લગભગ 20000 વર્ષ પહેલાં ભારતના ઇતિહાસને જેમણે સ્વર્ણિમ વળાંક આપ્યો હતો, એ મહાન રાજનીતિજ્ઞ ઋષિ હતા વિષ્ણુગુપ્ત ! જેઓ ચાણક ઋષિના પુત્ર હોવાના કારણે ચાણક્ય તરીકે પ્રસિદ્ધ થયા. જેઓ ભારતના શ્રેષ્ઠ અને પ્રાચીન વિશ્વવિદ્યાલય તક્ષશિલામાં રાજનીતિ અને અર્થશાસ્ત્રના આચાર્ય હતા.
તેઓ એક મહાન અર્થશાસ્ત્રી રાજનીતિજ્ઞ અને કુટનીતિજ્ઞ હોવા છતાં પણ મહાત્મા હતા. ભારતના અગ્રગણ્ય મહાપુરુષોમાંના એક એવા આ ચાણક્યના બાળપણનો એક પ્રસંગ છે.
એકવાર ચાણક્યે પોતાની માતાના મુખ ઉપર ઉદાસી છવાયેલી જોઈ. તરત જ તેણે પોતાની માતાને પૂછ્યું, ‘મા ! કેમ ઉદાસ છો ?’ બે-ત્રણ વાર ચાણક્યે પૂછ્યું, પણ તેની મા બોલે જ નહિ. અતિ આગ્રહના અંતે તેની મા કહે, ‘બેટા ! નાનપણમાં મેં સમુદ્રિક ચિહ્નનું જ્ઞાન મેળવેલું. તેના આધારે તારા આગળના બે દાંત જોઈને મને ખાતરી છે કે તું ભવિષ્યમાં મહાન થઈશ પણ…’ તેની મા આટલું બોલીને અટકી ગઈ. પછી ધીમા સ્વરે કહ્યું, ‘પણ તું મને ભૂલી જઈશ.’
ચાણક્યે બીજા જ દિવસે પોતાની માતાને ન ખબર પડે તેમ પોતાના આગળના બંને દાંત પાડી નાંખ્યા. તેની માતાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તે કહે, ‘તેં આ શું કર્યું ?’ ચાણક્ય કહે, ‘મારી માતાના સુખની આડે આવે તેવું મારે કાંઈ જોઈએ નહિ. તમારી ઉદાસીનતાનું કારણ મારા દાંત જ હતા ને ? મેં બીજું કાંઈ કર્યું નથી. તમારી ઉદાસીનતા દૂર કરી છે.’
જેમ જીવનમાં ભગવાન ક્યારેય ભૂલાવવા ન જોઈએ, તેવી રીતે માતા-પિતા પણ ક્યારેય ભૂલાવવા ન જોઈએ, તે આપણી ભારતીય સંસ્કૃતિ છે.
આપણા ઋષિમુનિઓએ એટલે જ આપણને સંસ્કાર આપ્યા છે કે
માતૃદેવો ભવ ! માતાને દેવ સમાન જાણો,
પિતૃદેવો ભવ ! પિતાને દેવ સમાન જાણો…
માતા-પિતાને ભગવાન તુલ્ય માનવાનું કારણ છે કે જેમ ભગવાનના આપણા ઉપર અનંત ઉપકાર છે, જે ગણ્યા ગણાય નહિ, તેવી રીતે જ માતા-પિતાના પણ આપણા ઉપર અનેક ઉપકારો છે, જેનું ઋણ ક્યારેય ચૂકવી ન શકાય. માતાના ઉપકારોનું સુંદર વર્ણન કરતાં કવીશ્વર દલપતરામ કહે છે,
સૂકામાં સુવાડે ભીને પોઢી પોતે, પીડા પામી પંડે તજે સ્વાદ તો તે,
મને સુખે થાવા કટુ કોણ ખાતું ? મહા હેતવાળી દયાળુ જ મા તું…
પડું કે પીડું તો ખમ્મા આણી વાણી, પડે પાંપણે પ્રેમનાં પૂર પાણી, પછી કોણ પોતાતણું દૂધ પાતું ? મહા હેતવાળી દયાળુ જ મા તું…
માતાપિતાએ કુમળા છોડની જેમ આપણી સતત માવજત કરી છે, ઉછેર કર્યો છે. તેમણે આપણા માટે શું નથી કર્યું ?
