ટ્રમ્પની વ્હાઈટ હાઉસ પર કિલ્લેબંધી, હરીફ બીડેન જીતી જાય તો પણ વ્હાઈટ હાઉસમાં પ્રવેશ માટે લાંબી કાનૂની લડત લડવી પડે તેવા સંજોગો
વિશ્ર્વના સૌથી મોટા લોકતાંત્રીક દેશ અમેરિકાની ચૂંટણી પર સમગ્ર વિશ્ર્વની નજર મંડાયેલી છે ત્યારે અમેરિકાના રાજકારણમાં અભૂતપૂર્વ કહી શકાય તેવી રીતે આ વખતે વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કોઈપણ સંજોગોમાં વિજેતા થવા માટે આક્રમક બની ગયા હોય તેમ ચૂંટણીના પરિણામો જે આવે તે તેની પરવાહ કર્યા વગર ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસના દરવાજા બંધ કરી હરીફની જીત થાય તો પણ વ્હાઈટ હાઉસનો પ્રવેશ મુશ્કેલ બની જાય તેવી રીતે કિલ્લેબંધી કરી લીધી છે.
અમેરિકાના ચૂંટણી આ વખતે પરીણામો મોડા અને આશ્ર્ચર્યજનક આવે તેવી સંભાવનાના પગલે દેશમાં અશાંતિ અને અરાજકતા ફેલાય તેવી સ્થિતિને લઈને ટ્રમ્પે વ્હાઈટ હાઉસ ફરતે ભારે કિલ્લેબંધી અને બેરીકેટ લગાવીને વ્હાઈટ હાઉસના દરવાજા બંધ કરી દીધા છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને તેના હરીફ બીડેન વચ્ચે આ વખતની ચૂંટણી ભારે રસાકસીભરી છે અને વિજયની જાહેરાત પણ સૌના મીટ મંડાવનારી બની છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાની રાષ્ટ્રીય ત્વારીખમાં સૌથી વધુ જીદ્દી અને પોતાનું ધાર્યું કરવા માટે જાણીતા છે. આ વખતની ચૂંટણીમાં કેટલાક ચડાવ-ઉતાર સાથે બન્ને પક્ષો વચ્ચે તિવ્ર અને કટોકટીભરી સ્પર્ધા ચાલી રહી છે ત્યારે ટ્રમ્પે જણાવ્યું હતું કે, આ વખતની ચૂંટણીમાં ડેમોક્રેટ પ્રભાવી રાજ્યોના અધિકારીઓ મોડેથી પહોંચેલા મતપત્રો પર ભરોસો રાખીને વિજયની અપેક્ષા રાખી રહ્યાં છે. ચૂંટણીના પરિણામો રાત્રે જ જાહેર કરવા પડે તેવી પરિસ્થિતિમાં રવિવારે તેમણે ટેકેદારોના કાફલાને સંબોધીને જણાવ્યું હતું કે, ચૂંટણીના પરીણામો પણ ખુબજ ચોક્કસાઈથી જાહેર કરવામાં આવશે.
રવિવારે ટ્રમ્પના ટેકેદારોએ ટેકસાસમાં બીડેનના પ્રચારકોની બસ પર હુમલો કરીને ધમકી આપવાના બનાવમાં ટ્રમ્પે ટ્વીટમાં જણાવ્યું હતું કે, મારા મત મુજબ આ દેશભક્તોએ કંઈ જ ખોટુ ર્ક્યું નથી. તેના બદલે એફબીઆઈ અને અદાલતે આતંકવાદીઓ, આરાજકવાદીઓ અને આંદોલનકારીઓની તપાસ કરવી જોઈએ જે ડેમોક્રેટીવ સંચાલીત શહેરોને બાળી નાખતા અને નુકશાનકારક છે. ટ્રમ્પે સુપ્રીમ કોર્ટ વિરુધ્ધ પણ વિરોધ નોંધાવ્યો હતો. જેણે મતદાનના બીજા જ દિવસે ગણતરી કરવાની મંજૂરી આપી છે. તેમણે સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય જોખમી ગણાવ્યો હતો. ટ્રમ્પે પોતાની બંધારણીય સત્તા વાપરીને ચૂંટણીના પરિણામો પણ પોતાની હસ્તક લઈ લેવાની તૈયારી કરી છે. વ્હાઈટ હાઉસને અભેદ કિલ્લેબંધીમાં ફેરવી નાખવામાં આવ્યું છે. વિરોધ માટે ટ્રમ્પના ચાહકો વોશિગ્ટનમાં પ્રવેશી રહ્યાં છે. રવિવારે બેલ્ટવેની ફરતે ટ્રમ્પના ચાહકોએ રેલી યોજી હતી. શહેરના મધ્ય વિસ્તારમાં મુશ્કેલી ઉભી થઈ છે. પેન્સેનવેલીયામાં મુશ્કેલી ઉભી થઈ છે. ચૂંટણીના દિવસ પહેલા જ થયેલી આ ગતિવિધિથી ટ્રમ્પનું શાસન હચમચતુ દેખાય છે.
ટ્રમ્પ વહીવટી તંત્રએ વ્હાઈટ હાઉસને કિલ્લેબંધીમાં ફેરવી દીધું છે. જો પરીણામ વીપરીત આવે અને બીડેનની જીત થાય તો તે વ્હાઈટ હાઉસનો કબજો તાત્કાલીક ન લઈ શકે તે માટે ટ્રમ્પે આગોતરી તૈયારી કરી લીધી છે અને આ મુદ્દાને કાયદાકીય મુદ્દો બનાવીને બીડેન માટે જીત થાય તો પણ વ્હાઈટ હાઉસમાં પગ મુકવો અઘરો બનાવી દીધો છે. ટ્રમ્પે રાજદ્વારી રીતે હરીફના વિરોધની સાથે સાથે સુપ્રીમ કોર્ટ સામે પણ બાયો ચડાવી લીધી છે. અમેરિકામાં પરિણામ આવ્યા પછી પણ મોટી ઉથલ-પાથલ અને અરાજકતાની દહેશત ઉભી થઈ છે. ટ્રમ્પે બીડેન માટે વ્હાઈટ હાઉસમાં પ્રવેશ કરવો પણ મુશ્કેલરૂપ બનાવી દીધો છે.