ઘરના જ ઘાતકીઓ હોય, આતંકવાદનો સફાયો કરવામાં વિલંબ: જો આખો પ્રદેશ આતંકવાદ મુક્ત બને તો સ્થાનિકોનો વિકાસ ચરમસીમાએ પહોંચે

જમ્મુ કાશ્મીરએ ધરતી ઉપર ઇશ્વરે બનાવેલું સ્વર્ગ છે. પણ આ સ્વર્ગ હવે માત્ર કહેવા પૂરતું જ રહ્યું છે. આતંકવાદને પરિણામે અહીં અશાંતિ ફેલાઈ રહી છે. જેને લીધે હવે આ સ્વર્ગ દોજખ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. સામે સરકાર પણ આ સ્વર્ગને જન્નત બનાવવા કમર કસી રહી છે. પરંતુ ઘરના જ ઘાતકીઓ હોય અહીં શાંતિ સ્થાપવામાં વિલંબ થઈ રહ્યો છે. જમ્મુ કાશ્મીરમાં વર્ષોથી આતંકવાદ પ્રવૃતિઓ સામે સરકાર એક્શન લઈ રહી છે. પણ હજુ સુધી આતંકવાદને જડમૂડથી નાથવામાં સફળતા

મળી નથી. ધર્મ ઝનૂનઝતાને કારણે અહીં આતંકવાદ એટલો ભયાનક સ્તરે પહોચ્યો છે જેની કોઈ સીમા રહી નથી. એક તરફ સરકારે જમ્મુ અને કાશ્મીરના લોકો માટે અનેક ક્રાંતિકારી નિર્ણયો લીધા છે. જેથી તેઓનો વિકાસ થઈ શકે. આ ઉપરાંત કુદરતે ત્યાં ભૌગોલિક રીતે એટલું આપ્યું છે કે ત્યાંના લોકો જાતે જ વિકાસ કરી શકે તેમ છે. ત્યાં ટુરિઝમ પણ એટલી હદે વિકસી શકે તેમ છે. જેની કોઈ સીમા નથી. પણ આ બધામાં આતંકવાદ નડતરરૂપ બની રહ્યો છે. બહારના આંતકવાદીઓ કરતા તેને મદદરૂપ થનારા ઘરના ઘાતકીઓ સરકાર માટે શિરદર્દ બની ગયા છે.

બે કાશ્મીરી પંડિત ભાઈઓ ઉપર આતંકીઓનો ગોળીબાર, એકનું મોત

જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર કાશ્મીરી પંડિતોને નિશાન બનાવવામાં આવ્યા છે.  દક્ષિણ કાશ્મીરના શોપિયાંમાં આતંકીઓએ પહેલા બે કાશ્મીરી પંડિત ભાઈઓને તેમના નામ પૂછ્યા.  આ પછી અંધાધૂંધ ગોળીઓ ચલાવવામાં આવી.  ફાયરિંગમાં સુનિલ કુમાર ભટ્ટનું મોત થયું હતું.  જ્યારે તેનો ભાઈ ગંભીર રીતે ઘાયલ છે.  તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.  સફરજનના બગીચામાં આતંકવાદીઓએ કાશ્મીરી પંડિત ભાઈઓ પર ગોળીબાર કર્યો છે. પ્રાથમિક માહિતી મુજબ સુનીલ ભટ્ટ અને તેનો ભાઈ તેમના સફરજનના બગીચામાં જઈ રહ્યા હતા.  આ દરમિયાન આતંકવાદીઓએ તેને તેનું નામ પૂછ્યું અને પછી ગોળીઓ ચલાવવાનું શરૂ કર્યું.  કાશ્મીરી પંડિત સુનિલ કુમાર ભટ્ટનું ટાર્ગેટ કિલિંગમાં મૃત્યુ થયું હતું.  જ્યારે પરતિંબર નાથ ગોળીબારમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા.

જમ્મુમાં એક જ પરિવારના 6 સભ્યોના મૃતદેહ મળ્યા

જમ્મુના સિદ્રા વિસ્તારમાં એક જ પરિવારના છ સભ્યો તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા.  માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.  પોલીસે મૃતદેહનો કબજો મેળવી તપાસ શરૂ કરી છે.  પોલીસે જણાવ્યું કે બુધવારે અહીં તેમના ઘરે એક પરિવારના છ સભ્યો શંકાસ્પદ સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.  મૃતકોની ઓળખ સકીના બેગમ, તેની બે પુત્રીઓ નસીમા અખ્તર અને રૂબીના બાનો, પુત્ર ઝફર સલીમ અને બે સંબંધીઓ નૂર-ઉલ-હબીબ અને સજ્જાદ અહેમદ તરીકે કરવામાં આવી છે. સિદ્રા વિસ્તારમાં એક ઘરમાંથી બે મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે બીજા ઘરમાંથી ચાર મૃતદેહો ત્યાંથી મળી આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે મૃતદેહોને અહીંની સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.  પોલીસની ટીમો વિસ્તારમાં પહોંચી ગઈ છે.  તપાસ શરૂ કરવામાં આવી છે.

જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસ તરફથી મોટી જવાબદારી ગુલામ નબી આઝાદે ન સ્વીકારી

કોંગ્રેસે જમ્મુ-કાશ્મીરના સંગઠનમાં મોટો ફેરફાર કરીને ગુલામ નબી આઝાદને મોટી જવાબદારી સોંપી હતી. પરંતુ થોડા કલાકો બાદ તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.ગુલામ નબી આઝાદને પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.પણ તેઓએ આ જવાબદારીમાંથી મુક્તિ મેળવી લીધી છે. ગુલામ નબી આઝાદ રાવણની લંકામાં વિભીષણ જેવા હોવાનું રાજકીય નિષ્ણાંતો જણાવી રહ્યા છે. સૂત્રો અનુસાર તેઓએ અત્યાર સુધી પોતાની છબી ખુબ સારી રાખી હોય, હવે રાજકારણના અંતિમ ચરણમાં તેઓ તેમાં દાગ લગાડવા ઇચ્છતા ન હોય તેઓએ કોંગ્રેસની આ જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખ્યા છે.

સેનાની બસને અકસ્માત, 7 જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં એક મોટી દુર્ઘટના ઘટી છે.  અહીં આઇટીબીપીના જવાનોથી ભરેલી બસ નદીમાં પડી હતી.  આ દુર્ઘટનામાં 7 જવાનોના શહીદ થયા હતા. ઘાયલ થયેલા ઘણા સૈનિકોની હાલત પણ નાજુક છે, તેથી તેમને સારી સારવાર માટે એરલિફ્ટ કરીને શ્રીનગર લઈ જવામાં આવ્યા હતા.  જે બસમાં અકસ્માત થયો તેમાં કુલ 39 જવાન સવાર હતા.  આમાં 37 જવાન આઇટીબીપીના અને 2 જવાન જમ્મુ-કાશ્મીર પોલીસના હતા.  બસની બ્રેક ફેલ થવાના કારણે આ અકસ્માત થયો હતો અને આ જવાનો ચંદનવાડીથી પહેલગામ તરફ જઈ રહ્યા હતા.  આ એ જ સૈનિકો હતા, જેમની ફરજ અમરનાથ યાત્રામાં લાગી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.