Table of Contents

આજે વાલીઓની સૌથી મોટી ચિંતા બાળકોના જિદી સ્વભાવની છે: જીદ કરતા બાળકો રડે તો તેને રડવા દો, પણ જીદ પુરી ન કરો. આજના યુગમાં મા-બાપને સૌથી મોટી ચિંતા બાળકોના મોબાઈલ લત ની છે.

જો બાળક સ્વસ્થ હોય તો ક્યારેય તેને ખોરાક માટે જીદ ન કરો, બાળકોના રોલ મોડલ તેના માતા-પિતા જ હોય છે, તેનું વર્તન જોઇને બાળક ઘણું શીખે છેે

દરેક મા-બાપે ચાઇલ્ડ સાયકોલોજી સમજવી જરૂરી છે. બાળકની દરેક જીદ પુરી કરીને તમે તેનો વિકાસ રૂંધો છો. આજના બાળકો ખૂબ જ જીદી છે. તેવી ફરિયાદ દરેક મા-બાપો કરે છે. જીદ કરતાં બાળકો રડે તો રડવા દો પણ, તેની જીદ પુરી નો કરો, આ સત્ય છે પણ આજના વાલીઓ તેની જીદી સામે હારીને તેની માંગ સતત પુરી કર્યે રાખવાથી બાળક પણ એ ટેવ સાથે ટેવાઇ જાય છે, અને હાલતા-ચાલતા તેના ઉપયોગ થકી તેની માંગ સંતોષે છે. જો બાળક સ્વસ્થ હોય તો ક્યારેય ખવડાવવા માટે પ્રેશર કે જીદ મા-બાપે ન કરવી જોઇએ. જીદી સ્વભાવ બાળકોનો મા-બાપની અણ આવડતને કારણે જોવા મળે છે. બાળકોના સૌથી પહેલા રોલ મોડલ તેના માતા-પિતા જ છે, તેથી તેના વર્તન, વાત, સ્વભાવ વિગેરે તેમાંથી જોઇને શીખે છે.

વર્ષો પહેલા સંયુક્ત કુટુંબ પ્રથામાં બાળક ક્યારે મોટું થઇ જતું તેની ખબર જ ન પડતી: આજે વિકસતા વિશ્વમાં વિભક્ત કુટુંબમાં સંતાનનાં આહાર-ઉછેર બાબતે માતા-પિતાને મુશ્કેલી પડી રહી છે: અગાઉ ચાર-પાંચ સંતાનો હતા છતાં તેના લાલન-પાલનમાં ક્યાંય મુશ્કેલી પડતી ન હતી, તો આજે એક-બે સંતાનોમાં વાલી હેરાનગતિ ભોગવે છે

પતિ-પત્નિ બંને કમાતા હોય ને ઘરે બાળક એકલું રહે ત્યારે, તેના સ્વભાવમાં ઘણો ફેરફાર જોવા મળે છે: બાળક-બાળક પાસેથી વધુ શીખે છે, તેથી નાના બાળકોને સાથે રમવું, કુદવું, ફરવું બહુ જ ગમે છે: આજના યુગમાં બાળકોની ઘણી ફરિયાદ મા-બાપ કરે છે

નાનુ બાળક નિર્દોષ હોય છે તેને જેમ વાળો તેમ વાળી શકાય છે, તેથી મા-બાપે તેને સમય આપીને સમજવાની જરૂર છે. બાળક સુંદર ચિત્ર છે આપણે જોવાની જરૂર છે, તે એક સંગીત છે આપણે સાંભળવાની જરૂર છે, બાળક પોતે જ પોતાનામાં વિશિષ્ટ અને મહાન છે. તમારા સંતાનો આવતીકાલના ભાવિ નાગરિક છે. તેનું યોગ્ય ઘડતર કરવું દરેક મા-બાપની પ્રથમ ફરજ છે. પણ આજના મા-બાપો પાસે બાળકો માટે સમય જ નથી. સામાન્ય સુટેવો, થોડી સમજ, સંસ્કારો થકી તમે તેનો શ્રેષ્ઠ વિકાસ કરી શકો છો.

