પુરૂષ પ્રધાન સમાજ વ્યવસ્થામાં અત્યાર સુધી મહિલાઓને લક્ષ્મીની ઉપમા આપી ઘરની ચાર દિવાલોમાં જ બંધ રાખવાની માનસીકતાને પરંપરા અને સંસ્કૃતિ ગણવામાં આવતી હતી પરંતુ હવે સમય બદલાયો હોય તેમ પુરૂષ સમોવડી મહિલાઓનો ઉદ્યોગ જગતમાં પણ દબદબો વધશે. આવનારા પાંચ વર્ષમાં જો બધુ સારૂ ચાલશે તો 90 ટકાથી વધુ ધંધા રોજગાર ‘બહેનો’ના હાથમાં હશે. તાજેતરમાં આવેલા એક અભ્યાસના સર્વેમાં અર્ધશહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વસતી મહિલાઓમાંથી 80 ટકાથી વધુ મહિલાઓમાં સામાજીક, આર્થિક અને સાંસ્કૃતિક પરિવર્તન આવ્યું છે અને પોતાના ધંધા શરૂ કરવામાં હિંમત દાખવી છે.
ભારતમાં લગભગ મોટાભાગના ધંધા-રોજગારમાં અત્યાર સુધી પુરૂષ પ્રધાન વ્યવસ્થા ચાલી આવી છે પરંતુ હવે ભારતીય સમાજ જીવનમાં વ્યવસાયીક ધોરણે મહિલાઓ આગળ આવવા લાગી છે. નવા અભ્યાસમાં એવું સ્પષ્ટ જણાવાયું છે કે, આગામી પાંચ વર્ષમાં 90 ટકાથી વધુ ધંધા-રોજગાર મહિલાઓના હાથમાં હશે. અત્યારે જો કે, મહિલાઓને ધંધામાં આગળ વધવામાં સાનુકુળતાથી વધુ પ્રતિકુળતા છે. તેવા સંજોગોમાં હેડલગ્યુ ફાઉન્ડેશન દ્વારા 13 રાજ્યો અને કેન્દ્ર શાસીત પ્રદેશમાં કરવામાં આવેલા સર્વેમાં મહિલાઓનો દબદબો વધતો જતો હોવાનું બહાર આવ્યું છે.
3300થી વધુ મહિલા સંચાલિત વ્યવસાયો કે જેનું 3 શ્રેણીમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે તેમાં ઉત્પાદન, છુટક વેંચાણ, સર્વિસ અને ખાસ કરીને ડિલેવરીમાં મહિલાઓનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. 1235 મહિલા વ્યવસાયોને આ અભ્યાસમાં સામેલ કરવામાં આવ્યા હતા. મહિલાઓના વ્યવસાયિક વિકાસમાં કુટુંબના સભ્યો, કામદારો અને કલાઈન્ટના ઈન્ટરવ્યુ કરવામાં આવ્યા હતા. 20 સામાજીક સંસ્થાઓ અને મોટાભાગના લોકોએ મહિલા સંચાલિત વ્યવસાયો અને ઉદ્યોગો પ્રત્યે સકારાત્મક અભિપ્રાય આપ્યો હતો. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, અર્ધશહેરી અને ગ્રામ્ય વિસ્તારમાંથી 80 ટકાથી વધુ મહિલાઓ સામાજીક, આર્થિક સ્થિતિના સુધાર સાથે પ્રગતિના રસ્તે આગળ વધી રહી છે. વિવિધ સરકારી યોજના અને સમાજની બદલતી જતી નીતિ-રીતિ મહિલા વ્યવસાયકોરોને આગળ આવવા મદદરૂપ થાય છે. માત્ર એક જ ટકા જેટલા કિસ્સામાં સરકારી યોજનાઓનો લાભ મહિલાઓ લે છે. કારણ કે સર્વેમાં 11 ટકા મહિલાઓએ આવી જાણકારીનો અભાવ હોવાનું દર્શાવ્યું હતું. સમગ્ર દેશવ્યાપી સર્વેમાં સામાજિક, આર્થિક, વ્યક્તિગત અને વ્યાપક ધોરણે મહિલા વ્યવસાયકારોને સરકારી રાહે વધુને વધુ માહિતગાર કરવાની જરૂરીયાત દેખાઈ હતી. સામાજીક સંસ્કૃતિ અને જીવન ધોરણમાં સુધારો આવતા મહિલાઓની પરિસ્થિતિ સુધરી છે.
મહિલાઓના વ્યવસાયીક ઉદ્યોગ આડેના અવરોધામાં મુખ્યત્વે આર્થિક સહાય, સરકારી યોજનાઓનો અભાવ, જરૂરી દસ્તાવેજી પુરાવાઓ અને પ્રક્રિયાની ખોટના કારણે મહિલાઓને ઉદ્યોગ અને ધંધામાં અત્યાર સુધી ફાવટ આવતી ન હતી. હવે પરિસ્થિતિ બદલાઈ છે. આગામી પાંચ જ વર્ષમાં 90 ટકાથી વધુ વ્યવસાય અને ધંધામાં મહિલાઓનો દબદબો હશે. અમેરિકા, બ્રિટનમાં આ વૃદ્ધિની ટકાવારી 50 ટકા અને 24 ટકા અનુક્રમે છે. ભારત તેનાથી આગળ વધી રહ્યું છે.
મહિલાઓના ઉદ્યોગીક વિકાસ માટેના અભ્યાસની ચાવીરૂપ તારણોમાં એ વાત બહાર આવી છે કે, મહિલાઓની ઉદ્યોગ સાહસીકતા વધારવા માટે સરકારી યોજના, આયોજન અને મહિલા વ્યવસાયકારો દ્વારા ઉત્પન્ન કરવામાં આવતા ઉત્પાદનને ખાસ પ્રકારની કર રાહતો અને કૌશલ્યવર્ધન તાલીમ આપવી જોઈએ. દેશના અલગ અલગ રાજ્યો અને કેન્દ્ર શાસીત પ્રદેશમાં કરવામાં આવેલા સર્વેમાં જમ્મુ-કાશ્મીર, હરિયાણા, રાજસ્થાન, મણીપુર, ત્રિપુરા, પશ્ર્ચિમ બંગાળ, ઝારખંડ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, દમણ અને તામિલનાડુમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. દેશમાં લઘુ, નાના અને મધ્યમ ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગ ક્ષેત્રે મહિલાઓની આગળ પડતી રફતાર આગામી પાંચ વર્ષમાં ઉદ્યોગ જગતમાં મહિલા સંચાલિત ઉદ્યોગોને સંખ્યા 90 ટકાએ થઈ જાય તેવું દેખાઈ રહ્યું છે.