વડગામના અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને ધમકી, રાજકોટના સોની વેપારી, વડોદરાના બિલ્ડર અને અમદાવાદના વેપારીને ફોન કરી ધમકાવવામાં સંડોવણી : ક્રિકેટ સટ્ટાના કિંગ મનાતા રવિ પૂજારીએ સૌરાષ્ટ્રમાંથી કરોડોની ખંડણી વસુલી
ફિલ્મ નિર્માતા, બિલ્ડરો, પત્રકારો, અગ્રણી વેપારીઓને ફોન કરી ધમકાવી ખંડણી પડાવ્યાના અને ફાયરિંગ કરાવી ભય બતાવવાના અનેક ગુનામાં સંડોવણી
સેનેગલના ડકાર વિસ્તારમાંથી ભારતીય સુરક્ષા અધિકારીની બાતમીના આધારે કરાઇ ધરપકડ: રેડ કોર્નર નોટિસની બજવણી કરી ભારત લવાશે
અન્ડર વર્લ્ડના ડોન રવિ પૂજારીની આફ્રિકાના ડકાર વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. દાઉદ ગેંગ સાથે જ છોટા રાજન ગેંગ જોડાયેલી હતી ત્યારે પણ સૌરાષ્ટ્રમાં ધાક ધમકી દઇ ખંડણી વસુલ કરવાના અને ક્રિકેટ સટ્ટાના કીંગ મનાતા રવિ પૂજારાને ભારતમાં લવાયા બાદ સૌરાષ્ટ્રની ગુનાખોરીના ધરબાયેલા અનેક રહસ્યના ભેદ ખુલે તેમ છે. માફિયા ડોન તા.૨૨ જાન્યુઆરીએ ઝડપાયાની ભારતીય સુરક્ષા અધિકારીએ સતાવાર સમર્થન આપ્યુ છે. અને તેના વિરૂધ્ધ ભારત સરકાર દ્વારા રેડ કોર્નલ નોટિસ જારી કરવામાં આવી હોવાથી તેને ભારતમાં આચરેલા અનેક ગુનાની તપાસ અર્થે લાવવામાં આવવાનો હોવાનું જણાવ્યું છે. રવિ પૂજારીએ મુંબઇ-મહારાષ્ટ્ર ઉપરાંત ગુજરાતમાં અનેક બિલ્ડર અને અગ્રણી વેપારીઓને ફોન કરી ખંડણી પડાવ્યાના તેમજ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને ઘમકી દીધાના પોલીસમાં ગુના નોંધાયા છે.
ભારત સરકાર દ્વારા રવિ પૂજારી આફ્રિકાના સેનેગલના ડકાર વિસ્તામાં છુપાયો હોવાની માહિતી આપી તેના વિરૂધ્ધમાં ભારત સરકાર દ્વારા રેડ કોર્નલ નોટિસ જારી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. ભારત સરકારની માહિતીના આધારે આફ્રિકાના સુરક્ષા દળ દ્વારા તા.૨૨ જાન્યુઆરીએ માફિયા ડોન રવિ પૂજારીની ધરપકડ કરી તા.૨૬ જાન્યુઆરીએ ભારત સરકારને જાણ કરી હતી. રવિ પૂજારી આફ્રિકાના ડકાર વિસ્તારમાં મહારાજા રેસ્ટોરન્ટના નામે વ્યવસાય શરૂ કર્યો હતો.
ભારત સરકાર અને આફ્રિકાના દેશો વચ્ચે પ્રતિયાપર્ણ સંધી થઇ હોવાથી રવિ પૂજારી સામે અનેક હત્યા, હત્યાની કોશિષ અને ખંડણી પડાવવા ધમકી દીધા અંગેના ગુના નોંધાયા હોવાથી તમામ ગુનાની તપાસ અર્થે ભારત લાવવામાં પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે.
રવિ પૂજારી છોટા રાજન ગેંગનો સાગરિત હતો અને ૨૦૦૦માં બેંગ્કોકમાં છોટા રાજન પર થયેલા ખૂની હુમલા બાદ તે રાજન ગેંગથી છુટો પડી પોતાની ગેંગ ઉભી કરી ખંડણી વસુલ કરવા નેટવર્ક શરૂ કર્યુ હતું. રવિ પૂજારીએ ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટ પાસેથી મોટી રકમની ખંડણી વસુલ કરવા બે વખત હત્યાની કોશિષ કર્યાના અને ફિલ્મ નિર્માતા અલી મોરાનીના બંગલા પર ફાયરિંગ કરાવ્યાના ગુના પોલીસમાં નોંધાયા છે.
૧૯૯૦ના દસકાથી ગુનાખોરીની શરૂઆત કરી રવિ પૂજારીએ ૨૦૦૯થી ૨૦૧૩ દરમિયાન ધાક જમાવી ફિલ્મ સિતારાઓમાં ફફડાટ મચાવતા રવિ પૂજારી ગેંગ પર મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે ધોસ બોલાવી એન્કાઉન્ટર અને ધરપકડ શરૂ કરતા રવિ પૂજારી પોતાનો જીવ બચાવી મુંબઇ છોડી દક્ષિણ ભારતના રાજયમાં આશરો લીધો હતો. ત્યાંથી મુંબઇના બિલ્ડરોને ધમકી ભર્યા ફોન કરી ખંડણી વસુલ કરતા પોલીસે રવિ પૂજારીના સાગરીત વિલીયમની ધરપકડ કરી તેના મોબાઇલના કોલ ડેટા કઢાવતા આકાશ સેટ્ટીના નંબર મળ્યા હતા.
આકાશ સેટ્ટી એક લગ્ન પ્રસંગમાં હોવાનું મોબાઇલ લોકેશન મળતા મુંબઇ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે મેગ્લુર ખાતેથી આકાશ સેટ્ટીની ધરપકડ કરી કરાયેલી પૂછપરછમાં રવિ પૂજારી આફ્રિકાના સેનેગલ વિસ્તારમાં મહારાજા રેસ્ટોરન્ટ ચલાવતો હોવાની માહિતી મળી હતી.
રવિ પૂજારીએ ગુજરાતના અમદાવાદ, વડોદરા અને રાજકોટના વેપારીઓને ફોન કરી કરોડોની ખંડણી પડાવવા ધમકાવ્યાનું પ્રકાશમાં આવ્યું હતું. વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, જે.એન.યુ.ના વિદ્યાર્થી ઉમર ખાલિત અને રસિદને અન્ડર વર્લ્ડથી બોલતો હોવાનો ફોન કરી ખૂનની ધમકી દીધા હતી.