કોરોનાને ડામવા તંત્ર સતર્ક
આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ અને રાજકોટના આરોગ્ય પ્રભારી રાહુલ ગુપ્તા ‘અબતક’ની મુલાકાતે: મહામારી વચ્ચે ફેલાયેલા ગભરાટ વિશે ‘અબતક’ના મેનેજીંગ એડિટર સતિષકુમાર મહેતા સાથે ગહન ચર્ચા
કોરોનાના દર્દીની તુરંત ઓળખ થાય અને શ્રેષ્ઠ સારવારથી ઝડપથી સાજા થાય તે માટે તંત્ર સતત પ્રયત્નશીલ: રાહુલ ગુપ્તા
બીજા દેશોની સાપેક્ષે ગુજરાતની સ્થિતિ ખુબજ સારી, હાલ રિવર્સ કવોરન્ટાઈન ખુબજ જરૂરી: જયંતિ રવિ
હાલ કોરોના વાયરસે જેટલો ઉહાપોહ મચાવ્યો છે તેનાથી વધુ ઉહાપોહ તેના ડરે મચાવ્યો છે. ત્યારે હાલની સ્થિતિમાં લોકો જરા પણ ડરે નહીં, માત્ર સાવચેત રહે અને પોતાની તેમજ પોતાના પરિવારની તકેદારી રાખે તેવું રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતમાં જણાવ્યું હતું. જયંતી રવિ અને રાજકોટના આરોગ્ય પ્રભારી રાહુલ ગુપ્તાએ આજે ‘અબતક’ મીડિયા હાઉસની ખાસ મુલાકાત લઈ ‘અબતક’ના મેનેજીંગ એડિટર સતિષકુમાર મહેતા સાથે ગહન ચર્ચા કરી હતી.
‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવેલા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, ગુજરાત અને રાજકોટની સ્થિતિ ખુબ સારી છે. બ્રિટન અને ઈટલી જેવા દેશોમાં જ્યાં ડેથ રેશીયો ૪૦ થી ૫૦ ટકા છે ત્યારે ગુજરાતમાં આ રેસીયો માત્ર ૩ ટકાનો છે. આમ હાલ આરોગ્ય બાબતે ગુજરાતની પરિસ્થિતિ બીજા રાજ્યો કે દેશોની તુલનાએ સારી છે. હાલ સમગ્ર રાજ્યમાં જેમાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાને મહાત આપવા ખુબ પ્લાનીંગથી કામગીરી કરવામાં આવી છે. સરકાર દ્વારા જ્યાં જ્યાં જરૂર પડી છે ત્યાં સુધારા વધારા કરી દર્દીને સરળતા કેમ રહે તેના પર ધ્યાન આપ્યું છે. ઉપરાંત કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે પણ તમામ પ્રયત્નો હાથ ધર્યા છે.
વધુમાં આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ કહ્યું કે, કોરોના વૈશ્ર્વિક મહામારી છે. જેનાથી લોકોએ ગભરાવવાની જરાય જરૂર નથી. માત્ર લોકો તકેદારી રાખે અને પોતાની તેમજ પોતાની પરિવારનું ધ્યાન રાખે તે જરૂરી છે. ઉપરાંત તેઓએ ઉમેર્યું કે, હવે ઘણી છુટછાટો મળી છે. એટલે લોકોએ સાવચેતી પર વધુ ધ્યાન આપવું જરૂરી છે. ખાસ કરીને રિવર્સ ક્વોરન્ટાઈન ઉપર લોકોએ વધુ ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. જે સીનીયર સીટીઝન છે તેઓને શકય ત્યાં સુધી સેલ્ફ કવોરન્ટાઈન થઈ ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. તેઓને બહાર જવાની ઈચ્છા થાય તો તેઓ અગાસી કે ફળીયા ઉપર હરવું-ફરવું જોઈએ. જયંતિ રવિએ જાહેર જનતાજોગ સલાહ આપતા જણાવ્યું કે, તમે જે ઘરમાં રહો છો તે ઘરમાં હવા ઉજાસ હોવી જરૂરી છે. જો ઘરમાં બારી ન હોય તો કમ સે કમ એકજોસ્ટ ફેન તો હોવો જ જોઈએ.
