સુપ્રીમ કોર્ટે કોરોના વાયરસના સતત વધતા જતા કેસો બાબતે કેન્દ્ર સરકાર પર કડક ટિપ્પણી કરી છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, ‘અમે આ કટોકટી દરમિયાન મ્યૂટ(ચૂપચાપ) દર્શકો બની રહેવા નથી માંગતા. સરકારે કોરોના મહામારી સામે લડવા માટે તેની પાસે શું યોજના છે, તે જણાવવું ખુબ જરૂરી છે.’
ન્યાયાધીશ એસ.આર. ભટે કહ્યું કે, ‘હું મહત્વના બે મુદ્દાઓ વિશે ચર્ચા કરવા માંગુ છું, જેની જવાબદારી કેન્દ્ર સરકારની છે. પ્રથમ વસ્તુ એ છે કે કેન્દ્રિય સંસાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો. સૈનિક તબીબો, પેરામેડિક્સ, સૈન્ય સુવિધાઓ અને ડોકટરો આ બધાનો આ મહામારીને નાથવા કેવી રીતે ઉપયોગ કરવો. બીજી વાત એ છે કે સરકાર પાસે આ સંકટ સામે લડવા માટે કોઈ યોજના છે કે નહીં.’
કોરોનાના વધતા જતા કેસોની નોંધ લેતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ‘હાઈકોર્ટોએ રાજ્યોની પરિસ્થિતિ પર નજર રાખવી ખુબ જરૂરી છે. એનો મતલબ એવો નથી કે સર્વોચ્ચ અદાલત ચૂપ બેસી રહશે. અમારું કાર્ય રાજ્યો વચ્ચે સંકલન કરવાનું છે, જેથી કોઈ અગવડતાઓ ઉભી ના થાય.’ આ સાથે સુપ્રીમ કોર્ટએ કેન્દ્ર સરકારને પૂછ્યું છે કે, ‘શું આ કટોકટીના સમયમાં સેના અને અન્ય દળોની સહાય લેવામાં આવશે ?’
સુપ્રીમ કોર્ટએ કોર્ટે કહ્યું કે, ‘હાલમાં દેશની પરિસ્થિતિ જોતા રાષ્ટ્રીય સ્તરે પ્રયાસો માટે અમારે દખલ દેવી ખુબ જરૂરી થઈ ગઈ છે. આ કટોકટી દરમિયાન, અમે મૌન ધારણ કરી બેસી શકીયે નહીં. સુપ્રીમ કોર્ટના પ્રશ્નો પર સોલિસીટર જનરલ તુષાર મહેતાએ સરકાર તરફથી જવાબ આપતા કહ્યું કે, ‘અમે પરિસ્થિતિને સંપૂર્ણ જવાબદારી સાથે સંભાળી રહ્યા છીએ.’