કૌભાંડીઓ 60 વર્ષ પછી વારસાગત નોંધો કરી રેવન્યુ વિભાગ સાથે કુંડળીમાં ગોળ ભાંગી જમીન પોતાના નામે ચડાવી,ગામના ઘણા લોકોના ગરિયા કરી રહ્યા છે

કૌભાંડીઓ જમીનના વેચાણની અખબારોમાં ખુલ્લી નોટિસો આપે છે,  જિલ્લા કલેકટર તંત્રએ અખબારની નોટિસ રડારમાં લેવાની જરૂર છે જેથી નિર્દોશ લોકો બનાવટી દસ્તાવેજોને સાચા માની ફસાઈ નહીં

અબતક, રાજકોટ : વાવડી વિસ્તારની કરોડોની સરકારી જમીનમાં કૌભાંડીઓ દસ્તાવેજ પે દસ્તાવેજ કરી રહ્યા છે. સામે તંત્ર પણ અંધારામાં હોય તેવું લાગી રહ્યું છે. કૌભાંડીઓ 60 વર્ષ પછી પણ વારસાગત નોંધો કરી રેવન્યુ વિભાગ સાથે રમત રમી રહ્યા છે અને નિર્દોષ લોકોનો શિકાર કરી રહ્યા છે.

વાવડી કોઠારીયા વિસ્તારમાં 1949માં રજવાડાને પાવર ન હોવા છતાં દસ્તાવેજ કરી આપ્યા હતા. જેનો વિવાદ આજે ચરમસીમાએ પહોચ્યો છે.  વિવાદમાં સરકાર હસ્તકની પણ ઘણી જમીનો છે. આ પૈકીની અમુક જમીનમાં દસ્તાવેજના આધારે દસ્તાવેજ કરી નાખેલા છે. દસ્તાવેજ હવે પાછલા દરવાજેથી બજારમાં આવી ગયા છે અને કૌભાંડકારો વહેતી ગંગામા ડૂબકી મારી રહ્યા છે.

કૌભાંડીઓ  60 વર્ષ પછી વારસાગત નોંધો કરી રેવન્યુ વિભાગ સાથે કુંડળીમાં ગોળ ભાંગી પોતાના નામે ચડાવી, ગામના ઘણાના ગરિયા કરી રહ્યા છે. રાજકોટ  જમીન કૌભાંડમાં આમ પણ બદનામ થયું છે તેવામાં આવા અલગ અલગ કૌભાંડના કલર બહાર આવી રહ્યા છે.

કૌભાંડીઓ જમીનના વેચાણની અખબારોમાં ખુલ્લી નોટિસો આપે છે. જિલ્લા કલેકટર તંત્રએ અખબારની નોટિસ રડારમાં લેવાની જરૂર છે. જેથી નિર્દોશ લોકો બનાવટી દસ્તાવેજોને સાચા માની ફસાઈ નહીં. નિર્દોષ લોકોનું હીત ન જોખમાય તેની જવાબદારી કલેકટર તંત્રની છે. જે તેમને નિભાવવાની જરૂર છે. આ જમીન કૌભાંડમાં પોસતું એ મારતું એ કહેવત સાચી પડી છે કારણકે તેમાં પ્રેસ, પોલિટિકસ અને પોલીસ આ ત્રણેયની ભૂમિકા સીધી રીતે કે આડકતરી રીતે રહી છે. તંત્રએ પણ ક્યાંક આ કૌભાંડોને નજરમાં લઈને તપાસના આદેશો જાહેર કરવાની જરુર છે.

આ કૌભાંડકારો ખૂબ શાતીર દિમાગના છે. તેઓએ આ કૌભાંડ માટે શામ, દામ અને દંડ બધી નિતિ અપનાવી છે. તેઓ સરકારી ચોપડામાં પણ નોંધોને અદ્રશ્ય કરવામાં માહેર બની ગયા છે. ત્યારે હવે કલેકટર તંત્રએ દાખલો બેસાડવા અને ભુમાફિયાઓની પાંખો કાપવા માટે એક્શન મોડમાં આવવાની તાતી જરૂરિયાત છે. આ પ્રકરણ જેટલું બહારથી દેખાઈ છે તેનાથી વધુ ઊંડું છે. માટે તંત્ર જો તટસ્થ બનીને તપાસ આદરે તો આ કૌભાંડ ભલભલાને મોઢામાં આંગળા નખાવી દયે તેટલું ચકચારી નીકળે તેમ છે.

બાહોશ કલેકટર સુઓમોટો લઈને કાર્યવાહી કરે તેવી અપેક્ષા

રાજકોટ જિલ્લાને બાહોશ કલેકટર મળ્યા છે. તેઓએ પોતાની નિર્ણય શક્તિના આધારે એક પછી એક અનેક પ્રજાહિતના પગલાં લીધા છે. હવે આ કૌભાંડમાં પણ અપેક્ષા રાખીએ કે કલેકટર સુઓમોટો લઈ આવી નોંધોને આવા કહેવાતા વારસાગત સર્ટિફિકેટને આધારે પડતી નોંધોને તાત્કાલિક ચેક કરી અને આ કૌભાંડીઓ સામે પગલાં લ્યે. જેથી નિર્દોષ લોકો શિકાર બનતા અટકી જાય. બીજી તરફ આ કૌભાંડ કોઈ બીજાને ગંધ પણ ન આવે એવી રીતે આચરવામાં આવ્યું છે. જેથી આ કૌભાંડમાં કોઈ ફરિયાદી બને તેમ ન હોય જેથી તંત્ર સુઓમોટો લઈને એક્શન હાથ ધરે તે એકમાત્ર વિકલ્પ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.