હોશંગાબાદમાં કૂતરાના માલિકીપણા અંગે વિવાદ: પોલીસે શ્ર્વાનનો કબ્જો લઈ ડીએનએ ટેસ્ટ માટે બ્લડ સેમ્પલ મોકલ્યાં
તમામ પ્રાણીઓમાં શ્વાન સૌથી વફાદાર પ્રાણી તરીકે ઓળખાય છે. માનવમિત્ર તરીકે ઓળખાતા શ્વાનની વફાદારીના ઉદાહરણ આપવામાં આવતા હોય છે પણ એક એવી ઘટના સામે આવી છે જેમાં કૂતરાએ તેના માલિક પ્રત્યે ’વફાદારી’ સાબિત કરવી પડશે. જેના માટે ડીએનએ ટેસ્ટનો ઉપયોગ કરવામાં આવશે.
મધ્યપ્રદેશના હોશંગાબાદની એક રસપ્રદ ઘટના સામે આવી છે. જેમાં ત્રણ વર્ષીય લેબ્રાડોગ માલિકીપણાના વિવાદમાં ફસાયો છે. શાબાદ ખાન અને કાર્તિક શિવહરે નામની વ્યક્તિએ એક જ શ્વાનની માલિકીપણા માટે ફરિયાદ નોંધાવી છે. બંને વ્યક્તિઓએ શ્વાનને પોતાનું ગણાવી રહ્યા છે અને બંને પક્ષે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. હવે ખરા અર્થમાં શ્વાન કોની માલિકીનું છે તે અંગે ખરાઈ કરવા પોલીસ કૂતરાનો ડીએનએ ટેસ્ટ કરશે.
શાબાદ ખાન વ્યવસાયે પત્રકાર છે, જેમણે ગત ઓગસ્ટ મહિનામાં તેમના કાળા રંગના, કોકો નામના તેમના લેબ્રાડોગની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ત્રણ મહિના બાદ શાબાદ ખાને તેમનો શ્વાન કાર્તિક શિવહરે નામની વ્યક્તિના ઘરે હોય અને તે વ્યક્તિ શ્વાનને વેંચી નાખવાના પ્રયત્નો કરતો હોય તેવી જાણ પોલીસને કરી હતી.
સામા પક્ષે કાર્તિક શિવહરે કે જેઓ એબીવીપીના અગ્રણી છે તેમણે શ્વાનનું માલિકીપણું દર્શાવતા કહ્યું હતું કે, આ શ્વાન અમારું છ જેનું નામ ટાઇગર છે. તાજેતરમાં જ્યારે ખાન શ્વાનનો કબ્જો શિવહરેના ઘરે લેવા ગયા હતા ત્યારે આ વિવાદ વકર્યો હતો. જે બાદ બંને પક્ષે ફરિયાદ નોંધવાઈ હતી.
ખાને બીજી વાર ૧૮મી નવેમ્બરે પોલીસ ફરિયાદ નોંધાવતા શ્વાનના ફોટો તેમજ ખરીદીની રિશીપ પોલીસ મથકે રજૂ કરી હતી. તેમણે શ્વાનનો ડીએનએ ટેસ્ટ કરવા પણ લેખિત માંગણી કરી હતી. જ્યારે બીજા જ દિવસે કાર્તિક શિવહરે પણ પોલીસ મથક પહોંચ્યા હતા જ્યાં તેમણે શ્વાનના માલિકીપણાનો ક્લેઇમ કર્યો હતો. ખાને જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૭માં તેમણે શ્વાનની ખરીદી પંચમઢી ખાતેથી કરી હતી. જ્યારે શિવહરેએ કહ્યું હતું કે, તેમણે ઇટારસીના એક બ્રિડર પાસેથી અમુક સપ્તાહ અગાઉ શ્વાનની ખરીદી કરી હતી. બન્ને પક્ષે પોલીસે ફરિયાદ મળ્યા બાદ પોલીસ દ્વારા શ્વાનનો કબ્જો લેવામાં આવ્યો છે અને શનિવારે શ્વાનના ડીએનએ ટેસ્ટ માટે બ્લડ સેમ્પલ પણ એકત્રિત કરવામાં આવ્યા છે.
પોલીસ અધિકારી હેમંત શર્માએ મામલામાં કહ્યું હતું કે, અમે શનિવારે શ્વાનના બ્લડ સેમ્પલ એકત્રિત કરીને ડીએનએ ટેસ્ટ માટે મોકલી આપ્યા છે. ડીએનએ રિપોર્ટ્સ આવ્યા બાદ શ્વાનને તેના સાચા માલીકને સુપ્રત કરી દેવામાં આવશે. આશ્ચર્યની વાત તો એ છે કે, શ્વાન કોકો અને ટાઇગર બંને નામો બોલતાં પ્રતિસાદ આપી રહ્યો છે અને બંને પક્ષે શ્વાન સબંધ દર્શાવતો વ્યવહાર પણ કરી રહ્યો છે જે પોલીસને વધુ મુંઝવણમાં મૂકી રહી છે જેથી ડીએનએ ટેસ્ટ કરવું જરૂરી બન્યું છે.