ભાજપની રથયાત્રા પર હાઈકોર્ટે લગાવી હતી રોક

કલકત્તા હાઇકોર્ટે ગુરુવારે ભાજપ દ્વારા પશ્ચિમ બંગાળમાં આયોજિત રથયાત્રા પર રોક લગાવી દીધી છે. ભાજપઅધ્યક્ષ અમિત શાહ શુક્રવારે કૂચબિહાર ખાતેથી ભાજપની રથયાત્રાને લીલી ઝંડી આપી રવાના કરવાના હતા. આ રથયાત્રા રાજ્યના ૨૪ જિલ્લામાંથી પસાર થવાની હતી. કલકત્તા હાઇકોર્ટે ગુરુવારે જણાવ્યું હતું કે, ભાજપની રથયાત્રા ૯મી જાન્યુઆરીએ ફરી સુનાવણી હાથ ધરાય ત્યાં સુધી કાઢી શકાશે નહીં. કલકત્તા હાઇકોર્ટ આ પહેલાં ૨૪ જિલ્લામાંથી મળેલા રિપોર્ટ પર વિચારણા કરશે. બીજી તરફ મમતા બેનરજી સરકારે ગુરુવારે કલકત્તા હાઇકોર્ટને જણાવ્યું હતું કે, સરકાર ભાજપની રથયાત્રાને પરવાનગી આપશે નહીં. રાજ્યના એડવોકેટ જનરલે સરકારના આ નિર્ણય અંગે જસ્ટિસ તપબ્રત ચક્રવર્તીને માહિતી આપી હતી.

હાલ પૂર્વોત્તર રાજ્યોમાં ભાજપનું પ્રભુત્વ ઉત્તરોત્તર વધી રહ્યું છે ત્યારે આ પ્રભુત્વને ડામવા માટે મમતા બેનરજી સહિત વિપક્ષોનું ગઠબંધન એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. ૨૦૧૪ની ચૂંટણીમાં ભાજપ પશ્ચિમ બંગાળમાં એકપણ બેઠક નહોતું લાવી શક્યું ત્યારે ૨૦૧૯માં ૭-૮ બેઠકો લાવે તેવી શક્યતાઓ હાલ રાજકીય વિશ્લેષકો સેવી રહ્યા છે. ત્યારે પશ્ચિમ બંગાળ હાઇકોર્ટ દ્વારા રથયાત્રાને કાઢવા પાર રોક લગાવવામાં આવતા ભાજપને ફટકો પડશે.

બુધવારે હાઇકોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણીમાં ભાજપના વકીલ ફિરોઝ એદુલજીએ જણાવ્યું હતું કે, એડવોકેટ જનરલ એમ કહે છે કે, ભાજપના નેતાઓએ સંબંધિત સત્તાવાળા દ્વારા પાઠવાયેલા પત્રને ધ્યાનથી જોયો નથી, પરંતુ પત્રમાંનું લખાણ જ સ્પષ્ટ નથી. સરકારે યોગ્ય સત્તાવાળા દ્વારા ભાજપના નેતાઓને માર્ગદર્શન આપવું જોઈતું હતું. જવાબમાં એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે, હું ગુરુવારે સવારે આવતાંની સાથે જ સરકારનો જવાબ રજૂ કરીશ. દરમિયાન ભાજપ પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષના કાફલા પર કેટલાક અજાણ્યા હુમલાખોરોએ ગુરુવારે હુમલો કર્યો હતો. દિલીપ ઘોષનો કાફલો કૂચબિહાર જિલ્લાના સિતાઈ વિસ્તારમાંથી પસાર થયો ત્યારે હુમલો કરાયો હતો, જોકે ઘોષનો હુમલામાં આબાદ બચાવ થયો હતો.

પશ્ચિમ બંગાળમાં ભાજપે ગણતંત્ર બચાવયાત્રાનું આયોજન કર્યું છે. ૪૦ દિવસ કરતાં વધુ સમય ચાલનારી આ રથયાત્રા ૨૪ જિલ્લામાં આવેલી ૨૯૪ વિધાનસભા બેઠકોના વિસ્તારમાંથી પસાર થશે. રથ તરીકે ૩ એરકન્ડિશન્ડ બસ તૈયાર કરાઈ છે. શુક્રવારે અમિત શાહ હુગલી નદીના કિનારે આવેલા ગંગાસાગર નજીકના કાકદ્વીપ ખાતેથી રથયાત્રાને લીલી ઝંડી બતાવવાના હતા. વડા પ્રધાન મોદી પણ દુર્ગાપુર, માલ્દા, શ્રીરામપુર અને કૃષ્ણનગર ખાતે રથયાત્રામાં જોડાઈ રેલીને સંબોધન કરવાના હતા. ભાજપે ૭ ડિસેમ્બરે કૂચબિહાર, ૯ ડિસેમ્બરે ૨૪ પરગણા જિલ્લા અને ૧૪ ડિસેમ્બરે બીરભૂમ જિલ્લાના તારાપીઠ મંદિર ખાતેથી એમ ૩ રથયાત્રા કાઢવાની યોજના બનાવી હતી.

પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષે જણાવ્યું હતું કે, સરકાર અમને રથયાત્રા કાઢવાની પરવાનગી આપવાનો ઇનકાર કરશે તો પણ અમે સરકારની મંજૂરી વિના રથયાત્રા કાઢીશું. રથયાત્રા નીકળશે અને તેના નિર્ધારિત સ્થળે પણ પહોંચશે. ભાજપની રથયાત્રાને કોઈ અટકાવી શકશે નહીં.

હાઇકોર્ટે ભાજપના વકીલોને સવાલ કર્યો હતો કે રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ કે હિંસા થશે તો તેની જવાબદારી કોણ લેશે? કાયદો અને વ્યવસ્થાની જાળવણી રાજ્ય સરકાર હસ્તક છે. જો રાજ્ય સરકાર ઇનકાર કરે અને કોઈ અનિચ્છનીય બનાવ બને તો શું ભાજપઅધ્યક્ષ તેની
જવાબદારી લેશે?

શુક્રવારે સવારે ૧૦.૩૦ કલાકે જસ્ટિસ બીશ્વનાથ સોમદ્દર ભાજપની પિટિશન પાર સુનાવણી કરશે જેમાં ભાજપને રાહત મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.