એર ઈન્ડિયા અવિરત ઉડાન ભરશે, સેવા પણ સુધારવામાં આવશે
એર ઈન્ડિયા અવિરત ઉડાન ભરશે અને તેની સુવિધા પણ સુધરશે તેવું ઉડ્ડયન મંત્રાલયનું કહેવું છે. એક તરફ એર ઈન્ડિયા પરના આર્થિક ભારણ અને નુકશાનના કારણે સરકાર વધુ પ્રમાણમાં નાણા એર ઈન્ડિયામાં નાખવા ઈચ્છતી નથી તેવા સંજોગોમાં એર ઈન્ડિયાને અવિરત ઉડાન ભરાવવા માટે ઉડ્ડયન મંત્રાલયે તૈયારી કરી રહ્યું છે.
ડિસેમ્બર મહિનામાં એર ઈન્ડિયાના ચીફ અશ્ર્વની લોહાનીએ ઉડ્ડયન મંત્રાલયને એર ઈન્ડિયાની આર્થિક સ્થિતિ અંગે જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, એર ઈન્ડિયાની આર્થિક સ્થિતિ અસહ્ય છે. એર ઈન્ડિયા હવે વધુ ઓપરેટ થઈ શકે તેમ નથી. જો કે, ત્યારબાદ એર ઈન્ડિયાને બંધ કરી દેવાશે તેવી ચર્ચાએ જોર પકડતા એર ઈન્ડિયાના ચિફે જ આ વાતો પાયાવિહોણી હોવાનો દાવો કર્યો હતો. દરમિયાન એર ઈન્ડિયા સતત ઉડાન ભરશે તેવો દાવો ઉડ્ડયન મંત્રાલયે કર્યો છે. માત્ર ઉડાન જ નહીં ભરે પરંતુ એર ઈન્ડિયાની સેવામાં પણ સુધારા કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.
અહીં નોંધનીય છે કે, વર્ષ 2018 થી 19માં એર ઈન્ડિયાનો નેટ લોસ (નુકશાન) રૂા.8556 કરોડ જેટલો હતો. અત્યાર સુધીમાં એર ઈન્ડિયાનું કુલ નુકશાન 80,000 કરોડ જેટલું તોતીંગ રહ્યું છે. પરિણામે સરકાર એર ઈન્ડિયાને ખાનગી કંપનીને સોંપવા ઈચ્છતી હોવાનું જાણવા મળે છે તે પહેલા એર ઈન્ડિયા બંધ થઈ જશે તેવી વાતોથી બજાર ગરમ થયું હતું. ત્યારે હવે ઉડ્ડયન મંત્રાલય એર ઈન્ડિયાને ઉડાન ભરાવવાનું ઈચ્છી રહ્યું છે.