અમેરિકા સાથેની ભારતની નિકટતા ચીનને નથી ગમી રહી : પેન્ટાગોનના રિપોર્ટમાં ધડાકો
ભારત અને અમારી વચ્ચેના સંબંધોમાં હસ્તક્ષેપ ન કરો તેવી ચીને અમેરિકાને ધમકી આપી છે. અમેરિકા સાથેની ભારતની નિકટતા ચીનને નથી ગમી રહી તેવો પેન્ટાગોનના રિપોર્ટમાં ધડાકો કરવામાં આવ્યો છે.
શું ભારત અને ચીનના સંબંધો વચ્ચે અમેરિકા આવી રહ્યું છે? આ સવાલ અમેરિકી રક્ષા વિભાગ પેન્ટાગોનના રિપોર્ટથી ઉભો થયો છે. પેન્ટાગોનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીને અમેરિકી અધિકારીઓને ચેતવણી આપી છે કે તેઓ ભારત સાથેના સંબંધોમાં દખલ ન કરે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારત સાથેના તેમના મુકાબલો વચ્ચે, ચીની અધિકારીઓએ વિશ્વની સામે સંકટની ગંભીરતાને દબાવવાનો પ્રયાસ કર્યો છે. રિપોર્ટમાં એ પણ ભાર મૂકવામાં આવ્યો છે કે શી જિનપિંગ એવી વ્યૂહરચના પર કામ કરી રહ્યા છે જે ભારત સાથેની સરહદ પર સ્થિરતા જાળવી રાખવા અને દ્વિપક્ષીય સંબંધોના અન્ય ક્ષેત્રોને નુકસાન પહોંચાડતા તણાવને ટાળવા માંગે છે.પેન્ટાગોનનો આ રિપોર્ટ ભારતને રાહત આપનાર છે.
ચીનની સૈન્ય ક્ષમતા પર કોંગ્રેસને આપેલા તાજેતરના અહેવાલમાં પેન્ટાગોને કહ્યું કે પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના તણાવ ઓછો કરવા માંગે છે જેથી ભારત અને અમેરિકાની નિકટતા વધુ ન વધે. પીઆરસીના અધિકારીઓએ અમેરિકી અધિકારીઓને ચેતવણી આપી છે કે તેઓ પીઆરસીના ભારત સાથેના સંબંધોમાં દખલ કરવાથી દૂર રહે. અમેરિકાના રિપોર્ટમાં ગાલવાન ખીણની અથડામણનો પણ ઉલ્લેખ છે.
પેન્ટાગોને કહ્યું કે ચીન-ભારત સરહદ પરનો એક વિભાગ વર્ષ 2021 દરમિયાન સામસામે રહ્યો છે. બંને દેશોની સેનાઓ અહીં સામસામે તૈનાત છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત અને ચીન વચ્ચે 2020ની ગાલવાન વેલી અથડામણ બાદ બંને દેશો વચ્ચે 46 વર્ષમાં સૌથી ગંભીર તણાવ ઉભો થયો હતો. ગાલવાન ખીણમાં ભારત અને ચીનની સર્વેલન્સ ટુકડીઓ એકબીજા સાથે અથડામણ કરી હતી. આ દરમિયાન બંને પક્ષના સૈનિકોના મોત થયા હતા.