વર્ષે પ્રથમ 100 ચક્ષુદાતાના તથા 10 દેહ દાતાઓના સ્વજનોને પ્રોત્સાહિત કરવા અને ઋણ સ્વીકાર માટે સત્કાર સમારંભનું આયોજન
જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગુજરાતભરમાં રક્તદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન, અંગદાનની પ્રવૃત્તિ ઘણા વરસથી ચાલી રહી છે અને સમાજના દરેક વર્ગના લોકોની વિવિધ પ્રકારની સેવા થઇ રહી છે. જનકલ્યાણ ટ્રસ્ટ સમગ્ર વર્ષ દરમિયાન અનેક પ્રકારના કાર્યક્રમો યોજીને આમ પ્રજામાં રક્તદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, અંગદાન અંગે જાગૃત્તિ ફેલાઇ તે પ્રકારના કાર્યો કરી રહી છે.
રાજકોટનાં વિવિધ સ્મશાનોમાં છ દિવસ સુધી સતત 9 કલાક સુધી ઉભા રહીને સ્મશાનમાં જ અગ્નિદાહ વેળાએ 7 ચક્ષુદાન સમાજના જરૂરિયાત મંદોને અર્પણ કર્યા હતાં.
આ ટ્રસ્ટ દ્વારા અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ જેવી કે ધાબળા વિતરણ, ઉનાળામાં સ્લીપર વિતરણ, ઠંડી છાશ, ઠંડુ પાણી, જન્માષ્ટમીના તહેવારોમાં તથા દિવાળી જેવા તહેવારોમાં મીઠાઇ-ફરસાણનું વિતરણ પણ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં કરવામાં આવે છે.
ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન, અંગદાનની પ્રવૃત્તિઓ વધુને વધુ વિસ્તરે અને સમાજમાં જાગૃત્તિ ફેલાય તે માટે આ ટ્રસ્ટ દ્વારા ગત વર્ષે પ્રથમ 100 ચક્ષુદાતાના તથા 10 દેહદાતાના સ્વજનોને પ્રોત્સાહિત કરવા અને ઋણ સ્વીકાર કરવા માટે એક સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ચક્ષુદાન સ્વીકારનાર વ્યક્તિઓ પણ હાજર રહેતા તેની નોંધ રાજ્યભરના અખબારોએ લીધી હતી. આ વર્ષે પણ આ સંસ્થા દ્વારા તા.1-1-23ને રવિવારના રોજ સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ ખાતે 150 ચક્ષુદાતાઓ, 16 દેહદાતાઓ અને 3 સ્કીન ડોનેશન કરનાર દાતાઓનાં પરિવારજનો સન્માનિત કરી તેમનું ઋણ સ્વીકાર કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. દાતાના પરિવારજનોને સ્વર્ગસ્થના ફોટા, નામ, તારીખ સાથેનાં શીલ્ડ પણ અર્પણ કરવામાં આવશે.
‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવેલા ઉમેશ આર.મહેતા -ચેરમેન, શ્રીમતિ દેવી ઉમેશ મહેતા-મેનેજીંગ ટ્રસ્ટી, કિશોરભાઇ દવે-સલાહકાર, જનાર્દનભાઇ આચાર્ય-સભ્ય, વિરાભાઇ હુંબલ-અગ્રણી સહિતનાઓ ઉ5સ્થિત રહ્યા હતાં.
અત્યાર સુધીમાં 280 ચક્ષુદાન, 30 દેહદાન અને 40 સ્કીન ડોનેશન થયેલ: ઉમેશ મહેતા
‘અબતક’ સાથેની વાતચિતમાં ટ્રસ્ટના ચેરમેન અને આકાશવાણીના નિવૃત્ત અધિકારી ઉમેશ મહેતાએ જણાવ્યું હતું કે પોતાનો પૂર્ણ સમય સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓમાં ફાળવે છે અને અથાક મહેનત કરી રહ્યાં છે. ટ્રસ્ટની સ્થાપનાને છ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે ઉમેશભાઇએ આ વર્ષે 1111 બોટલ રક્તદાનનો સંકલ્પ કર્યો છે. જેમાં 743 બોટલ રક્ત સમાજને અર્પણ પણ કરી દીધું છે. તેમના દ્વારા એક જ દિવસમાં ત્રણ ચક્ષુદાન એમ ત્રણ વખત થયેલ છે. જ્યારે 15-12-22ના રોજ એક જ દિવસમાં માત્ર આઠ કલાકનાં સમયગાળામાં 4 ચક્ષુદાન કરાવેલ છે. આ સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં 280 ચક્ષુદાન, 30 દેહદાન અને 4 સ્કીન ડોનેશન થયેલ છે.