દરિયામાં વધતી પાણીની સપાટીથી આગામી ત્રણ દાયકામાં મુંબઈ ડુબી જશે તેવા તાજેતરમાં આવેલા વિદેશી સંસ્થાઓનાં અહેવાલોને વધારે પડતા ગણાવતી કેન્દ્ર સરકાર

ગ્લોબલ વોર્મિંગની સમસ્યાના કારણે પૃથ્વીપર વધી રહેલા તાપમાનથી વિશ્ર્વભરનાં હિમપર્વતો પીગળી રહ્યા છે. જેના કારણે દરિયામાં પાણીની સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આજ સ્થિતિ યથાવત રહીતો આગામી વર્ષ ૨૦૫૦ સુધીમાં ભારતના મુંબઈ સહિતના દરિયા કિનારે આવેલા અનેક શહેરો પાણીમાં ડુબી જશે તેવો એક વિદેશી સંસ્થાએ તાજેતરમાં પોતાના અહેવાલ રજૂ કર્યો હતો.

7537d2f3 3

આ મુદે સંસદમાં ઉઠેલા પ્રશ્ર્નના જવાબમાં કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધને જણાવ્યું હતુ કે આ અહેવાલ વધારે પડતો છે આ માટે ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા સર્વેના ડેટા મુજબ વર્ષ ૨૦૫૦ સુધીમાં મુંબઈ પાસેના દરિયાની જળસપાટીમાં માત્ર ૩.૩૩ સેમીનો વધારો આવશે. જેથી, મુંબઈનો દરિયો ‘માઝા’ નહી મૂકતા આગામી ત્રણ દાયકા સુધી મુંબઈ પર કોઈ મોટો ખતરો નથી.આગામી વર્ષે ૨૦૫૦ સુધીમાં મુંબઈ શહેર દરિયામાં ડુબી જશેના વિદેશી સંસ્થાઓનાં અહેવાલ બાદ આ મુદ્દે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના સાંસદોએ રાજયસભામાં પ્રશ્ર્ન ઉઠાવ્યો હતો. આ પ્રશ્ર્નનો જવાબ આપતા પૃથ્વી વિજ્ઞાન વિભાગના કેન્દ્રીય મંત્રી ડો. હર્ષવર્ધને જણાવ્યું હતુ કે ઈન્ડીયન નેશનલ સેન્ટર ફોર ઓશીયન ઈન્ફરર્મેશન સર્વીસ નામના ભારત સરકારના વિભાગ દ્વારા ભારતીય સમુદ્રમાં થતા ફેરફારો અંગે સતત અભ્યાસ કરવામાં આવે છે. આ સંસ્થાના ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવતા અભ્યાસને વિશ્ર્વભરમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ વૈજ્ઞાનિકોએ કરેલા અભ્યાસના ડેટા મુજબ વર્ષે ૨૦૫૦ સુધીમાં મુંબઈ દરિયામાં ડુબી જશે તે વાત ખોટી છે. આ ડેટા મુજબ મુંબઈ આસપાસના દરિયામાં પાણીની સપાટીમાં દર વર્ષે ૦.૭૪ એમએમનો વધારો થાય છે. જે મુજબ ગણતરી કરવામાં આવે તો વર્ષ ૨૦૫૦ સુધીમાં મુંબઈના દરિયાની સપાટીમાં ૩.૩૩ સે.મી.નો વધારો જ થશે. જેનાથી મુંબઈ પર કોઈ મોટો ખતરો નથી.આ ભારતીય સંસ્થા પાસે વર્ષ ૧૮૭૮થી ૨૦૦૫ સુધીમાં ભારતીય સમુદ્રમાં થયેલા ફેરફારોના ડેટા ઉપલબ્ધ છે. આ ડેટાના તારણો વિશ્ર્વના અનેક ભૂવિજ્ઞાન જર્નલોમાં પ્રકાશિત પણ થયા છે. ઉપરાંત આ ડેટાને વિશ્ર્વભરમાં વ્યાપકપણે મંજૂરી પણ મળેલી છે. જેથી તેના પર વિશ્ર્વાસ રાખવા ડો. હર્ષવધને જણાવ્યું હતુ. તેમને વધુમાં કહ્યું હતુ કે આપણા દેશ માટે વર્ષ ૨૦૦૪ સુધી સુનામી શબ્દ અજાણ હતો આજે આપણે સુનામીની સૌથી ઝડપથી આગાહી આપતા દેશોમાં એક દેશ બની ગયા છીએ. આપણા દેશના હવામાન વિભાગ દ્વારા આપેલા વાવાઝોડાની અનેક આગાહીઓ પણ સાચી પડી છે. દરિયાકાંઠાના શહેરો પર દરિયાઈ સપાટીના વધારાની સીધી અસર કાબુમાં ન આવે તેમ જણાવીને ડો. હર્ષવધને ઉમેર્યું હતુ કે દરિયાઈ સપાટીના વધારાના કારણે દરિયાકાંઠે થનારી સંભવિત અસરો અંગે આ સંસ્થાએ તૈયાર કરેલા ડેટામાં મુંબઈ શહેર ખૂબજ નીચા વિસ્તારમાં આવતુ નથી તેથી મુંબઈ પર વર્ષ ૨૦૫૦ સુધી કોઈ ખતરો નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.