જગતના લોકોએ પોતાના દેશમાં શ્રદ્ધાને આવા વિરાટ સ્વરૂપે પ્રગટેલી જોઈ નથી. તેમને મન ભારતમાં થતો કુંભમેળો અજાયબતાનું નજરાણું છે.
ચીની પ્રવાસી સાધુ ઝ્વાનઝાંગ અથવા હ્યુએન ત્સંગે સાતમી સદીમાં તેની ડાયરીમાં કુંભમેળાનું વર્ણન કર્યું છે અને કુંભનું આવું લેખન કરનારો એ પહેલો પ્રવાસી હતો. આ સાધુ રાજા હર્ષવર્ધનના શાસનકાળમાં ભારત આવ્યો હતો. એણે માઘ-મહા જેવા હિન્દુ મહિનામાં ગંગા નદીના કિનારે, અલાહાબાદ-પ્રયાગ ખાતે પાંચ લાખ લોકો એકત્ર થયાનો આંખે દેખ્યો અહેવાલ લખ્યો છે.
જૅક હેબનરે અને ડેવિડ ઓસ્બોર્ને તેમના પુસ્તકમાં લખ્યું છે કે આઠમી સદીમાં શંકર નામના સાધુએ અથવા શંકરાચાર્યે સાધુઓથી માંડીને સામાન્ય લોકોમાં કુંભ મેળા માટે મહત્ત્વ અને લોકપ્રિયતા ઊભી કરી હતી.
અલાહાબાદ-પ્રયાગમાં ૨૦૦૧નો મહાકુંભ મેળો સાત કરોડથી વધુ લોકોની હાજરીનો સાક્ષી બન્યો હતો.
સમુદ્રને મથવામાં આવ્યો ત્યારે મંદાર પર્વતનો વલોણી તરીકે અને વાસુકિ નાગનો વલોણીની રાશ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો અને દેવો અને રાક્ષસોએ ૧૦૦૦ વર્ષ સુધી સમુદ્રનું મંથન કર્યું હતું. આખરે અમૃતકુંભ પ્રાપ્ત થયો અને દેવો-રાક્ષસો વચ્ચે લડાઈ થઈ એ દરમિયાન ગરુડજી દેવોની આજ્ઞા અનુસાર કુંભને સ્વર્ગલોકમાં લઈ જતાં હતાં ત્યારે કુંભ છલકાતા અમૃતના ટીપાં પડ્યાં ત્યાં કુંભ મેળો યોજાય છે, એવી પુરાણ કથા છે.
આ મેળાનું આગવું એક ચક્ર છે. ભારતમાં અનાદિ કાળથી, પુરાણો અને શાસ્ત્રોમાં વર્ણવ્યા અનુસાર કુંભ ચાર તીર્થ માં યોજાય છે. પ્રયાગ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાશિક-ત્ર્યંબકેશ્ર્વબરમાં કુંભમેળાનું આયોજન થાય છે. એ દરેકનો દર બાર વર્ષે જ્યોતિષ અનુસારનો કાળ મુકર્રર છે.
એક તીર્થ માં ૧૨ પૂર્ણ કુંભ મેળા થાય ત્યારે મહાકુંભ મેળો યોજવામાં આવે છે. (૧૨ વર્ષ ગુણ્યા ૧૨ કુંભનું પરિણામ ૧૪૪ વર્ષમાં આવે) એટલે ૧૪૪ વર્ષે મહાકુંભમેળો યોજાય છે.