આજના યુગમાં ટીન એજર્સને શારીરીક મુંઝવણોના જવાબો આપવાનું ટાળવું નહી પણ એક કાઉન્સીલર તરીકે મા-બાપે સમજ આપવી ખૂબ જ જરૂરી છે. બાળકોને બગાડવાના 90 ટકા કિસ્સામાં વાલીઓ જ જવાબદાર હોય છે. પ્રેમ, હૂંફ, લાગણીથી બાળકોને જીતવા આસાન છે. હાલના યુગમાં ટીવી, મોબાઇલ અને મીડીયાના માધ્યમને કારણે સંતાનો વિવિધ મુદ્દા ઝડપથી જાણતા થઇ જાય છે. આજે સતત કાર્ટૂન જો તો બાળક જમતો પણ નથી, મોબાઈલ જોતા જોતા જમે છે, આવી વિવિધ સમસ્યાની ઘણા મા-બાપો ફરિયાદ કરે છે. મા-બાપ જ ઘરમાં હોય અને મોબાઇલમાં હું બહાર છું તેવું ખોટુ બોલે ત્યારે બાળકો તેને જોતા હોય છે. આવા ઘણા પ્રસંગોને કારણે બાળક પર ખરાબ અસર પડે છે, અને તે ખોટુ અનુકરણ કરે છે.

માર મારવાથી બાળક ક્યારેય સુધરતું જ નથી, ઉલ્ટાનું રીઢુ થઇ જાય છે. એક-બે વાર તે જોશે પછી તેને મારની આદત પડી જવાથી તેનો ડર જ નીકળી જવાથી ગંભીર પરિણામો ભોગવવા પડે છે. ઝુંપડપટ્ટીના બાળકો ગમે તે વાતાવરણમાં રખડતા-ભટકતા જોવા મળે છે ત્યારે આપણે તેને સતત ટોકવાથી તેના માનસ પર પ્રેશર કરીએ છીએ. એક વાત નક્કી છે કે દરેક બાળક થોડા ઘણા તોફાન કરે જ તેમાં જ તેનો શારીરીક-માનસિક વિકાસ થતો હોય છે.

નાનપણમાં બાળકોનો સ્વભાવ ચીડીયો થાય, રોયા રાખે, રાડો પાડે, ગુસ્સો કરે, વસ્તુઓના ઘા કર અથવા તોડે જેવી વિવિધ સમસ્યા હોય છે. મા-બાપોને સંભાળવા મુશ્કેલ થઇ જાય તેટલી હદે કેટલાક બાળકોની ફરિયાદ જોવા મળે છે. ઘણીવાર તો મા-બાપ મેથીપાક ચખાડે પણ બાળકને પણ આત્મસન્માન હોય જેમ-જેમ તેનો વિકાસ થાય તેમ તેમ સમજ આવતા તે સારો વ્યવહાર કરવા લાગે છે. બાળકો સાથે મા-બાપે પણ યોગ્ય વ્યવહાર કરવો જરૂરી છે.

તમારા બાળકને ક્યારેય તેના જેવડા બાળકની સામે ઉતારી ન પાડવો. દરેક બાળકને તેની ભૂલો સમજાવશો તો તે સમજી જશે. ભૂખ્યું બાળક પણ રડે કે ગુસ્સે થાય છે. મેડીકલી રીતે ઘણીવાર હોર્મોનલ અસંતુલનને કારણે પણ તે ગુસ્સે થાય કે ચિડિયો સ્વભાવ થાય છે. બાળકો આસપાસના વાતાવરણમાંથી ઘણું શિખતા હોવાથી અહિં મા-બાપે તેની સંભાળ લેવી પડે છે.

બાળકો કોરી સ્લેટ જેવા હોય છે, તમે જોયું હશે કે બાળક પોતાના નિર્ણયો લેતા પહેલા તમારી પાસે આવે છે. દા.ત. મમ્મી હું બહાર જાવ ? ત્યારે તમો તેને સંભાળી લો, સાંભળો, સમજાવો તે સૌથી શ્રેષ્ઠ ઉછેરની બાબત છે. આજે બધા કહે છે કે તમે તમારા સંતાનના મિત્ર બનો પણ તમે તેના મા-બાપ છો તે વાત ભૂલતા નહી. આજના ઘણા મા-બાપો પોતાના સંતાનો પાસેથી પણ ઘણું શીખે છે, બાળક પાસે સતત નવું-નવું હોય જે આપણે શીખવું જોઇએ કે તેની સાથે રમવું જોઇએ. દરેક માતા-પિતા એના સંતાનો માટે એક અવિરત પ્રકાશ અને મદદનો સ્ત્રોત હોય છે.

