કોરોના વાયરસે હાલના શાસકોને અને કેન્દ્ર તેમજ રાજયોની સરકારોને હંફાવ્યા હોવાનું ઉપસતું ચિત્ર: કોરોના સામેના કાળમુખા યુધ્ધમાં આપણા યોધ્ધાઓની હાલત મહારાણા પ્રતાપ જેવી થવાનાં ચિહનો: ભામાશા જેવા માઈનાપૂતની દેશને તાતી જરૂર, જેમણે પોતાની પાસે જે કાંઈ હતુ તે સર્વસ્વ ચિત્તોડગઢની માતૃભૂમિને સમર્પિત કરી દઈને પોતાનો રાષ્ટ્રધર્મ બજાવ્યો હતો !

કોરોના સામેનું યુધ્ધ હારી જવું આપણા દેશને નહિ પાલવે ! શાસક પક્ષ અને તમામ વિરોધ પક્ષો હવે સર્વપક્ષી શાસન કે રાષ્ટ્રીય સરકારની રચના કરીને પોત પોતાના અનુભવોને સામૂહિક રીતે કામે લગાડે, પક્ષાપક્ષના લાભાલાભની ગણતરીઓને બાજૂએ મૂકે અને યુધ્ધને અંતે રાજગાદીનું સુખ કોણ પામશે, એની ચિંતાને અભેરાઈએ ચઢાવે તો જ કોરોના વાયરસ કદાચ મચક આપે એવી હાલત છે. કોરોના સામેનું યુધ્ધ બીજા વિશ્ર્વ યુધ્ધની ભયાનકતા કરતાંય વધુ ભયાનક બની ચૂકયું છે. મહાભારતનાં ૧૮ દિવસના વિકરાળ યુધ્ધ વખતે ૧૮ અક્ષૌહિણી સેના અને તેની આગેવાની કરતા મહાયોધ્ધાઓનો જોત જોતામાં ખૂરદો બોલી ગયો હતો. અને કુરૂક્ષેત્રના મેદાનમાં લાશોના ઢગલા સિવાય કાંઈ નજરે ચડતું નહોતું કોરોનાની વિઘાતકતાની સરખામણી થઈ શકે તેમ નથી. એવું જાણી લીધા પછી આપણા દેશમાં શાસક પક્ષ તેમજ નાના મોટા તમામ વિરોધ પક્ષોને સામેલ કરતી રાષ્ટ્રીય સરકાર રચવાનો વિકલ્પ જ ઉચિત લાગે છે.

અત્યારે રોજેરોજ અને કલાકે કલાકે બહાર આવતી ઘટનાઓ એવા સંકેતો આપે છે કે, આપણા દેશમાં વહેલામાં વહેલી તકે હાલની ચીલાચાલુ રાજકીય પધ્ધતિનો સંકેલો કરીને દેશમાં સર્વપક્ષી શાસન અર્થાત રાષ્ટ્રીય સરકારની સ્થાપના કરી લેવી જોઈએ અને કોરોના વાયરસ સામેના યુધ્ધને વધુ સામર્થ્ય બક્ષવા સામૂહિક બળબુધ્ધિ અને અનુભવોને એક સામટા કામે લગાડવાનો વ્યૂહ અપનાવવો જોઈએ.

આપણા દેશના રાજકારણની સૌથી મોટી કમનશીબી એ છેકે નિજી સ્વાર્થની બાબતોમાં તો ઠીક, પણ આખા દેશના જીવનમરણની બાબતોમાં પણ આપણા રાજપુરૂષો, નેતાઓ તેમજ રાજકર્તાઓ આખા રાષ્ટ્રના હિતોની દ્રષ્ટિએ વિચારવાને બદલે અને એક જ મંચ ઉપર બેસીને સામૂહિક રણનીતિ ઘડવાને બદલે સંકુચિત, નિજી સ્વાર્થની અને વ્યકિતવાદી રણનીતિ જ અપનાવે છે.

માભોમને ખાતર જીવસટોસટની લડાઈ લડતી વખતે જયારે મરી ખૂટવાનો અંતિમ વખત આવ્યો ત્યારે ભામાશાએ તેની પાસે જે કાંઈ હતુ તે સર્વસ્વ ચિત્તોડની માતૃભૂમિની રક્ષા માટે સમર્પિત કરી દેનાર ખરેખરા માઈનાપૂત સમા ભામાશા આજના હિન્દુસ્તાનમાં શોધ્યા જડતા નથી એ આજના હિન્દુસ્તાનની કમનશીબી છે. અને હાલના નેતાઓ, રાજપુરૂષો, રાજકર્તાઓ તથા તેમના મળતીયાઓની દાનતમાં ભામાશાશાહીનો અંશ સુધ્ધાં નથી. તે કારણે આ દેશ શૂરાતનીઓ, બહાદૂરો અને વતનને ખાતર પ્રાણ પાથરનાર નરબંકાઓનો દેશ નથી રહ્યો.