તેમણે સમય, શક્તિ અને સંપત્તિનો ભોગ આપ્યો છે. તેઓ આપણા જન્મદાતા અને જીવનદાતા છે. માતા-પિતાએ પોતાની અનેક ઈચ્છા-સુખનું બલિદાન આપીને આપણા પર અપાર વાત્સલ્ય વરસાવ્યું છે, જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપી છે.
છત્રપતિ શિવાજીના માતૃશ્રી જીજાબાઈ પોતાના દીકરાને કહેતા, ‘બેટા ! દુશ્મનથી કદી ન ડરીશ. લડાઈના મેદાનમાં સદાય આગળ વધજે. સત્ય અને હિંદુ સંસ્કૃતિની રક્ષા માટે પ્રાણ ન્યોછાવર કરવા પડે તો પણ કદી પાછો ન પડતો.’
માતાનું વાત્સલ્ય કેટલું અગાધ હોય છે ! તેના આવા અપાર એકતરફી સ્નેહને કારણે જ કહેવાયું છે ને કે,
ભૂલો ભલે બીજું બધું, માબાપને ભૂલશો નહી…
પણ જેમ જેમ કળિયુગનો પ્રભાવ પરરાતો જાય છે, તેમ તેમ આપણા સંસ્કારને લૂણો લાગતો જાય છે. ‘જજની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરીયસી’ કહેતાં કે મા અને માતૃભૂમિ સ્વર્ગ કરતાં પણ અધિક છે, પણ આજે કિશોરો-યુવકોનાં હૃદયમાંથી પોતાનાં માતા-પિતાનું મૂલ્ય ઓછું થતું જાય છે.
માતા-પિતાનું કહ્યું ન માનવું, તેમની સાથે રીસ કરવી, ઊંચે સાદે બોલવું…અરે ! ક્યારેક તો હાથ ઉગામવો…જેવી વર્તણૂક આજે એક યા બીજા ઘરે જોવા મળી રહી છે
સ્કૂલમાં ભણતી એક છોકરી આવેશમાં આવી તેની મમ્મીને કહે, ‘બેસ છાનીમાની, તું શું જાણે છે? તારાથી હું વધુ ભણેલી છું. વધુ બુદ્ધિશાળી છું. તને ઈંગ્લીશ આવડે છે ?’
અરે ! એના કરતાં લાખ દરજ્જે સારું ઈંગ્લીશ તેવા આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી અબ્દુલ કલામે પોતાના માતા-પિતાની છેવટ સુધી આદરપૂર્વક સેવા કરી છે, તે આજની બાવળિયાની જેમ ઊગતી પેઢી ભૂલી ગઈ છે… એટલે જ આવા સંતાનો માટે કેટલીક માતાઓ હૈયાવરાળ ઠાલવતી હશે : ‘આના કરતાં તો પેટે પથરો જણ્યો હોત તો સારું.’ આજના યુવાનોની આવી બેહૂદી ગેરવર્તણૂકની સાથે સાથે બીજી પણ એક વિકૃતિ ઘર કરી રહી છે, એ છે પોતાના વૃદ્ધ માતાપિતાને હડધૂત કરવાની.