તમારા સંતાનોને ચિત્રો, વાર્તા, ગીત-સંગીત, અભિનય ગીતો વિવિધ વસ્તુઓ બતાવો, કુદરતી વાતાવરણ સુરજ, ચાંદ, પશુ-પક્ષી, પ્રાણીઓ સાથે પર્યાવરણમાં ફરવા લઇ જાય તેની વાતો કરો તો જ બાળકોમાં રહેલી છૂપી કલા જાગૃત થાય છે. તમારા સપના તેમાં ક્યારેય રોપવા નહીં. બાળકના રસ, રૂચી-વલણો જાણીને તેને પ્રોત્સાહન આપોને તેના સંર્વાગી વિકાસમાં મદદરૂપ થાવ એ ખૂબ જ જરૂરી છે. બાળકોને પાયાથી જ સારૂ ઘડતર મળે તો શ્રેષ્ઠ નાગરિક બને છે. ગમે તેવી મુશ્કેલી હોય પણ બાળક સાથે હસતો ચહેરો જ મા-બાપનો હોવો જોઇએ. તે જે કરે તેમાં તેને શાબાશી-પ્રોત્સાહન આપવું જોઇએ.

એક માતા સો શિક્ષક બરાબર છે. આ યુક્તિ સાચી જ છે કારણ કે એક માં બાળકનું શ્રેષ્ઠ ઘડતર કરીને તેનું સંતાન ટોચે પહોંચે તેવા અથાગ પ્રયત્નો કરે છે. તેના લાલન-પાલન, ઉછેર,આહાર જેવી બાબતમાં ક્યાંય કચાશ રાખતી નથી. શ્રેષ્ઠ સંસ્કારો સાથેનો વિકાસ અને સમજ શાળા પહેલા મા-બાપ જ આપે છે. શિક્ષણ જ્ઞાન આપે પણ કેળવણી તો મા-બાપ જ આપે છે. આજના યુગમાં મા-બાપો સંતાનના વિકાસ બાબતે જાગૃત થયા છે કારણ કે ભણશે તો જ મળશે તેવું દ્રઢપણે મા-બાપો માને છે.

ઇશ્વરે મા-બાપને લખેલો ‘પ્રેમ પત્ર’ એટલે બાળક !

બાળકોના તોફાની સ્વભાવમાં ખોરાકનો મુખ્ય ભાગ જોવા મળે છે. આજકાલ બાળકો બહુ જ તોફાની જિદ્દી હોય છે. મા-બાપો બાળકો પર ગુસ્સે થાય, માર મારે પણ તેના તોફાન ઓછા થતાં નથી તેવી ફરિયાદ મા-બાપની હોય છે. એક સંશોધન મુજબ બાળકોના આંતરડામાં જોવા મળતા સુક્ષ્મ જંતુઓ તેના સ્વભાવ ઉપર ખરાબ અસર કરે છે. જે ખાદ્ય પદાર્થો દ્વારા તેના શરીરમાં પહોંચે છે. 5 થી 7 વર્ષના શાળાએ જતાં બાળકોના નાસ્તામાં આપવામાં આવતો ખોરાક વિષયક કરેલા સંશોધનમાં જાણવા મળ્યું કે આ ખોરાકથી તેના સ્વભાવમાં ફેરફાર જોવા મળ્યો છે. ઘણીવાર હોર્મોનલ અનબેલેન્સને કારણે પણ બાળક ચિડીયું કે ગુસ્સાવાળું થઇ જાય છે.

બાળકોના બગડવાના 90 ટકા કિસ્સામાં વાલીઓ જવાબદાર હોય

પ્રેમ,હૂંફ, લાગણીથી બાળકને સરળતાથી જીતી શકાય છે. આજના યુગનું બાળક ઘણું જ સ્માર્ટ હોવાથી મા-બાપને પણ ઘણી વાતો શીખવા મળે છે જે આપણે ભૂલવું ના જોઇએ. આજના બાળકોમાં તોફાન, જિદ્, બરોબર જમવું નહીં, સતત ટીવી જોવું, મોબાઇલમાં ગેમ રમવી, અન્ય બાળકને મારવું, વસ્તુ તોડવી, લેશન ન કરવું, રાત્રે મોડે સુધી જાગવું જેવી ઘણી સમસ્યાઓ જોવા મળે છે. આના નિરાકરણ માટે દરેક મા-બાપે બાળક માટે સમય આપવોને તેને સમજવા જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.