અકસ્માત નિવારવા 150થી વધુ શ્ર્વાનોને રીફ્લેક્ટીવ કોલર પણ પહેરાવ્યા: રાત્રે શ્ર્વાન પણ ડોગ લવરની રાહ જોતા હોય છે

 

અબતક-અરૂણ દવે-રાજકોટ

વર્ષોથી સ્ટ્રીટ ડોગ તેના વિસ્તારોમાં રાત્રિનાં ચોકી પેરો કરે છે અને અજાણ્યા શખ્સોને રાત્રે શેરીમાં આવવા દેતા નથી. શ્ર્વાનની સુંઘવાની શક્તિ પાવરફૂલ હોવાથી તેને તરત જ અજાણ્યા માણસની ગંધ આવી જતાં તે ભસવા લાગે કે પોતાના રક્ષણ માટે બચકું ભરી લે છે. શેરીનો સાચો રખેવાલ સ્ટ્રીટ ડોગ જ છે.

આજના યુગમાં હવે લોકો તેના પર અત્યાચાર કરતા જોવા મળે છે. પોટી-યુરીન જેવી બાબતોથી પણ લોકો શ્ર્વાનને તથા તેની સંભાળ રાખતા સાથે ઝગડા કરે છે.

છેલ્લા એક અઠવાડીયામાં જ 250થી વધુ શ્ર્વાનોએ લોકોને બચકાં ભર્યા બનાવો બન્યા છે. ડોગ બચકાં ભરવા પાછળ ઘણા કારણો ભાગ ભજવતા હોય છે. જે સૌએ સમજવાની જરૂર છે.

રાજકોટમાં 50 જેટલા ડોગ લવર નિયમિતરીતે દરરોજ રાત્રે સ્ટ્રીટ ડોગના સ્થળે જઇને ડોગ ફૂડ ખવડાવીને તેની જઠરાગ્નિ ઠારી રહ્યા છે. આ સેવાકીય યજ્ઞમાં શહેરનાં શ્ર્વાનોના અકસ્માત નિવારવા ડોગ લવર્સે 150 થી વધુ શ્ર્વાનોને રીફ્લેક્ટિવ કોલર પણ પહેરાવ્યા છે. જેથી વાહન ચાલકને લાઇટીંગ ચમકતા રેડિયમ દેખાતા જ અકસ્માત નિવારી શકાય છે.

નિયત સમયે ભોજન મળતા શ્ર્વાનો ક્યારેક મોડું થાય તો શ્ર્વાન લવર્સની રાહ જોતા એક સ્થળે બેસેલા પણ જોવા મળે છે. શેરીવાળા જ શ્ર્વાન લવર સાથે માથાકૂટ પણ કરે છે. ક્રુઆલીટીનો સૌથી વધુ ભોગ શ્ર્વાનો બની રહ્યા છે. ડોગને રોજ ખોરાક આપવા જતાં ફિડરો બિસ્કિટ ખવરાવવાની પણ ના પાડે છે કારણ કે તેનાથી શ્ર્વાનને ચામડીના રોગો થાય છે.

શ્ર્વાનને નાની-મોટી તકલીફમાં મેડિકલી સારવાર સાથે પાટા-પિંડી જેવી સવલતો પણ આ શ્ર્વાન લવર્સ પૂરી પાડતા હોવાથી રાજકોટમાં જીવદયા ક્ષેત્રે શ્રેષ્ઠ કામ થઇ રહ્યું છે. ડોગ લવર્સના ગૃપ ઉપરાંત 20 થી વધુ યુવાનો પણ પોતાની રીતે નિયમિત શ્ર્વાનોને ભોજન આપવા જઇ રહ્યા છે.

શ્ર્વાનોને રાત્રે ધૂમ બાઇક સ્ટાઇલ સવારોથી અકસ્માતનો સૌથી વધુ ખતરો !!

સ્ટ્રીટ ડોગને રાત્રે અકસ્માતો થવામાં શેરીમાં નિકળતા ફૂલ સ્પીડવાળા વાહન ચાલકોથી ખતરો વધુ હોય છે. તેની ઉપર સતત અત્યાચારો થવાથી તે ખૂબ જ એગ્રેસીવ થવાથી લોકોને કરડવા લાગે છે. જેને કારણે બધા ડોગને તેની સજા મળે છે. રાત્રે અજાણ્યા લોકો નિકળે તો પણ શ્ર્વાન તેના ચોકિદારના ગુણ મુજબ તેની પાછળ દોડે કે બાઇટ કરે છે. શ્ર્વાન પરત્વે માનવતાવાદીઓ, જીવદયાપ્રેમી ખૂબ જ સારૂં કાર્ય કરીને શ્ર્વાનોના હમદર્દ બન્યા છે. પાળેલા શ્ર્વાનો પણ ઘણીવાર કરડી જતા હોય છે. મંદિરોની આસપાસ ખોરાક સરળતાથી મળતો હોવાથી ત્યાં શ્ર્વાનોની સંખ્યા વધુ જોવા મળે છે. આવા સ્થળે ક્યારેય બાઇટ કર્યાના બનાવો બનતા નથી. શ્ર્વાનને હેરાન કરો તો જ તે બાઇટ કરતાં હોય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.