આજે વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ
આપણામાંથી ઘણા લોકોને એ નહિ ખબર હોય કે આરોગ્ય વિભાગની સેવામાં જોડાયેલો પડદા પાછળનો સાચો હીરો એટલે ફાર્માસિસ્ટ. દર્દીઓનું દર્દ જાણીને તેની સાચી દવા, સાચા સમયે, સાચી માત્રામા જરૂરી માર્ગદશન સાથે પહોંચાડનાર વ્યક્તિ જ નહીં પરંતુ હેલ્થ કેર સીસ્ટમમાં નવા રોગોની ઓળખ કરીને દર્દીઓને એન્ટીબાયોટીક દવાઓના ઉપયોગ વિષે યોગ્ય સલાહ અને માહીતી આપી હેલ્થકેર સીસ્ટમના પાયાના ભાગરૂપે વર્ષોથી કામગીરી કરનાર વ્યક્તિ એટલે ફાર્માસીસ્ટ.
જ્યારે આપણે બીમાર પડીએ છીએ ત્યારે આપણે કહીએ છીએ કે ચાલો દવાખાને જાવું છે, ત્યારે આ દવાખાનું શબ્દમાં જ સંકળાયેલો દવા શબ્દ જ તમને ફાર્માસિસ્ટની ઓળખાણ આપે છે. કેમ કે આ દવાના સંશોધનથી શરૂ કરીને તેના નિર્માણ અને વિતરણ સુધીની જવાબદાર વ્યક્તિ એટલે જ ફાર્માસિસ્ટ.
દર વર્ષે 25 સપ્ટેમ્બરના રોજ સમગ્ર વિશ્વમા વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે ઉજવવામા આવે છે. આ દિવસે વિશ્વના તમામ દેશોમાં આરોગ્યલક્ષી કામગીરીમાં ફાર્માસિસ્ટની ભૂમિકાને પ્રોત્સાહન અને હિમાયત કરતી પ્રવૃત્તિઓનું આયોજન કરીને તેમની પ્રતિબદ્ધતાને પ્રોત્સાહન આપવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ ફેડરેશન (ઋઈંઙ) ફાર્માસિસ્ટ અને ફાર્માસ્યુટિકલ વૈજ્ઞાનિકોનું રાષ્ટ્રીય સંગઠનોનું વૈશ્વિક મહાસંઘ 25 સપ્ટેમ્બર 1912ના રોજ અસ્તિત્વમાં આવ્યું હતું. ત્યારથી 25 સપ્ટેમ્બરના રોજ વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
અત્યારની કોરોના મહામારીથી બચવા માટેનો એક માત્ર અને શ્રેષ્ઠ રસ્તો એટલે કોવીડ વેક્સીન. આ કોવીડ વેક્સીન જ્યારે આપણે વેક્સીન બુથ ઉપર લેવા જઈએ છીએ ત્યારે આપણે ક્યારેય વિચાર્યું છે ખરૂં કે આ વેક્સીન આપણા સુધી પહોંચી કઈ રીતે ?, આ વેક્સીન લોકો સુધી નિયત તાપમાને અને અસરકારક રીતે પહોંચાડવા માટેની જવાબદારી ફાર્માસિસ્ટના શિરે હોય છે.
રાજકોટ જિલ્લાના વિભાગીય સ્ટોરના ફાર્માસીસ્ટસ તથા કર્મચારીઓએ 21-03-2020 થી 24-09-2022 દરમ્યાન કરેલી રાત દિવસ જોયા વિના પોતાની કામગીરી નિષ્ઠાપૂર્વક કરી છે. જે બદલ રાજ્ય સરકારશ્રી દ્વારા તેઓનું સન્માન પણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, કોરોના મહામારીમાં પણ જરૂરી લોજીસ્ટીક જેવાકે માસ્ક, સેનીટાઈઝર, પી.પી.ઈ. કીટ, ગ્લોવ્ઝ વગેરે અને જેનાથી ઘણી મહામુલ્ય જિંદગીઓ બચાવી શકાઇ છે, તેવી જરૂરી દવાઓ, ઈન્જે. રેમડેસીવીર, ઈન્જે. એમ્ફોટેરીસીન વગેરે લોકોને સમયસર મળી રહે તે માટે અડધી રાતે પણ ફાર્માસિસ્ટસ ઉત્તમ કામગીરી બજાવે છે.
આ તમામ કામ ઉપરાંત હોસ્પિટલ ચલાવવા માટે રોજબરોજની જરૂરી દવાઓ તથા મમતા દિવસ માટેના જરૂરી વેક્સીનનું મેનેજમેન્ટ કરવું તેમજ તેમની યોગ્ય જાળવણી કરી રેકોર્ડ રજીસ્ટર નિભાવવાની સાથે સારવાર લેવા આવનાર તમામ દર્દીઓને દવાઓ આપવી અને દવાઓ વિષે તેમને યોગ્ય માર્ગદર્શન આપવાની કામગીરી પણ સુપેરે કરે છે.”વિશ્ર્વ ફાર્માસિસ્ટ દિવસ” નિમિત્તે એટલી અપેક્ષા તો જરૂર રહે કે જ્યારે પણ હોસ્પીટલ જાવાનું થાય ત્યારે લોકોના સારા સ્વાસ્થ્ય માટે કામગીરી કરનાર આ પડદા પાછળના સાચા હીરો ફાર્માસીસ્ટને થેંક્યું કહેવાનું ભુલશો નહિ.વૈશ્ર્વિક મહામારી કોરોનાના સમયમાં પણ ફાર્માસીસ્ટસે પોતાની જવાબદારી ઉત્તમોત્તમ રીતે નિભાવી છે.
કોરોના વિરૂધ્ધના જંગમાં નવી એન્ટી વાયરલ ડ્રગ્સની શોધ કરવાનું કામ હોય કે તેના ડિસ્ટ્રીબ્યુશનનું સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલમા અછતના સમયે દવાઓનો જથ્થો પુરો પાડવાનું કામ હોય, તમામ ફાર્માસિસ્ટસ બખૂબી આ કામ પુરી કુશળતાથી નિભાવ્યું છે. હાલ વિશ્ર્વમાં જ્યારે કોરોનાની ત્રીજી લહેર ત્રાટકવાનો ભય હોય ત્યારે છેલ્લા સાત મહીનાથી વેક્સીનેશનની કામગીરીમાં વેક્સીનની કોલ્ડચેઇન મેઇન્ટેઇન કરીને છેવાડાના ગામડામાં વેક્સીનનું સુચારૂ રૂપથી ડીસ્ટ્રીબ્યુશન તથા તેની કામગીરી કરી રહ્યાં છે.