પેઢી સંચાલક, બિલ્ડર સહિત ત્રણ સામે લેન્ડ ગ્રેબિંગ એકટનો કોરડો વિંજાયો
શહેરના રણજીતનગર વિસ્તાર માં બોગસ દસ્તાવેજોથી જમીન વેચવાનો કારસો બહાર આવ્યો છે. આ જમીન કૌભાંડમાં નામાીંકત પેઢીના સંચાલક તથા બિલ્ડર સહિત ત્રણ સામે લેન્ડ ગ્રેબિગ એકટ હેઠળ ગુનો નોંધાયો છે. જામનગર શહેરમાં દિન-પ્રતિદિન જમીન ભૂખ્યાઓની સંખ્યામાં વધારો થતો જાય છે. શહેરમાં વધુ એક લેન્ડ ગ્રેબિંગ અંગેની ફરિયાદ દાખલ થતાં ભૂમાફિયાઓ ડર્યા છે કે નહીં એ તો રામ જાણે પણ જમીન ધારકો ચોક્કસપણે ફફડી ઉઠ્યાં છે. કારણ કે, એવો મેસેજ જઈ રહ્યો છે કે, સામાન્ય અને મારપીટ જેવી પ્રવૃત્તિઓ સાથે સંબંધ નહીં ધરાવનારા લોકોની જમીન હશે સુરક્ષિત છે કે કેમ?!!રણજીતનગર વિસ્તારમાં આવેલી આશરે 1 કરોડ 66 લાખની જમીનના બનાવટી દસ્તાવેજો તૈયાર કરી અને તેના પ્લોટ પાડી જમીન હડપ કરી જવાનો કારસો રચવા અંગે જામનગરના એક બિલ્ડર સહિત ત્રણ શખ્સો સામે અને એક પેઢીના સંચાલક સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટનો ગુનો દાખલ કરાતા ભારે દોડધામ મચી ગઇ છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે. જિલ્લા કલેકટર સમક્ષ અરજી કરાયા પછી પોલીસની ઉંડાણપૂર્વકની તપાસ માં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું અને ગુનો દાખલ કરાયો છે. આરોપીઓ હાલ ફરાર થઈ ગયા હોવાથી પોલીસ તમામને શોધી રહી છે. જામનગરમાં સેતાવાડ વિસ્તારમાં વાંઢાનો ડેલો માં રહેતા ઈકબાલભાઈ અલારખાભાઈ મકરાણી નામ ખેડૂત યુવાને પોતાના પિતાના નામની જમીન રણજીતનગર વિસ્તારમાં ખોડીયાર પાન નજીક આવેલી છે, તે જગ્યાના બનાવટી દસ્તાવેજો તૈયાર કરી જમીન પચાવી પાડવાનો કારસો રચનારા જામનગરના બિલ્ડર રાણસીભાઈ કરશનભાઈ રાજાણી (લાખોટા મિગ કોલોની) ઉપરાંત નરસિંહભાઈ ગોપાલભાઈ કાલસરિયા (પંચેશ્વર ટાવર) અને હરેશ લક્ષ્મીદાસ પારેખ (રણજીત નગર નવો હુડકો) ઉપરાંત નાગેશ્વર નોંન ટ્રેડિંગ કોર્પોરેશનના હોદ્દેદારો વગેરે સામે ફરિયાદ નોંધાવી છે.આ ફરિયાદના અનુસંધાને સીટી-સી ડિવિઝન પોલીસે તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા લાગુ કરાયેલા ધી ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંઘીત) વિધેયક 2020 ની કલમ 4(3),5(ચ) મુજબ ગુનો નોંધી ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. જ્યારે ફરિયાદમાં દર્શાવેલા આરોપીઓ ભાગી છૂટયા હોવાથી તેઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ઈકબાલભાઈ ના પિતા અલ્લારખા હાજી શેખ ની સરવે નંબર 1323 પૈકી-1 એકર અને 6 ગુઠા 34 કે જેની કિંમત રૂપિયા 1,66,32,594 લાખ ની થવા જાય છે. જે જમીનમાં આરોપીઓ રણશીભાઈ રાજાણી અને નરસીભાઇ કલસરિયા એ કિશોરસિંહ મહેન્દ્રસિંહ જાડેજા અને નકાભાઈ માયાભાઈ ચારણ ના નામે દસ્તાવેજ કરાવેલો અને તેઓએ આરોપી નંબર 3 હરેશ લક્ષ્મીદાસ પારેખના નામનું કુલમુખત્યાર નામું કરી નાગેશ્વર નોન ટ્રેડિંગ કોર્પોરેશન નામની સંસ્થા ઊભી કરાવી હતી. ઉપરાંત ઇકબાલભાઈના પિતા અલ્લારખ્ખા ભાઈની કબજા વાળી જમીન બિલ્ડર રાજાણી ના નામે ખોટો વેચાણ કરાર ઉભો કરી લીધો હતો, અને તેમાં કબજો પણ કરી લીધો હતો. ઉપરાંત નાગેશ્વર ટ્રેડિંગ કોર્પોરેશન ના વહીવટદારોએ તે જમીન બિનખેતી કરાવ્યા વગર પ્લોટનો નકશો બનાવી તેમાં અલારખા ભાઈની 1.66 કરોડની જમીનને પણ પોતે બનાવેલા બોગસ નકશામાં આવરી લઇ તેના પ્લોટ પાડી નાખ્યા હતા.