ગુજરાત મેડિકલ એન્ડ એજ્યુકેશન રિસર્ચ સોસાયટી સંચાલિત કોલેજોમાં વિજિલન્સની તપાસ
GMERS (ગુજરાત મેડિકલ એન્ડ એજ્યુકેશન રિસર્ચ સોસાયટી) સંચાલિત મેડિકલ કોલેજોની અંદર ખૂબ મોટી સંખ્યામાં ડોક્ટર્સ ખાનગી પ્રેક્ટિસ કરતા હોવાની વારંવાર ફરિયાદ થઈ હતી, પણ તેના ઉપર સરકાર દ્વારા અત્યાર સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નહોંતા ત્યારે વિજિલન્સ વિભાગમાં ફરિયાદ થતા તપાસ હાથ ધરાઈ હતી તેમા આ ડોક્ટર્સ મોટા પ્રમાણમાં ખાનગી પ્રેક્ટિસ કરતા હોવાનું બહાર આવ્યું હતું. વિજિલન્સ વિભાગે આ માહિતી હેલ્થ વિભાગના ઉચ્ચ અધિકારીઓને આપી હતી તેના આધારે સરકાર દ્વારા GMERSહોસ્પિટલ્સની અંદર કાર્યરત ડોક્ટર્સ પાસેથી સોગંદનામું તૈયાર કરી ૨૦ રૂપિયાના સ્ટેમ્પ પેપર પર એફિડેવિટ કરવા આદેશ કરવામાં આવ્યો છે. આ સંદર્ભે તાજેતરમાં વલસાડ ખાતેની GMERS મેડિકલ કોલેજે ડોક્ટર્સ પાસે એફિડેવિટ કરાવ્યા છે.
રાજ્યમાં કાર્યરત મોટાભાગની GMERS મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલની એક સરખી પરિસ્થિતિ જ છે. જેમાં ગાંધીનગર સિવિલ અને સોલા સિવિલના ડોક્ટર્સ મોખરે છે. વિજિલન્સની તપાસમાં કેટલીક કોલેજના ડીન પણ ખાનગી પ્રેક્ટિસ કરતા હોવાનું બહાર આવ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હેલ્થ સેક્રેટરી, કમિશનર સહિતના હેલ્થ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ડોક્ટર્સના આ કારસ્તાન વિશે ખૂબ સારી રીતે જાણતા હોવા છતાં ડોક્ટર્સને ખાનગી પ્રેક્ટિસ કરવાનો પીળો પરવાનો આપેલો છે. હેલ્થ વિભાગના સૂત્રો કહે છે કે, વડનગર મેડિકલ કોલેજનું પણ તાજેતરમાં ઉદઘાટન થયું હતું ત્યારે રાજ્યની વિવિધ સરકારી મેડિકલ કોલેજોમાંથી ડોક્ટર્સની ટ્રાન્સફર કરી ભરતી કરવામાં આવી હતી અને હવે તે સ્ટાફને ડેપ્યુટેશન ઉપર પરત મોકલી દેવામાં આવ્યો છે.