આરોગ્ય પ્રભારી અને રાજ્યના ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તાએ જણાવ્યું કે, છેલ્લા ૫ થી ૬ દિવસથી શહેરમાં કોરોના ઉપર કાબુ મેળવવા ખુબ પ્લાનીંગથી કામગીરી શરૂ કરવામાં આવી છે. અગાઉ શહેરમાં સર્વેલન્સ ટીમો હતી તેની સંખ્યા વધારીને ૧૨૦૦ કરી દેવામાં આવી છે. દરેક ઘર દર ત્રીજા દિવસે સર્વેલન્સ ટીમ કવર કરી શકે. શહેરના ૧૮ વોર્ડમાં ૩૬ વાહનો ફકત ટેસ્ટીંગ માટે રાખવામાં આવ્યા છે. જે ઘરે ઘરે જઈ જે લોકોમાં લક્ષણો જણાય તેના કોરોના ટેસ્ટ કરે છે.
સિવિલ હોસ્પિટલમાં પણ ખાસ ટીમ બેસાડવામાં આવી છે. દરેક વોર્ડમાંથી જે શંકાસ્પદ કેસો આવે છે તેઓને આ ટીમ સંભાળે છે.
ટ્રીટમેન્ટ, બીહેવીયર અને ફેસેલીટી આ ત્રણ બાબતો આરોગ્ય વિભાગ માટે સર્વસ્વ: જયંતિ રવિ
‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે પધારેલા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, આરોગ્ય વિભાગે આ મહામારીમાં ત્રણ બાબતો જેમાં ટ્રીટમેન્ટ, બીહેવીયર અને ફેસેલીટીનો સમાવેશ થાય છે. પ્રથમ આરોગ્ય વિભાગ દ્વારા ટ્રીટમેન્ટ ઉપર ધ્યાન દેવામાં આવે છે. ત્યારબાદ દર્દીઓ સાથેના વર્તન ઉપર અને ત્યારબાદ દર્દીઓને આપવામાં આવતી સવલત ઉપર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે છે. આ મહામારીમાં આરોગ્ય વિભાગની જવાબદારી મુખ્ય બની છે ત્યારે આરોગ્ય વિભાગ સતત આ જવાબદારીમાં ચૂક ન રહે તે માટે કાર્યશીલ છે. વધુમાં આરોગ્ય અગ્ર સચિવે કહ્યું કે, દર્દીઓએ દવાની સાથો સાથ પ્રાણાયામ પણ કરવા જરૂરી છે. ઉપરાંત ડિસેમ્બર સુધીમાં દવા આવે તેવું અનુમાન છે. જો કે, હાલ તો દર્દીનો ઈમ્યુનિટી પાવર જ સાચી દવા છે.
સોમવારથી દરરોજ સવારે ૯ વાગ્યે કોરોનાના આંકડા સહિતનો રિપોર્ટ જાહેર કરાશે: રાહુલ ગુપ્તા
રાજકોટના આરોગ્ય પ્રભારી રાહુલ ગુપ્તાએ જણાવ્યું કે, વર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને સિવિલ વ્યવસ્થામાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. જેને સોમવારથી લાગુ કરવામાં આવનાર છે. ખાસ તો ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાંથી રસ્તા કાઢી મૃતદેહને પાછળના બારણેથી અંતિમવિધિ માટે મોકલવાનું આયોજન ગોઠવવામાં આવ્યું છે. આ માટે સ્થળ નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. વધુમાં હવે દરરોજ ૯ વાગ્યે કોરોનાના આંકડા સહિતનો રિપોર્ટ જાહેર કરવામાં આવશે.