વિવિધ પ્રજાતિના 100થી વધુ શ્ર્વાનો જોડાયા; તહેવારો પૂર્વેના રવિવારે રેસકોર્ષ ખાતે ડોગલવર દ્વારા અનેરો જલ્વો યોજાયો
રાજકોટ મહાનગરપાલીકા દ્વારા આર્ટ ગેલેરી ખાતે ડોગ પાર્ક નિર્માણ કરેલ છે. જયાં સવારે અને સાંજે શ્ર્વાન માલિકો પોતાના ડોગ લઈને આવતા હોય છે. રજાના દિવસે અને રવિવારે સાંજે ડોગ લવરોની ભીડ ઉમટી પડે છે. નાનકડા પોમેરીયનથી મોટા ગ્રેટડેન પણ આ ડોગ પાર્કમાં આવે છે. રાજકોટમાં ચાલતા રોયલ ડોગ લવર ગ્રુપના સભ્યો દર રવિવારે મોટી સંખ્યામાં જોડાતા હોય છે.
ગ્રુપના શૈલેષભાઈ મહેતા, રાજકોટ પેટ કેર સોસાયટીના ચેરમેન અરૂણ દવે સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.ડોગ પાર્કમાં હસ્કી-બીગલ-ડાલમેશિયન, લેબ્રાડોર, સીટ્ઝુ, પોમેરિયન, જર્મન શેફર્ડ, ચાવચાવ જેવી વિવિધ બ્રીડ જોવા મળી હતી. તહેવારો પૂર્વે નો રવિવાર હોવાથી શ્ર્વાન માલિકો સાથે તેના શ્ર્વાન પણ આનંદ કરતા જોવા મળ્યા હતા. ડોગપાર્કનું વાતાવરણ શ્ર્વાનોની ઉછળકુદ અને દોડાદોડીથી ઝગમગી ઉઠ્યું હતુ.
રાજકોટમાં ડોગ પાળવાનો વધતો ક્રેઝ
છેલ્લા 10 વર્ષમાં રાજકોટમાં ડોગ પાળવાનો ક્રેઝ વધ્યો છે. રંગીલા રાજકોટમાં 400 ગ્રામની નાની બ્રીડથી લઈને 120 કિલોના કદાવર ગ્રેટડેન પણ જોવા મળે છે. રાજકોટમાં કોરોના કાળમાં ઘણા લોકોએ શ્ર્વાન ખરીદી કરી હતી. ગત વર્ષ કરતા આ વખતે ડોગની કિંમતમાં ભાવ વધારો જોવા મળ્યો છે.
રાજકોટમાં ડોગ લવરો પાસે 30 થી વધુ પ્રજાતિના વિવિધ શ્ર્વાનો જોવા મળે છે. ડોગ માટેના બ્યુટીપાર્લરો પણ શરૂ થઈ ગયા છે. ડોગ માટેની ઓપરેશન બ્લડ ચડાવવા જેવી વિવિધ સવલતો પણ મળી રહે છે. ગુજરાતમાં પ્રથમ રાજકોટ ખાતે ડોગપાર્ક શરૂ થતા ડોગ લવર માટે ખુશીના સમાચાર મળ્યા છે.