કોરોનાની વૈશ્વિક મહામારીમાંથી ઉગરવા રસીકરણ જ એકમાત્ર જાદુની છડી હોય તેમ મનાઈ રહ્યું છે. કોરોનાના કપરા કાળમાંથી ઊગરવા ભારત સહિત વિશ્વના મોટાભાગના દેશોમાં રસીકરણ ઝુંબેશ જોરશોરમાં ચાલી રહી છે. પરંતુ આ રસીની વિશ્વસનીયતા, વહેંચણી અને કિંમતને લઈ રસ્સાખેંચ જામી હતી. આ માટે જો કોઈ સૌથી મોટો કોઈ પડકાર હતો તો તે સૌપ્રથમ કોરોનાને મ્હાત આપે તેવી રસી વિકસાવવાનો હતો. પરંતુ હવે વિવિધ દેશોમાં અલગ-અલગ પ્રકારની ઘણી રસીઓ ઉત્પાદિત થઈ ગયા બાદ હવે મોટો પડકાર રસીની સાચવણીને લઈને છે. વેક્સિન બનાવવામાં જેટલો સંઘર્ષ લાગ્યો છે એટલો જ સંઘર્ષ વેક્સિનને સાચવવામાં પણ થાય છે. તમને શું લાગે છે રસીના ડોઝ તમારા સુધી સરળતાથી જ પહોંચી જતા હશે ?? નહિ, રસીની 20 થી 25’ઈ ડીગ્રી સુધી સાચવવી પડે છે જે મોટા પડકારરૂપ જ છે. જો તેને નીચા તાપમાને સાચવવામાં ન આવે તો ડોઝ કારીગર નિવડતાં નથી. આ સાચવણી માટે ઘણી પ્રાઇવેટ કંપનીઓનો પણ મોટો ફાળો છે. સંગ્રહ માટેના નવા નવા બોક્સ વિકસાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે દેશમાં 1 મેથી 18 વર્ષથી 45 વર્ષ સુધીના લોકોનું પણ રસીકરણ શરૂ થયું છે ત્યારે આ માટે છેવાડાના વિસ્તારો સુધી રસી પહોંચાડતી ચેનલમાં સામેલ કંપનીઓ કહે છે કે તેઓ મોટા પ્રમાણમાં રસીનો જથ્થો સલામત રીતે દરેક સ્થળે પહોંચાડવા તૈયાર છે પરંતુ સમસ્યા એ છે કે રસીઓને યોગ્ય તાપમાનમાં પરિવહન કરવી અનિવાર્ય છે. રસીઓને તેના ઉત્પાદનના સ્થળેથી માંડી સ્થાનાંતરિત કરવા માટે અને જ્યાં સુધી જે તે વ્યક્તિને ડોઝ અપાઈ ન જાય ત્યાં સુધી ‘કોલ્ડ ચેન’ની જરૂર હોય છે. હાલ આ માટે કાર્ગો વિમાનનો ઉપયોગ વધુ થઈ રહ્યો છે. જેમાં રસીના સંગ્રહ માટે ડ્રાય આઈસ (શુષ્ક બરફ)નો ઉપયોગ કરવામાં આવે છે. જો કે, શુષ્ક બરફ એ કાર્બન ડાયોક્સાઇડનું નક્કર સ્વરૂપ છે અને તે તેના વાયુયુક્ત સ્વરૂપમાં ફેરવાતું નથી. આથી આ ડ્રાય આઈસ થકી રસીનું પરિવહન કરવા માટે ખૂબ કાળજી લેવી જરૂરી છે. જરા એવી ભૂલ પણ મોટો વિસ્ફોટ સર્જી શકે છે. આથી આ જોખમ વચ્ચારે આ માટે ખર્ચ પણ વધુ ચૂકવવો પડે છે.
ભારતમાં માન્ય કોવિડ -19 રસી બંને એટલે કે, કોવિશિલ્ડ અને કોવેક્સિન શામેલ છે. જો આ રસીઓ ઊંચા તાપમાને સ્થિર થઈ જાય, તો તેમની શક્તિ એટલે કે અસરકારકતા ગુમાવે છે તો લેનારને પણ આડઅસર પહોંચાડી શકે છે. રસીઓને ઉંચા તાપમાનથી બચાવવા માટે, હાલની ડબ્લ્યુએચઓ (વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન) નીતિ અનુસાર રસીના વાહકોમાં આઇસ પેક્સને બદલે ઠંડા પાણીના પેકનો ઉપયોગ કરવાની ભલામણ કરે છે. જો બરફના પેક્સનો ઉપયોગ કરવામાં આવે તો તે ‘કન્ડિશન્ડ’ હોવા જોઈએ અથવા માઇનસ 20 ડિગ્રી સેલ્સિયસથી 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોવું જોઈએ.
કોરોના સામેના રસી માટેના અભૂતપૂર્વ પડકાર પણ વેક્સિનને કઈ રીતે સારી રીતે સાચવવી અને સ્વસ્થ રીતે જ જે તે વ્યક્તિ સુધી પહોંચાડવી જેવી નવીનતાઓ તરફ દોરી ગયા. કહેવાય છે ને કે આફતને પણ અવસરમાં પલટી શકાય છે. ગુડગાંવ સ્થિત પ્લસ એડવાન્સ ટેક્નોલોજીસ ખાતે આર એન્ડ ડી ટીમ દ્વારા વિકસિત સરળ ટ્રાન્સપોર્ટ સોલ્યુશન કાઢી આપવામાં આવ્યું છે. સેલસ્યુર નામની કંપની એ એક એવા બોક્સ વિકસાવ્યા છે જેમાં રસીને સરળતાથી નીચા તાપમાને વગર બરફએ સાચવી શકાય છે. તેને બનાવવા ફેસ ચેન્જ મટિરીયલ્સ (પીસીએમ)નો ઉપયોગ કરાયો છે. જે રસીની શક્તિ જાળવી રાખવા યોગ્ય તાપમાન જાળવવામાં મદદ કરે છે.