- ભવ્યાતિભવ્ય સંસ્કાર વારસો ધરાવતાં ક્ષત્રિયોને નિશાન બનાવાનું સદંતર બંધ થવું જોઇશે: ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજા
- રાજપૂતિ વિરાસત એ તકલાદી વિરાસત નથી કે જેને કોઇપણ ખંડિત કરી શકે : માંધાતાસિંહજી જાડેજા
- સમાજ કે વ્યક્તિ વિશેની ગરિમાનું હનન થાય તેવો બફાટ તંદુરસ્ત સમાજ વ્યવસ્થા ઉપરનો કુઠારાઘાત : માંધાતાસિંહજી જાડેજા
- નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વમાં ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્યને સુરક્ષિત રાખીએ : માંધાતાસિંહજી જાડેજા
કર્ણાટકના બેલ્લારી ખાતે ચૂંટણી સભામાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ હરીફ રાજકીય પક્ષ ઉપર રાજકીય પ્રહાર કરતી વખતે રાજા-મહારાજાઓને નિશાના પર લઇને જાહેરમાં કરેલાં વિધાનોની ગંભીર નોંધ લઇને રાજકોટ ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજાએ નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ભારત દેશનું એક નૂત્તન યુગના પથ ઉપર પ્રયાણ થઇ ચુક્યું છે ત્યારે જાહેર જીવનના મોભીઓએ પોતાની વાણી ઉપર સંપૂર્ણ સંયમ રાખવો જોઇએ. ભારતના રાજાશાહી યુગના રાજવીઓ સહિત ક્ષત્રિયકૂળમાં જન્મ લેનારા પ્રત્યેક ક્ષત્રિયોની રાષ્ટ્ર પ્રત્યેની શ્રદ્ધા, કટીબધ્ધતા, સમર્પિતતા, અને અસ્મિતાનો અભ્યાસ કર્યા વિના કેવળ પોતાની મહત્વાકાંક્ષા અને રાજકીય સ્વાર્થની પરિપૂર્તિ માટે મનમાં આવે તેવાં શબ્દપ્રયોગો કરીને કોઇપણ વ્યક્તિવિશેષ કે સમાજની ગરિમાનું હનન થાય તેવો બફાટ કરવો એ ભારતીય એકતા, અખંડતા, સામાજિક સમરસતા અને સૌહાર્દ પૂર્ણ તંદુરસ્ત સમાજ વ્યવસ્થા ઉપર કુઠારાઘાત સમાન છે.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના એક જવાબદાર વ્યક્તિ ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાના નેતાના મુખેથી ભારતીય રાજાશાહી યુગના તપસ્વી, ત્યાગી અને રાષ્ટ્રને સમર્પિત રાજાઓ- મહારાજાઓ માટે હીનકક્ષાની મનઘડંત વાત કરીને રાહુલ ગાંધીએ તેમની પોતાની રાજકીય અપરિપકવતા ઉપરાંત નિમ્નકક્ષાની સોચ અને માનસિક્તાનું દર્શન કરાવ્યું છે. જાહેર જીવનના મોભીઓના મુખેથી વારંવાર થતાં કોઇપણ પ્રકારના વાણીવિલાસથી આપણી એકતા અને અખંડીતતા ચૂરચૂર થઇ જશે એટલું જ નહીં પરંતુ વિવિધતામાં એકતાના ભારતીય ધ્યેયમંત્રનો પણ વિનાશ નોતરશે.
એક રાજવી તરીકે અમો પ્રત્યેક જીવ પ્રત્યે સ્નેહ, સૌહાર્દ, આદર, સમભાવ, સંવેદના અને સહિષ્ણુતા દાખવીએ છીએ એ અમારાં ક્ષત્રિયકૂળના વિશિષ્ઠ સંસ્કાર અને પરંપરા છે. એનો મતલબ એ નથી કે વ્યક્તિગત સ્વાર્થની પરિપૂર્તિ અથવા રાજકીય લાભા-લાભ માટે કોઇપણ વ્યક્તિ કોઇપણ સમયે રાજા-મહારાજાઓ કે ક્ષત્રિય સમાજને નિશાન બનાવીને જાહેર ટીપ્પણીઓ કરી અમારી લાગણીને ઠેસ પહોંચાડવા માટેના દુષ્કૃત્યો કરતાં રહે અને અમો ક્ષત્રિયો દરેક વખતે મોટું મન રાખીને બધાંને માફ કરતાં રહીએ. ક્ષત્રિયોએ રાષ્ટ્ર માટેકેવાં કેવાં અને કેટકેટલાં સ્વરૂપે બલિદાનો આપ્યાં છે તેનાં માટે કોઇની પણ પાસેથી કોઇપણ પ્રકારના કોઇ પ્રમાણપત્રોની આવશ્યક્તા અમો રાજવીઓ કે ક્ષત્રિય સમાજને ભૂતકાળમાં ક્યારેય હતી નહીં, વર્તમાનમાં છે નહીં અને ભવિષ્યમાં પણ કદાપિ રહેશે નહીં.
