વસંતરાય વિધુર થયા પછી સાવ નિસ્તેજ થઇ ગયા હતા. એને માટે યક્ષ પ્રશ્ન હતો. સમય પસાર કરવાનો. અતડો સ્વભાવ અને વીડિયો ટી.વી. પ્રત્યેની નફરતે એને એકલવાયા કરી મૂકયા હતા. બાળપણમાં પપ્પા- પપ્પા’ના જાપ જપનારો અને રાત્રે પણ પપ્પાની સાથે જ શયન કરનારો શૈલેષ આજે શહેરનો નામી સર્જન થઇ ગયો હતો. એટલે હવે એની પાસે ફક્ત દર્દીઓ માટે જ સમય હતો – વસંતરાય માટે નહીં- એ વાત વસંતરાય સમજી ચૂકયા હતા.
એક દિવસ વસંતરાય દવાખાને જઇ ચડયા. એક ડોકટર મિત્ર
સાથેની ચર્ચામાં ગૂંથાયેલા શૈલેષના ચહેરાની આજુબાજુ અણગમાનાં વલયો જન્મ્યાં.
“તમે, થોડીવાર બહાર બસોને…. દસેક મિનિટ પછી આવજો…’’ શૈલેષે કહી દીધું.
વસંતરાય પાછા વળે એ પહેલાં જ ડોકટર મિત્રને શૈલેષ કહેતો હતો- ‘આ દાદા મારા પપ્પાના ખાસ મિત્ર છે, બિચારા બહુ ભલા છે…’’
આ શબ્દો સાંભળી વસંતરાયના રુંવેરૂંવે હોળી સળગી ઉઠી. એણે ઝીણી આંખે શૈલેષ જોયું પણ એક અક્ષરેય ન બોલી શકયા કેમ કે પોતાની સ્વર્ગસ્થ પત્નીના છેલ્લા શબ્દો માનસપટ પર અંકિત થયા હતા કે ‘શૈલેષ બહુ મોટો માણસ થઇ ગયો છે. એ જાણતાં અજાણતાં તમારૂં અપમાન કરી બેસે તોય એને ખબર ન પડવા દેતા કે એ આપણા મિત્રનો દીકરો છે…’
વસંતરાયનું બ્લડપ્રેશર અમાપ થઇ ગયું.