કોઈ પણ મનુષ્ય ભગવાનની ભક્તિ કરે એ તો સામાન્ય વાત છે પરંતુ શું તમે ક્યારેય શ્વાનને ભગવાનની ભક્તિમાં લીન થતા જોયા છે. સુરતમાં આવો જ એક શ્વાનનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. શ્રાવણ માસ બાદ શ્રાદ્ધ પક્ષમાં સુરતનું એક ઐતિહાસિક શિવ મંદિર શ્રધ્ધાળુઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ ઐતિહાસિક મંદિર તેના ઐતિહાસિક મહત્વ સાથે સાથે શ્વાન ભક્તિના કારણે લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની રહ્યું છે.
મળતી માહિતી મુજબ આ ઘટના સુરતના અશ્વિનીકુમાર રોડ વિસ્તારની છે. જ્યાં 400 વર્ષ કરતાં પણ જુના શિવ મંદિર આવેલું છે. અહી શ્વાન ભોળાનાથના દર્શન અને આરતીનો લ્હાવો લેવા માટે આવે છે. તાપી પુરાણમાં જેનો ઉલ્લેખ છે,અંદાજે 400 વર્ષ કરતાં પણ જુનું ઐતિહાસિક નીલકંઠ મહાદેવના મંદિરમાં શિવના દર્શન માટે શ્વાનની હાજરી અવશ્ય જોવા મળે છે.
શિવના દર્શન અને સવાર સાંજની આરતી સમયે સોસાયટીના ચાર જેટલા શ્વાન અહીં હાજરી આપે છે. આટલું જ નહીં પરંતુ આરતીની શરુઆત થાય ત્યારે આવેલા શ્વાન આરતી સાથે સુર પુરાવતા હોય તેમ મોઢા ઉંચા કરીને અવાજ કાઢે છે.