ખૂદ આરએસએસ જેવી, રાષ્ટ્રીય ચારિત્ર્ય ઘડતરની તેમજ હિન્દુ સંસ્કૃતિ અને હિન્દુ સંસ્કારની રક્ષા ઉમદા ધ્યેયને વરેલી સંસ્થાના વડા શ્રી મોહન ભાગવતે એવી ટકોર કરવી પડી હતી. કે, સલામતી માટે કેવળ તંત્રના ભરોસે રહી શકવા જેવી હાલના હિન્દુસ્તાનની સ્થિતિ નથી.

તેમણે આ ટકોર કરી એ પછી લગભગ તૂર્તમાં જ એવો સવાલ ઉઠાવાયો હતો કે, આપણા દેશવાસીઓની સલામતીની જવાબદારી કોની?…

કોરોના વાયરસે સર્જેલા અભૂતપૂર્વ હાહાકારને વખતે આ સવાલ ફરી પેદા થયો છે.

કેન્દ્ર સરકાર અને રાજયોની સરકારો લગભગ હાંફી ગયા હોવાનો ખ્યાલ ઉપસે છે.તંત્રની હાલત એક ડગલું આગળ તો બે ડગલાં પાછાં હઠવા જેવી છે.

એક એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આપણાદેશમાં નિરંકુશ અને આપખૂદ શાસન ચલાવાય છે. અહીં એકાધિકારવાદે માઝા મૂકી છે. લોકશાહી નામનીને ઉપર છલ્લી જ રહી છે. મતિભ્રષ્ટતા એટલી હદે પહોચી છે કે પ્રજા લગભગ બધા જ ક્ષેત્રે પીડાતી રહી છે.

વડાપ્રધાન અને તેમની સરકાર ભ્રષ્ટાચાર, ભેળસેળ, બળાત્કાર અને મોંઘવારીના મૂદે કલ્પનાતીત ગોટે ચડી છે. અને બેફામ ખર્ચની થપાટો ખાતું રહેલું અર્થતંત્ર, કથળેલી બેંકીંગ પધ્ધતિ તેમજ કંપનીઓનાં વ્યવહારો એને સારી પેઠે અકળાવી રહ્યા છે. ભારતની ટ્રમ્પભકિત કરોડો ડોલરના ભોગે પણ કશી લાભકર્તા બની નથી. એ ભારતની વિદેશનીતિની ઉણપ દર્શાવે છે.

કોરોના વાયરસને મ્હાત કરવામાં નિષ્ફળતા અને તેણે મચાવેલા હાહાકારને કારણે સર્જાયેલી રાષ્ટ્રની બેહાલીના પ્રકાશમાં એમ સૂચવ્યા વિના રહેવાતું નથી કે, આપણે ત્યાં વહેલામાં વહેલી તકે રાષ્ટ્રીય સરકાર રચવી ઘટે.

શાસનકર્તા સરકાર દેશની કપરામાં કપરી સમસ્યાઓને ઉકેલવાનું કૌશલ્ય ન દાખવી શકે અને પ્રજાનો સંતાપ વધતો જ જાય ત્યારે તમામ વિપક્ષોને સમાવેશ કરીને રાષ્ટ્રીય સરકાર રચવાનો ઉપાય અપનાવાતો હોય છે.

આવી સરકાર રચવાનો હેતુ વિપક્ષોની આડખીલીઓનાં બદલે તેમના અનુભવોનો, કુનેહનો, કૌશલ્યનો અને દૂરંદેશીનો લાભ લેવાનો હોય છે. અને રાષ્ટ્ર પ્રત્યેની ફરજો સામૂહિક નેતાગીરીના ધોરણે ખંભેખંભા મિલાવીને બજાવવાની રહે છે. એમાં રાજકીય પક્ષોનાં નિજી રાજકીય લાભોને અને સારી બરી નિયતને અવકાશ હોતો નથી.

આપણો દેશ આવા સ્વરૂપ સાથે તેનું કલેવર બદલે અને કોરોનાના હાહાકાર સામેના યુધ્ધમાં જનતા-જનાર્દનનું અખૂટ બળ સાંપડે, એમ કોણ નહિ ઈચ્છે ? અને છેલ્લે, આ વિનાશકારી કુદરતી આપત્તિમાં સહાયના હેતુથી રાહત ભંડોળમાં જે દાન આવે તેના ઉપયોગ અને વપરાશમાં ઈશ્ર્વરને ન ગમે એવી સમજણ પૂર્વકની ઉણપ રહેવા દેવાય તો સંબંધીત લોકોનું ધનોત-પનોત નીકળે જ, એ રખે કોઈ ભૂલે !

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.