજયપાલ પ્રો. તથાગત રોય, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, ધારાસભ્ય વિક્રમ માડમ, કર્ણાટક હાઈકોર્ટના જસ્ટીસ ક્રિષ્ના દિક્ષીત, એનસીઈઆરટીના નિવૃત પ્રો.ડો.જે.એસ.રાજપુત, એરમાર્શલ (નિવૃત) અનિલ ચોપડા, ભાભા અણુ મથકના વૈજ્ઞાનિક ડો.ગૌતમકુમાર ડે તેમજ બેંગ્લોરના અગ્રણી કે.હરેશ ભટ્ટના માર્ગદર્શક પ્રવચનો યોજાયા હતા.

કેન્દ્રીય જળશકિત પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવત સંસદ પછી અહીંયા ભારતના વિભિન્ન રાજયોનું પ્રતિનિધિ જોવા મળે છે. તેમણે શિબિરાર્થીઓને કહ્યું હતું કે, આપણે સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લેવાનો અવસર મળી શકયો નથી પરંતુ સાંપ્રત સમયમાં ભારત વિભિન્ન ક્ષેત્રે પ્રગતિ સાધી રહેલ છે ત્યારે માત્ર તેના દર્શક બની ના રહેતા તેમાં યોગદાન આપવા સંકલ્પબઘ્ધ થવા અનુરોધ કર્યો હતો. આ શિબિર દ્વારા સ્વામી ધર્મબંધુજી શિબિરાર્થીઓને રાષ્ટ્રીયતા માટે દિક્ષીત કરી રહ્યાનો ભાવ તેમણે વ્યકત કર્યો હતો. આ માટે તેમણે પ્રત્યેક વ્યકિતને તેમના કાર્ય કરતી વખતે તે રાષ્ટ્ર માટે કરે છે એવી ભાવનાથી કરવાનો અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે શિબિરાર્થીઓને જીવનમાં અનુશાસન અને જે કાંઈ પણ શીખવા મળે તેને પોતાની ડાયરીમાં નોંધી લેવા માટે સાથે નાની ડાયરી રાખવાની શીખ આપી હતી. શેખાવતએ રાષ્ટ્ર અને વિશ્ર્વ સમક્ષ પીવાના શુઘ્ધ પાણીની અને પ્રદુષિત પાણી અંગેની સમસ્યાઓથી અવગત કરાવ્યા હતા. આ માટે તેમણે પાંચ સુત્રો આપ્યા હતા. વરસાદી પાણીની સંગ્રહ શકિત વધારવી, વિવેકપૂર્વક પાણીનો ઉપયોગ કરવો, પાણીનો પુન:ઉપયોગ કરવાનું પ્રમાણ વધારવું, પાણી વપરાશમાં અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવો અને જળ આંદોલનને જન આંદોલનમાં રૂપાંતરીત કરવું.

Shankarsinh Vaghela

મેઘાલયના રાજયપાલ પ્રો.તથાગત રોયએ ભગવા રંગનો અસલ મહિમા રજુ કરતા છત્રપતિ શિવાજી અને તેમના સમર્થ ગુરૂ રામદાસનો પ્રેરક કિસ્સો કહ્યો હતો કે, જયારે ગુરૂ રામદાસ ભીક્ષા માંગી રહ્યા હતા તેનાથી શિવાજીને લાગી આવ્યું અને તેમણે પોતાનું સમગ્ર રાજય ગુરૂજીના શરણે ધરી દીધુ પરંતુ ગુરૂજીએ પોતાના ભગવા વસ્ત્રો શિવાજીને આપીને પ્રતિનિધિરૂપે શાસન કરવા આદેશ આપ્યો. આથી ગુરૂજીના વસ્ત્રોમાંથી અગ્નિશીખા સ્વરૂપ ભગવો ઘ્વજ બનાવીને શિવાજીએ આજીવન શાસન કર્યું હતું. આ મહિમા ગુરૂ રવિન્દ્રનાથ ટાગોરની પ્રતિનિધિ કવિતામાં પણ દર્શાવી છે. વધુમાં તેમણે સ્વામી વિવેકાનંદના જીવનના પ્રેરક પ્રસંગો અને જીવનમાં ભ્રમણથી આવતા પ્રેરક પરિવર્તન અંગેના પ્રસંગો વર્ણવ્યા હતા.

