આ રીતે કરો બાળકની જિજ્ઞાસાવૃતિને શાંત
પૂછતાં પંડિત થવાય
આપણે ત્યાં કહેવત છેને કે – પૂછતાં પંડિત થવાય. આ જ નિયમ બાળકો માટે પણ એટલો જ લાગુ પડે છે. પોતાના મનમાં ઉદભવતી જિજ્ઞાસાને તે વિવિધ જવાબો કે જ્ઞાન દ્વારા સંતોષે છે. જિજ્ઞાસા સંતોષાવાથી તેની વિચારશક્તિ-સમજવાની ક્ષમતા વિકસે છે. આમ, બાળકમાં આ જિજ્ઞાસાવૃત્તિ સંતોષવાથી તેનામાં જિજ્ઞાસાવૃત્તિની ટેવ કેળવાય છે, તે સાથે તેના વિચારોનું ઘડતર થાય છે. જો તમારા બાળકમાં ઉત્સુકતા, જિજ્ઞાસા અને કુતૂહલતા રહેશે તો તેનામાં એક્સ્પ્લોર અને ડિસ્કવર કરવાની ક્ષમતા વિકસશે.
મા-બાપ બાળકના ભવિષ્ય અને ઘડતરને લઈને સજાગ રહેતાં હોય છે, પણ ઘણાં મા-બાપ છોકરાઓના વિકાસ માટે સજાગ હોવા છતાં પણ જાણે-અજાણે ભૂલ કરી દેતાં હોય છે. બાળક જ્યારે ઘણી વાર વિચિત્ર સવાલો પૂછે ત્યારે મા-બાપ તેને ધમકાવીને, કાં તો તેને આડાઅવળા જવાબો આપીને પટાવી દેતાં હોય છે. તો ચાલો આજ વાતને ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરીએ.
- બાળકની આ જિજ્ઞાસા કે કુતૂહલતાને આપણે જોઈએ તેટલી ગંભીરતાથી લેતા નથી. આજે અમને તમને જણાવીશું કે જ્યારે બાળક જિજ્ઞાસાવશ કોઈ પ્રશ્ન કરે તો તેમની સાથે કેવી રીતે ડીલ કરવું…
- બાળક જ્યારે પણ કોઈ પ્રશ્ન પૂછે ત્યારે તેના માટે તેને કદી ધમકાવશો નહીં, તેની વાત કાપશો નહીં કે ગુસ્સો કે હસશો નહીં.
- તેના સવાલને શાંતિથી સાંભળીને તેનો જવાબ આપવાનો પ્રયાસ કરો.આથી જ્યારે બાળકને બીજી વાર પ્રશ્ન પૂછવાનું મન થાય તો તે નિઃસંકોચ થઈને પૂછી શકશે.
- ઘણી વાર બાળકો એવા સવાલો પૂછતાં હોય છે જેનો જવાબ આપણે જાણતાં નથી કે તેનો જવાબ આપવો મુશ્કેલ હોય છે. આવા સમયે ઘરના અન્ય સભ્યોની, વડીલોની કે ઇન્ટરનેટ જેવાં માધ્યમનો ઉપયોગ કરી પણ બાળકોના પ્રશ્નનો જવાબ આપીને તેની જિજ્ઞાસાને સંતોષવા પ્રયત્ન કરો.
- તમારાં બાળકો માટે તમારે હકારાત્મક વિચારસરણી કે પ્રતિક્રિયા દાખવવી જોઈએ.
- તમે પણ બાળકને સામે ઓપન એન્ડેડ પ્રશ્નો પૂછો અને તેમની સાથે ડિબેટ કરો. જેથી તેની કોમ્યુનિકેશન સ્કિલ અને જવાબો આપવાની ક્ષમતા પણ સાથે વિકસે.