૫૦૦થી વધુ ખેડૂતો કલેકટર કચેરીએ ઉમટી પડયા: મહાપાલિકાના બીલની રૂ.૪૨ કરોડની જેટલી બાકી રકમ તાત્કાલીક ભરાવીને ડેમ તથા કેનાલનું આધુનિકીકરણ કરાવવાની માંગ: યોગ્ય પગલા નહીં લેવાય તો આંદોલનની ચિમકી
ભાદર-૧ ડેમમાંથી રાજકોટ અને રૂડાને પાણી પૂરું પાડવામાં આવે છે. આ પૂરું પાડવાના કોન્ટ્રાકટની મુદત પૂર્ણ થતી હોય મુદતને ફરી રિન્યુ ન કરવા માટે આજે ભાદર-૧ સિંચાઈ હીત રક્ષક સમીતીની આગેવાનીમાં ૫૦૦ જેટલા ખેડૂતોએ કલેકટર કચેરીએ ઉમટી પડી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. સાથે તેઓએ આ મામલે ત્વરીત પગલા નહીં લેવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિંમકી ઉચ્ચારી હતી.
ભાદર-૧ સિંચાઈ હીત રક્ષક સમીતીએ આવેદનમાં જણાવ્યું હતું કે, ભાદર-૧ના સિંચાઈ એરીયામાં ખેડૂતને અંદાજિત રૂ.૨૦૦ થી ૩૦૦ કરોડનો ગ્રોથ થાય છે અને ભૂતકાળમાં એનપીસી એવોર્ડ પણ મળેલ છે. આ ગ્રોથ દેશની જીડીપી માટે પણ ખૂબ ફાયદાકારક છે. આ ડેમમાંથી રાજકોટ તેમજ રૂડાને પાણી આપવામાં આવે છે જેની મુદત હાલ પૂર્ણ થવાના આરે છે. આ મુદત ફરી રિન્યુ કરવામાં ન આવે તેવી માંગ છે. જેના ઘણા કારણો છે. ભાદર-૧માં કમાન વિસ્તારમાં કુલ ૬૪ ગામો આવે છે જેનો પિયત વિસ્તાર ૧,૦૯,૩૭૫ વિઘામાં આવેલ છે.
આ ડેમની ૧૫૮માં સપના કરવામાં આવી હતી. ત્યારે તેનો એકમાત્ર હેતુ સિંચાઈનો જ હતો. આ ડેમ સિંચાઈ યોજના માટે હોય જેમાંથી રાજકોટને પીવાનું પાણી આપવામાં આવે તે યોગ્ય નથી. ૧૯૮૬-૮૭માં દુષ્કાળ સમયે રાજકોટને પીવા માટે પાણી આપવા ટેમ્પરી પાઈપ લાઈન નાખવામાં આવી હતી. જે રેગ્યુલર થઈ ગઈ છે. હાલ સૌની યોજનાનું પાણી ભાદર-૧માં નાખવામાં આવે છે અને ભાદર-૧માંથી રાજકોટને આપવામાં આવે છે. આમ સરકાર સીધુ રાજકોટને સૌની યોજનાનો લાભ આપે તો બેવડો ખર્ચ બચી શકે છે. અંતમાં સમીતી દ્વારા એવું જણાવાયું છે કે, આ મામલે ત્વરીત કામગીરી નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.
અતિવૃષ્ટિી થયેલી નુકશાનીનું ખેડૂતોને વળતર ચૂકવવા કિશાન સંઘનું આવેદન
ભારતીય કિશાન સંઘ દ્વારા અતિ વૃષ્ટિી થયેલી નુકશાનીનું ખેડૂતોને વળતર ચૂકવવાની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદન પાઠવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે, અતિ વૃષ્ટિના કારણે તલ, મગફળી, કપાસ, બાજરી જેવા પાકોને ભયંકર નુકશાન થયેલ છે. અમુક પાકો સંપૂર્ણ રીતે કોહવાયને નાશ પામેલ છે. ત્યારે તંત્ર દ્વારા તાત્કાલીક સચોટ સર્વે કરાવીને ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ છે. આ ઉપરાંત કિશાન સંઘ દ્વારા ડુંગળી, ટેકાના ભાવે મગફળી ખરીદી, સિંચાઈના કામો, અતિ વૃષ્ટિી થયેલ અન્ય તારાજી અંગે પણ રજૂઆતો કરી તાત્કાલીક ઉકેલ લાવવાની માંગ ઉઠાવી છે.