સમર્થકો અને શુભેચ્છકો સતત ચેમ્બરમાં પડ્યા પાથર્યા રહેતા હોવાના કારણે મેયર ચેમ્બરમાં બોર્ડ મારવા પડ્યા
શહેરમાં કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન સતત વધી રહ્યું છે. મેળાવડા કે જાહેર કાર્યક્રમો ન યોજવા માટે મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ દ્વારા આદેશ આપવામાં આવ્યા છે. નવનિયુક્ત પદાધિકારીઓને શુભેચ્છા આપવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય અને અમુક સમર્થકો ચેમ્બરમાં જ પડ્યા પાથર્યા રહેતા હોવાના કારણે અંતે કંટાળી મેયર ચેમ્બરમાં એવા બોર્ડ લગાવવાની ફરજ ઉભી થઈ છે કે, અગત્યના કામ સીવાય ઓફિસમાં કોઈએ બેસવું નહીં અને ખાસ કરીને શરદી-તાવ-ઉધરસ કે અન્ય બીમારીથી પીડાતા વ્યક્તિએ રૂબરૂ મળવાનો આગ્રહ રાખવાના બદલે ફોન પર જ સંપર્ક કરવો.
રાજકોટ મહાપાલિકાના 21માં મેયર તરીકે ડો.પ્રદિપભાઈ હવે ચાર્જ સંભાળ્યા બાદ સતત એક સપ્તાહથી પણ વધુ સમય શુભેચ્છકો અને સમર્થકોના ટોળે ટોળા કોર્પોરેશન કચેરીમાં જોવા મળ્યા હતા. જેમાં કોરોનાની મુખ્ય ગાઈડ લાઈન એવી સોશિયલ ડિસ્ટન્સીંગનો ખુલ્લેઆમ ભંગ થતો હતો. બીજી તરફ અનેક લોકો માસ્ક વગર પણ મળવા દોડ્યા આવતા હતા. શહેરમાં હવે કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે અને બીજી તરફ માનવ મેદની એકત્રીત ન કરવા પણ આદેશ આપવામાં આવ્યો છે. જેના પગલે મેયર ડો.પ્રદિપ ડવની ચેમ્બરમાં કોરોના માટે અગત્યના સુચનો એવા બેનર હેઠળ કેટલીક સુચનાઓ જાહેર કરવામાં આવી છે. જેમાં મેયરને ઓફિસે મળવા આવતા પહેલા અને ઓફિસમાં રહેવાનું થાય તે સમયે ફરજિયાત માસ્ક પહેરવું, શરદી-તાવ-ઉધરસ કે અન્ય બીમારીથી પીડાતા લોકોએ રૂબરૂ મળવાનો આગ્રહ રાખવો નહી, માત્ર ફોન પર જ સંપર્ક કરવાનો અનુરોધ છે. અગત્યના કામ સીવાય ઓફિસમાં બેસવું નહીં તેવી પણ તાકીદ કરાઈ છે.
ઓફિસમાં પ્રવેશતા પહેલા દરેક વ્યક્તિએ હાથ સેનેટાઈઝ કરવા તેવી સુચના આપતા બોર્ડ મેયર ચેમ્બર અને ચેમ્બરની બહાર અલગ અલગ ચાર સ્થળે લગાવી દેવામાં આવ્યા છે. જો કોઈ સમર્થક કે શુભેચ્છકો સન્માન કરવામાં આવે તો તેને એક સાથે અંદર પ્રવેશવા દેવામાં આવતા નથી. માત્ર 5 થી 7 લોકોને ચેમ્બરમાં જવા દેવાની પરવાનગી આપવામાં આવે છે.