સાંજે પાર્ટી નેતાઓની બેઠક બોલાવતા રાહુલ: નવા અધ્યક્ષની વરણી નહીં થાય ત્યાં સુધી પદ સંભાળશે
લોકસભામાં કોંગ્રેસ અને યુપીએનો કારમો પરાજય થતાં રાહુલ ગાંધી અધ્યક્ષપદેથી રાજીનામું આપવા અડગ છે. રાહુલ ગાંધીએ આજે સાંજે પાર્ટી નેતાઓની એક બેઠક બોલાવી છે. પ્રાપ્ત માહિતી મુજબ રાહુલે પાર્ટીને સલાહ આપી છે કે, અધ્યક્ષપદ માટે ઉપયુકત ઉમેદવારની પસંદગી કરવામાં આવે ત્યાં સુધી તેઓ આ પદની જવાબદારી સંભાળશે. આ વચ્ચે રાહુલને મળવાં માટે મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, કે.સી.વેણુગોપાલ, રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહલોત અને ઉપમુખ્યમંત્રી સચિન પાયલોટ તેમનાં નિવાસ સ્થાને પહોંચ્યા હતા.
સોમવારે રાહુલે એપોઈમેન્ટ આપ્યા હોવા છતાં ગેહલોત સાથે મુલાકાત થઈ શકી ન હતી. રાજીવ ગાંધી વખતે સીતારામ કેસરીને પક્ષની જવાબદારી સોંપવામાં આવી હતી પરંતુ તેમાં પણ તે નિષ્ફળ નિવડયા હતા એટલે કહેવામાં આવે છે કે, કોંગ્રેસ પક્ષનું સુકાન પહેલેથી જ નહેરૂ અને ગાંધી પરિવાર દ્વારા જ કરવામાં આવ્યું છે ત્યારે આ વખતે રાહુલ ગાંધી જયારે પોતાનાં પદ પરથી રાજીનામું આપી રહ્યા છે ત્યારે તેમનું ઉતરદાયિત્વ અને પદની જવાબદારી કોણ સંભાળશે.
લોકસભા ચુંટણીમાં હારની જવાબદારી લેતા પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ સુનિલ જાખડ, ઝારખંડ કોંગ્રેસ અધ્યક્ષ અજય કુમાર અને આસામ કોંગ્રેસ અધ્યક્ષ રીપુન વોરાએ સોમવારે પક્ષને રાજીનામું આપી દીધું હતું. અત્યાર સુધીમાં વિભિન્ન પ્રદેશોનાં ૧૩ વરીષ્ઠ નેતાઓએ રાહુલ ગાંધીને રાજીનામાં મોકલ્યા છે. કોંગ્રેસની શરમજનક હાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાજીનામું આપવા અડગ છે ત્યારે સુત્રોનાં જણાવ્યા અનુસાર સોમવારનાં રોજ અહેમદ પટેલ અને મહાસચિવ કે.સી.વેણુગોપાલ રાહુલને મળ્યા હતા. રાહુલે તેમને નવા નેતાની પસંદગી કરવાનું પણ જણાવ્યું હતું. સુત્રો દ્વારા સંકેત મળી રહ્યા છે કે રાહુલ મકકમ બની રહેશે તો કોંગ્રેસ એક દિવસીય રાષ્ટ્રીય સંમેલન બોલાવી તેમને પુન: વિચારની અરજી કરી શકે છે. રાહુલની મદદ માટે ત્રણ વરિષ્ઠ અને જમીનસાથે જોડાયેલા નેતાઓને કાર્યકારીઅધ્યક્ષ બનાવવાની પણ અટકળો છે.
જેમાં એ.કે.એન્ટની, અહેમદ પટેલ અને કેપ્ટન અમરીન્દરસિંહ નાં નામ પણ સામે આવ્યા છે. જયારે મધ્યપ્રદેશમાં કમલનાથની જગ્યાએ જયોતિરાદિત્ય સિંધીયાને પ્રદેશ અધ્યક્ષ બનાવવાની માંગ ઉઠી છે. સિંધીયાએ વેણુગોપાલ સાથે ચર્ચા કરી છે અને આ પહેલા વેણુગોપાલ રાહુલ ગાંધીને પણ મળ્યા હતા જે બાદ તેઓએ ફરીથી સિંધીયાને મળ્યા. પ્રાપ્ત માહિતી મુજબ સિંધીયાને પ્રદેશમાં ફરીથી મોટી જવાબદારી મળશે તેવી પણ અટકળો સામે આવી રહી છે.