25-25 વર્ષ સુધી પાળી-પોષીને મોટા કર્યા – ભણાવ્યા – ધંધામાં સેટ કર્યા – લગ્ન કરાવ્યા…ને પછી કોણ જાણે તે મા-બાપ અળખામણા થઈ જાય છે ! નવા ફર્નિચર, ફ્રીઝ કે ટી.વી. માટે ઘરમાં જગ્યા છે, પણ સગાં મા-બાપ માટે જગ્યા નથી. પોતાના જ ઘરમાં મા-બાપ નડતરરૂપ લાગતા, તેને ઘરડાઘરમાં ધકેલી દે છે…
ભારતમાં આજે 5000 જેટલા વૃદ્ધાશ્રમોમાં પાંચ લાખ જેટલા વૃદ્ધો જીવનનો અસ્ત થવાની રાહ જુએ છે. ‘મુજ વીતી તુજ વીતશે.’ અરે ! તેથી પણ વધારે વીતશે, તેનો થોડો સરખો પણ ખ્યાલ આજની પેઢીને નથી.
મુંબઈની એક વિધવા માતાએ અપાર મુશ્કેલીઓ વેઠીને પુત્રને ભણાવ્યો. પુત્ર મોટો બિઝનેસમેન બન્યો. માતાએ તેને પરણાવ્યો પણ લગ્ન પછી એ જ પુત્ર કહે, ‘મા ! સવાર-સવારમાં તારું મોં જોવાથી ધંધામાં પ્રગતિ થતી નથી.’ એમ કહીને પરાણે તેને વૃદ્ધાશ્રમમાં મૂકી અને દર મહિને 500 રૂપિયા મોકલી આપે.
સમય જતાં માને પુત્રનું મોં જોવાની તીવ્ર ઈચ્છા થઈ. તેણે ઘણા પત્રો લખ્યા, પરંતુ પુત્ર મળવા ન આવ્યો. પુત્રના વિયોગમાં મા મરણ પામી.
અંતિમક્રિયા કરવા આવેલા પુત્રને વૃદ્ધાશ્રમના સંચાલકે તેની માનો પત્ર આપ્યો. તેમાં માએ લખ્યું હતું, ‘બેટા ! અહીં પણ મને તારી જ ચિંતા થતી હતી. તું એટલો સારો હતો કે મને દર મહિને 500 રૂપિયા મોકલતા હતો, પરંતુ તારો પુત્ર કદાચ તને વાપરવા માટે એક રૂપિયો પણ નહીં આપે. એટલે જ પાંચ વર્ષમાં મેં બચાવેલા ત્રીસ હજાર રૂપિયા તું ઘરે ન લઈ જઈશ, પરંતુ અહીંયા ખાતું ખોલાવી તારા ખાતામાં જમા કરાવી દેંજે, તને ભવિષ્યમાં કામ લાગશે.’
એટલે જ પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે, ‘મા-બાપને ઘરડાઘરમાં મૂકવા એ મોટું કલંક છે.’
10/3/2000, અટલાદરા. પરદેશથી એક યુવકનો ફોન આવ્યો. તે યુવકે પ્રમુખસ્વામી મહારાજને કહ્યું, ‘હું અઢાર વર્ષનો થઈ ગયો છું. હવે હું શું કરું, એ આપ જ કહો. આજે મારો જન્મદિવસ છે.’
સ્વામીશ્રીએ એને કર્તવ્યનું ભાન કરાવતાં કહ્યું, ‘સત્સંગ બરાબર રાખજે, સારામાં સારી ભક્તિ થાય અને મોટો થઈને પણ મા-બાપની સેવા કરે એ આશીર્વાદ છે.’ તો સારરૂપે આપણે એટલું જ સમજવાનું છે કે આપણી સંસ્કૃતિ અને સત્પુરુષે ચીંધેલ રાહ પર ચાલીને સમાજમાં આપણે આદર્શ પુત્રનો દાખલો બેસાડવાનો છે, જેથી આપણાં માતા-પિતાને બધા કહેવા આવે કે તમે ક્યાં પુણ્ય કર્યા, તે આવાં સંસ્કારી સંતાન મળ્યાં !!