પૂર્વ સાંસદ અને ધારાસભ્ય વિક્રમ માડમએ તમામ ધર્મથી ઉપર માનવ ધર્મ છે માટે તેનું અનુસરણ કરવા જણાવેલ. તેમણે શિબીરાર્થીઓને પહેલા સ્વંયને મજબુત કરવા વ્યસનોથી મુકત રહેવા, ખુબ શિક્ષીત બનવા અને ત્યારબાદ રાષ્ટ્રની સેવામાં પ્રદાન કરવા જણાવેલ. વધુમાં તેમણે પ્રત્યેક વ્યકિતએ જીવનમાં રકતદાન, વિધાદાન અને શ્રમદાનમાં યોગદાન આપવા જણાવેલ. અત્યાર સુધીમાં સ્વયં ૩૯ વખત રકતદાન સહિત ગુજરાતમાં સર્વાધીક ૬૦૦ રકતદાન કેમ્પ આયોજીત કર્યાનું સગૌરવ તેમણે જણાવેલ. વધુમાં તેમણે કોઈપણ પક્ષના રાજનેતાઓને કદાપી ભાંડવા નહીં તેવી અપીલ કરતા જણાવેલ કે આપ ૧૦૦ ટકા મતદાન કરો, રાષ્ટ્રની તમામ સમસ્યાઓ આપમેળે ઉકેલાશે.

કર્ણાટક હાઈકોર્ટનાં જસ્ટીસ ક્રિષ્ના દિક્ષીતએ શિબિરાર્થીઓને જ્ઞાનથી સમૃદ્ધ બનવા અને રાષ્ટ્રપ્રેમી થવા અનુરોધ કરેલ. વધુમાં તેમણે બીજા વિશ્ર્વયુદ્ધમાં વિજય પછી ચર્ચિલની પ્રતિક્રિયાઓને દર્શાવીને વિજયના બીજ શાળા-કોલેજમાં અભ્યાસ કરતા છાત્રોમાં રોપાય છે તેમ જણાવેલ.

Air Marshal Arun Chopra

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ હિન્દુસ્તાન અને પાકિસ્તાનના જનક રાષ્ટ્રપિતા અહીંયા માત્ર ૪૦ કિમીના અંતરે જ જન્મયા હતા. ઝીણાના પૂર્વજોએ ધર્મપરિવર્તન ના કર્યું હોત તો કદાચ પાકિસ્તાનનું સર્જન ના થયું હોત. વધુમાં તેમણે વિશ્ર્વમાં જર્મનીનું એકીકરણ થયું. કોરિયા પણ એ પંથે છે. આપણે ત્યાં નફરતનું ઝહેર એટલુ ના ફેલાવીએ કે ભવિષ્યમાં ભારત-પાકિસ્તાનની એકીકરણની સંભાવના જ મટી જાય.

એનસીઈઆરટીના પૂર્વ નિર્દેશક પ્રો.જે.એસ.રાજપુતએ શિબિરાર્થીઓને અધ્યયન પછી મનન કરવાની આદત કેળવવા અનુરોધ કરેલ. વધુમાં તેમણે જિજ્ઞાસાવૃતિ જાળવી રાખવા, કર્તવ્ય પાલન કરવા જરૂરથી વધુ સંગ્રહ ન કરવા, પ્રત્યેક ક્ષેત્રમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવવા સમજાવ્યા હતા.

Gautamkumar Day

ભાભા અણુ મથક કેન્દ્રના વૈજ્ઞાનિક ડો.ગૌતમકુમાર ડે એ પીપીટીની મદદથી અણુરીએકટર કેવી રીતે બનાવવામાં આવે છે. યુરેનિયમ બનાવવા માટેના ભારતના સફળ પ્રયાસોની ગાથા વિગેરે દર્શાવીને એટોમિક એનર્જીનો વૈજ્ઞાનિક તેમજ માનવજીવનને સુલભ બનાવવા માટે આરોગ્ય, કૃષિ, ફળ, ફુલ વિગેરે ક્ષેત્રે થઈ રહેલા ઉપયોગની જાણકારી આપી હતી. હવે એટોમિક એનર્જી ક્ષેત્રે ભારત ટોચના ૭ દેશોમાં સમાવેશ પામે છે અને સ્વનિર્ભર બન્યાની ગૌરવશાળી વાતો રજુ કરી હતી.

નિવૃત એરમાર્શલ અરૂણ ચોપરાએ એરફોર્સના કાર્યક્ષેત્ર અંગેની વિડીયો ફિલ્મ, તાજેતરની એરસ્ટ્રાઈક વિગેરેની રોચક માહિતી આપીને ગૌરવશાળી જીવન જીવવા માટે લશ્કરમાં સેવા આપવા આગળ આવવા શિબીરાર્થીઓને અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે પ્રાચીન સમયથી ભારત જ્ઞાન-વિજ્ઞાનમાં સમૃદ્ધ છે અને તે જાળવી રાખવાની જવાબદારી શિબીરાર્થીઓની છે આ માટે સંવિધાન દર્શાવેલ ફરજ પાલન, આમુખની પ્રતિજ્ઞા અનુસરવા સહુને અનુરોધ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.