કારણ કે અમો રાજવીઓ અને ક્ષત્રિયકૂળના સંતાનોએ રાષ્ટ્રહીત માટે શું કર્યું છે તેની સ્વયં સ્પષ્ટ ગવાહી વૈદિક હિંદુ સમાજ વ્યવસ્થામાં રાજકર્તા યોદ્ધા અને રક્ષક તરીકે માનભર્યું સર્વોચ્ચ સ્થાન ધરાવતાં છત્રપતિ શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ, રાણી લક્ષ્મીબાઇ સહિતના વીર યોદ્ધાઓનાં જીવન કવનમાંથી પ્રાપ્ત થાય છે. શ્રીરામચંદ્રજી, શ્રીકૃષ્ણ, શ્રીબુદ્ધ અને શ્રી મહાવીર સુધીના સઘળાં ક્ષત્રિયોના ભવ્યાતિભવ્ય સંસ્કાર વારસો ધરાવતાં ચંદ્રવંશી અને સૂર્યવંશી ક્ષત્રિયોને વિનાકારણ નિશાના પર લેવાની પ્રક્રિયા હવે સદંતર બંધ થવી જોઇશે. જાહેરજીવનના સહુ મોભીઓને હું અતિ વિનમ્રતા પૂર્વક કહેવા માંગુ છું કે અમારી ક્ષાત્રકૂળ વિનમ્રતાને અમારી મજબૂરી કે નબળાઇ સમજવાની ભૂલ કદાપિ કરશો નહીં અન્યથા એ ભૂલ વ્યક્તિગત રૂપે આપને અને સામૂહિક રૂપે સમગ્ર રાષ્ટ્રને ભારે પડશે એટલું નિશ્ચિત છે.
ભારતીય રાજપૂતિ વિરાસત એ તકલાદી વિરાસત નથી કે જેને કોઇપણ ખંડિત કરી શકે. શૌર્ય, ક્ષમા, ત્યાગ, બલિદાન અને આશરાધર્મની ક્ષત્રિય સંસ્કાર પરંપરાને “યાવત્ ચંદ્ર દિવાકરો” એવું વરદાન પ્રાપ્ત થયું છે. ક્ષાત્રધર્મનો આ એક એવો નક્કર અને અજેય કહી શકાય તેવો મજબૂત મહેલ છે, જેને કોઇએ પણ હાથના નખ વડે ખોતરીને નબળો પાડવાનું દુ:સાહસ કરવાની માનસિકતાથી મુક્ત થવું એ વર્તમાન નૂત્તન ભારતની અનિવાર્ય આવશ્યકતા છે તેમ જણાવી શ્રી માંધાતાસિંહજીએ વધુમાં કહ્યું હતું કે, સને 2024ની લોકસભા ચૂંટણી એ આપણે સહુ સનાતન ધર્મ અને સનાતન ભારતીય સંસ્કૃતિના સંવાહકો માટે અતિશય મહત્વપૂર્ણ ચૂંટણી છે. એટલે ભવિષ્યની સર્વાંગી સુખાકારી માટે પણ વર્તમાન સમય ગમા-અણગમા, આક્ષેપો-પ્રતિ આક્ષેપો કે વાદ-વિવાદનો નહીં પરંતુ સંવાદની ભૂમિકાથી સામૂહિક સ્વરૂપે આગળ ધપવાનો છે.
આપણી અખંડ ઉપાસનાના કેન્દ્ર સ્વરૂપ ગૌરવશાળી ભારતીય ઐતિહાસિક ધરોહરો, સનાતન ધર્મ અને હિન્દુત્વની રક્ષા માટે પ્રત્યેક ભારતવાસીએ વ્યક્તિ, જૂથ, જ્ઞાતિ, સમાજ, ભાષા, ધર્મ, પરંપરા અને વિચારભેદ જેવી અનેકવિધ બાબતોથી પુર્ણતયા: ઉપર ઊઠીને રાષ્ટ્ર પ્રથમની વિભાવનાને વાચા આપવા માટે કમર કસવી જોઇએ. ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્ર મોદી, કે જેમણે ભારતના પ્રધાનમંત્રી તરીકે એકપણ દિવસની રજા રાખ્યા વિના પ્રતિદિન સોળ કલાક સુધી અવિરત કાર્યરત રહીને છેવાડાના માનવી સુધી અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે એટલું જ નહીં પરંતુ સ્વતંત્રતા પ્રાપ્તિ પછીના સૈકાઓ બાદ વિશ્વભરમાં ઉન્નત મસ્તકે આંખમાં આંખ પરોવીને પોતાનાં વિચારો નિડરતાપૂર્વક વ્યક્ત કરીને ભારતને એક નવી ઓળખ આપવાની સિધ્ધિ પ્રાપ્ત કરી છે તેની સહર્ષ નોંધ લઇને ભારતનું ભવિષ્ય સુરક્ષિત કરવાના સંકલ્પ સાથે જંગી મતદાનના માધ્યમથી આપણાં સહુના આશિષ પ્રદાન કરીને નરેન્દ્રભાઇ મોદીના સક્ષમ નેતૃત્વમાં આપણી ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્યને સુરક્ષિત કરવાની દિશામાં આગળ ધપવા માટે પ્રત્યેક સમાજના પ્રત્યેક મોભીઓને અપિલ કરૂં છું. આવો આપણે સહુ મન, વચન, કર્મથી સાથે મળીને રાષ્ટ્રહીતના પરમ પાવન પથ પર ખભેખભા મિલાવીને, એક ભારત,…નેક ભારત,…અખંડ ભારત,…શ્રેષ્ઠ ભારત અને નૂત્તન ભારતના નિર્માણ હેતુ સામુહિક પ્રયાણ કરીએ.