ચેટની જેમ હવે, તમારું ચેટ બેકઅપ પણ
એન્ડ-ટુ-એન્ડ એન્ક્રીપ્શનથી સજજ હશે
મેસેજિંગ એપ વોટ્સએપ પર હવે તમારી પર્સનલ વાતચીત વધુ સુરક્ષિત થઈ જશે…!! માટે હવે મુંજાતા નહીં…. તમારી સંગ્રહાયેલી વોટ્સએપ ચેટ હવે કોઈ વાંચી નહીં શકે…!! કારણ કે વોટ્સએપે ચેટ બેકઅપ માટે એક નવું ફીચર્સ લોન્ચ કર્યુ છે જેની મદદથી યૂઝર્સ હવે પોતાની ચેટને વધુ મજબૂત બનાવી શકશે..!! વોટ્સએપ યૂઝર્સ હવે બેકઅપને પણ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રીપ્શનનું કવચ આપી શકશે..!!
ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી સાંભળવામાં આવતું હતું કે વોટ્સએપ ક્લાઉડ બેકઅપ માટે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનનું પરીક્ષણ કરવા જઈ રહ્યું છે. આનો અર્થ એ છે કે વોટ્સએપ હવે ગૂગલ ડ્રાઈવ અને આઈ ક્લાઉડમાં બેકઅપ લેવાયેલી ચેટ્સને પણ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રીપ્શન સુરક્ષા પ્રદાન કરશે. વોટ્સએપે એપલ અને એન્ડ્રોઈડ બીટા પરીક્ષકો માટે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન શરૂ કર્યું છે.
હાલમાં, વોટ્સએપના માત્ર ચેટિંગમાં જ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન છે, જેનો અર્થ છે કે મોકલનાર અને પ્રાપ્તકર્તા સિવાય કોઈ ચેટ જોઈ કે વાંચી શકતું નથી. વોટ્સએપ કે ફેસબુક પણ નહીં…!! ત્યારે હવે આ સુવિધા ચેટ બેકઅપ માટે પણ સક્ષમ કરવામાં આવશે. વોટ્સએપે સૌથી પહેલા આઈઓએસ બીટા એપ પર આ ફીચરનું પરીક્ષણ કર્યું. વોટ્સએપ મેસેજિંગ એપ પણ એન્ડ્રોઇડ બીટા એપ માટે સમાન ફીચરનું ટેસ્ટિંગ કરી રહી હતી.
આ સુવિધાથી વપરાશકર્તાને ક્લાઉડ સ્ટોરેજમાં તેમના ચેટ ઈતિહાસને સાચવવાનો વિકલ્પ મળશે અને સાથે સાથે તેની ગોપનીયતા પણ અકબંધ રહેશે. આ ફીચર ખાસ છે કારણ કે જો યુઝર પોતાનો ફોન ગુમાવે તો પણ તે અન્ય ફોનમાં લોગ ઇન કરીને જૂની ચેટ હિસ્ટ્રી જોઈ શકે છે. તેને તેના ફોનમાં બધું સાચવવાની જરૂર રહેશે નહીં.
ઘણી વખત એવું બને છે કે વપરાશકર્તા કોઈ ફાઇલ, દસ્તાવેજ સાચવતો નથી, પરંતુ બાદમાં તેને લાગે છે કે તેને સાચવવી જોઈતી હતી. હવે આવી કોઈ સમસ્યા નહીં હોય..!! ચેટ લોગ, વિડીયો કોલ, વોઈસ મેસેજ, ટેક્સ્ટ મેસેજ અને અન્ય કોઈપણ પ્રકારના મીડિયા મેસેજ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ ક્લાઉડ બેકઅપમાં સુરક્ષિત રહેશે.
આ સુવિધા શરૂ કરવા સૌથી પહેલા તમારે તમારા ફોન પર વોટ્સએપનું લેટેસ્ટ વર્ઝન ઈન્સ્ટોલ કરવું પડશે. તે પછી તમારે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરવા પડશે. જો નીચે આપેલા સ્ટેપ્સ મુજબ તમારા ફોનમાં આ બેકઅપ સુવિધા ઉપલબ્ધ નથી, તો તમારે થોડી રાહ જોવી જોઈએ. શક્ય છે કે થોડા દિવસોમાં તમને આ સુવિધા મળી જાય. સેટિંગ્સ પર જાઓ, ચેટ પર ટેપ કરો> ચેટ બેકઅપ> એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ બેકઅપ પસંદ કરો. આ પછી તમને પાસવર્ડ સેટ કરવાનું કહેવામાં આવશે અથવા તમે 64-અંકની એન્ક્રિપ્શન કી આપોઆપ સેટ કરી શકો છો. આ પછી તમારા ફોન પર બેકઅપ પ્રક્રિયા શરૂ થશે.