બીજાની ગેરહાજરીમાં કોઇ વ્યક્તિની નિંદા કરવી તે જ નિંદનીય છે. પરંતુ અમુક વ્યક્તિઓને પરનિંદા કરવાની કુટેવ પડી ગઇ હોય છે. બીજાને ઉતારી પાડીને પોતે આનંદ કરે છે પરંતુ તે આનંદ વિકૃત આનંદ ગણાય છે.
અમુક માનવીને સામેની વ્યક્તિની ત્રુટિ જોવાનું એટલા માટે મન થાય છે કારણ કે તેની પોતાની દૃષ્ટિ ટૂંકી હોય છે.
બીજા પાસે છે પરંતુ પોતાની પાસે નથી તથા તે મેળવી શકતો ન હોવાથી તેની અમુક વ્યક્તિઓને ઇર્ષ્યા આવતા તેની નિંદા કરવામાં કશું બાકી રાખતો નથી તથા સમાજમાં બીજાને હલકો ગણાવીને પોતે સુખ તથા સંતોષ મેળવવા પ્રયત્ન કરતા હોય છે. અમુક એવી વ્યક્તિઓ હોય છે કે જે બીજાનું સુખ જોઇ શકતો નથી અને ઇર્ષ્યાનો જન્મ થતાં જ તેના મનમાં નિંદારૂપી સાપ સળવળતો રહે છે અને તે વ્યક્તિ બેચેન રહેતી હોય છે. અગર એ નિંદાખોર મનન કરે તો તેને ખ્યાલ આવશે કે તે વ્યક્તિ કેવું ભયંકર પગલું ભરે છે.
નિંદાખોરને નિંદા કર્યા વિના ચેન પડતું નથી. એ નિંદા કરવામાં રજનું ગજ કરે છે, પરંતુ કર્મો બંધાય છે તે ભૂલી જાય છે. નિંદાખોર વ્યક્તિ જેને માટે નિંદા કરતી હોય છે. તે વ્યક્તિની હાજરીમાં તેને કાંઇ પણ કહેતો નથી પરંતુ તેની ગેરહાજરીમાં તેની ગેરહાજરીનો લાભ ઉઠાવી બીજા લોકોને મન ફાવે તેમ બોલી પોતે ખુશ થાય છે તથા પોતાનો અહમ્ પોષતો રહે છે.
નિંદા કરવામાં ઇર્ષ્યા બહુ મોટો ભાગ ભજવે છે. ઇર્ષ્યા થવાની મનમાં અશાંતિ તથા અજંપો થતા નિંદા કરવાનો વિચાર આવે છે. પોતે પાછળ રહી ગયો છે અને બીજો આગળ આવી ગયો તેથી તેનાથી ન સહેવાતા નિંદારૂપી રાક્ષસનો મનમાં જન્મ થાય છે.
નિંદા એ એક નકારાત્મક પગલું છે. નિંદાખોર બીજાને ઉતારી પાડવામાં અતિશયોક્તિ કરીને બીજાઓને ગેરમાર્ગે દોરે છે. નિંદાખોર વ્યક્તિ જયારે બીજાઓની આગળ નિંદા કરતો હોય છે ત્યારે તેઓને તો તમાશો જોવા મળે છે પરંતુ તેઓ મનમાં સમજે છે કે આજે આ નિંદાખોર એની નિંદા કરે છે તો કાલે તેઓની પણ નિંદા કરવામાં બાકી નહી રાખે તેથી તેઓ દૂશ્ર રહેવામાં જ શાણપણ માને છે. નિંદા કરવી કે નિંદાખોરની બીજા માટેની નિંદા સાંભળીને પ્રોત્સાહન આપવું તેનાથી પણ કર્મ બંધાય છે. કોઇ પણ વ્યક્તિને વગોવવાથી પોતે કદી ઉપર આવતો નથી પરંતુ તે નીચો પડતો જાય છે. કોઇ ને પણ વગોવવાનો કોઇને અધિકાર નથી અને કદાચ વગોવે તો પોતે જ વગોવાઇ જાય છે.
જે વ્યક્તિ અદેખાઇ કરવામાં રસ ધરાવતી નથી તે વ્યક્તિ નિંદા કરવાનો વિચાર સુદ્ધાં પણ નહી કરે. અદેખાઇનો ત્યાગ કરતાં જ નિંદા કરવાનો વિચાર સુદ્ધાં પણ નહી કરે. અદેખાઇનો ત્યાગ કરતાં જ નિંદારૂપી સાપ, મનરૂપી દરમાંથી બહાર નીકળી જાય છે. કોઇની નિંદા કરીને તથા લોકો સમક્ષ ખોટું ચિત્ર પ્રદર્શિત કરીને કોઇના પર કાદવ ઉડાડવો તે અનીતિ છે. ભલે કોઇની પ્રશંસા ન કરી શકાય પરંતુ કોઇની નિંદા કરવી એ અધમ્ર વૃત્તિ ગણાય છે.