એલચી ભારતીય મસાલાનો મહત્વનો ભાગ છે. એલચીનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે થાય છે. એટલું જ નહીં એલચી ખાવાથી સ્વાસ્થ્ય પર પણ અસર થાય છે. એલચી ખાવાથી શ્વાસની દુર્ગંધ પણ દૂર થાય છે. પણ શું તમે જાણો છો કે તમારા ભોજનમાં એલચીને સામેલ કરવાની સાથે તમે તેનું પાણી પણ પી શકો છો. રોજ એલચીનું પાણી પીવાથી સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદા થાય છે. એલચીનું પાણી પાચનક્રિયાને સુધારે છે અને પેટની સમસ્યાઓથી રાહત આપે છે. તો ચાલો જાણીએ એલચીનું પાણી કેવી રીતે બનાવવું અને તેનાથી શરીરને કેવી રીતે ફાયદો થાય છે.
આ રીતે એલચીનું પાણી બનાવો
સૌથી પહેલા 5 એલચીને છોલીને એક લીટર પાણીમાં આખી રાત પલાળી દો. ત્યારબાદ સવારે પાણી ગરમ કરીને પીવો. આ પાણી તમે દિવસમાં 2 થી 3 વખત પી શકો છો. તેનાથી તમારું સ્વાસ્થય સુધરે છે.
એલચીનું પાણી પીવાના ફાયદા
કોલેસ્ટ્રોલ નિયંત્રિત કરે
એલચીમાં ફાઈબરનું પ્રમાણ ઘણું વધારે હોય છે. આવી સ્થિતિમાં એલચી કોલેસ્ટ્રોલના લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આનાથી શરીરમાં લોહીના ગંઠાવાનું જોખમ ઓછું થાય છે અને હૃદયની બીમારીઓનું જોખમ પણ ઓછું થાય છે.
બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રાખે
એલચીનું પાણી પીવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. તેમજ ડાયાબિટીસના દર્દીઓએ તેનું સેવન કરવું જોઈએ. તેનાથી શરીરનો થાક પણ દૂર થાય છે. તમારું શરીર સ્વસ્થ રહે છે.
પાચનતંત્ર સુધારે છે
એલચીનું પાણી પીવાથી પાચનતંત્ર મજબૂત બને છે. સાથોસાથ પેટને લગતી સમસ્યાઓથી રાહત મળે છે. તેમજ ખાલી પેટે એલચીનું સેવન કબજિયાત, અપચો અને ગેસ જેવી પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.
વજન ઘટાડવામાં ફાયદાકારક
વિવિધ પ્રકારના પોષક તત્ત્વો અને એન્ટી-ઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર હોવાથી એલચીનું પાણી શરીરમાં જામેલી વધારાની ચરબીને ઘટાડવામાં મદદ કરે છે. આ વધતા વજનને નિયંત્રણમાં રાખવામાં પણ મદદ કરે છે.