શનિવારે દંપતી વચ્ચે ઝઘડો થતા પત્નીને પિયર તેડી ગયા બાદ ડોકટરે લીપસ્ટીકથી દિવાલ પર સ્યુસાઇડ નોટ લખી જીવન ટૂંકાવ્યું
શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર કરણ પાર્ક પાસે આવેલી ભીમરાવ સોસાયટીમાં તબીબને પત્ની સાથે ઝઘડો થયા બાદ ‘તું મારી સાથે બહુ ખોટુ બોલે છે, તારી સાથે લગ્ન કરવાની મારી મોટી ભુલ છે’ લીપસ્ટીકથી દિવાલ પર સ્યુસાઇડ નોટ લખી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા મૃતકના પરિવારોએ તબીબના આપઘાત અંગે શંકા વ્યક્ત કરી તેની પત્ની સહિતના પરિવારના ત્રાસથી કંટાળી જીવન ટૂંકાવ્યા અંગેનો આક્ષેપ કર્યો છે.
આ અંગેની પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભીમરાવ સોસાયટીમાં રહેતા અને બી.ટી.સવાણી હોસ્પિટલમાં એમ.એસ. તરીકે ફરજ બજાવતા વિપુલ મોહનભાઇ પારીયા નામના ૨૪ વર્ષના યુવાને પોતાના ઘરે પંખાના હુક સાથે દોરી બાંધી ગળાફાંસો ખાધેલી હાલતમાં રવિવારે બપોરે લાશ મળી આવતા માલવીયાનગર પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી છે.
મૃતક વિપુલ પારીયા પડધરી તાલુકાના રોહીશાળા ગામનો વતની છે. એમએસના અભ્યાસ દરમિયાન મવડી ચોકડી પાસે આવેલી આશિર્વાદ હોસ્પિટલમાં નોકરી કરતો હતો ત્યારે ત્યાં નર્સ તરીકે નોકરી કરતી આંબેડકરનગરની પૂજા રમેશભાઇ ચાવડાના પરિચયમાં આવતા બંને વચ્ચે બે વર્ષ પહેલાં પ્રેમ સંબંધ બંધાયો હતો.
વિપુલ પારીયા અને પૂજા ચાવડાએ પોતાના પ્રેમ સંબંધ અંગે પરિવારને વાત કરતા જ્ઞાતિના રિવાજ મુજબ સગાઇ કર્યા બાદ છ માસ પહેલાં ધામધૂમથી લગ્ન કર્યા હતા. લગ્ન બાદ વિપુલ અને પૂજા ભીમરાવ સોસાયટીમાં રહેવા આવ્યા હતા અને વિપુલ પારીયા બી.ટી.સવાણી હોસ્પિટલમાં નોકરી શરૂ કરી હતી.
લગ્ન જીવન દરમિયાન બંને વચ્ચે ઝઘડા શરૂ થતા બંનેના પરિવારજનો બંનેને સમજાવી સમાધાન કરાવી લેતા દરમિયાન શનિવારે પૂજા ચાવડા અને વિપુલ પારીયા વચ્ચે થયેલા ઝઘડાના કારણે પૂજાના પિતા રમેશભાઇ ચાવડા ભીમરાવ સોસાયટીમાં આવ્યા હતા અને પોતાની પુત્રી પૂજાને તેડી ગયા હતા. પૂજાએ પોતાનો પતિ વિપુલ પારીયા ઘરે શુ કરે છે તે અંગે તેના મિત્ર રાકેશને ફોન કરી તપાસ કરવા કહ્યું હતું.
રાકેશનો ફોન વિપુલ પારીયાએ ન ઉપાડતા તેની સાથે ભીમરાવ સોસાયટીમાં જઇને તપાસ કરતા વિપુલ પારીયા હોલમાં પંખાના હુક સાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. તેમજ દિવાલ પર લીપસ્ટીકથી ‘ તું મારી સાથે બહુ ખોટુ બોલે છે, તારી સાથે લગ્ન કર્યા તે મારી મોટી ભુલ છે.’ લખ્યું હતું. ૧૦૮ અને પોલીસને જાણ કરી હતી. તેમજ રોહીશાળા રહેતા વિપુલ પારીયાના પરિવારને જાણ કરી હતી.
રોહિશાળાથી રાજકોટ આવેલા વિપુલ પારીયાના મોટા ભાઇ દિલીપભાઇ પારીયાએ પોતાના ભાઇ વિપુલ આપઘાત ન કરે તેને મારીને લટકાવી દીધાના આક્ષેપ કરી પોતાના ભાઇને પત્ની પૂજા અને તેના પરિવારનો ત્રાસ હોવા અંગેના આક્ષેપ કર્યા હતા.
મૃતકના પિતા મોહનભાઇ પારીયાને રોહીશાળા ગામમાં રેશનીંગની દુકાન હોવાનું અને પૂજાના પિતા રમેશભાઇ ચાવડા કડીયા કામ કરવાની મજુરી કામ કરતા હોવાનું અને વિપુલ ત્રણ ભાઇમાં નાનો હોવાનું જાણવા મળે છે. દિલીપભાઇ પારીયાના આક્ષેપના કારણે એએસઆઇ ઉમેદભાઇ પવારે ફોરેન્સિક નિષ્ણાંત પાસે પોસ્ટમોર્ટમ કરાવી તપાસ હાથધરી છે.