કોરોના મહામારીમાં ડોક્ટરોની ભૂમિકા અહમ રહી છે. કોરોના સંક્રમિત દર્દી પાસે તેના પરિવારનો કોઈ પણ વ્યક્તિ ના જાય, ત્યારે ડોકટરો અને મેડિકલ કર્મચારીઓએ તે લોકોની રાત દિવસ સારવાર કરી છે. આવા ઉમદા કાર્યથી જ ડોક્ટરને ઈશ્વરનું બીજું સ્વરૂપ પણ માનવામાં આવે છે. આ વાત એટલા માટે યાદ કરવામાં આવી છે, કારણકે આજે 1 લી જુલાઈ એટલે કે રાષ્ટ્રીય ડોક્ટર દિવસ. આ વિશેષ દિવસના દિવસે ડોક્ટરોના મહત્વપૂર્ણ યોગદાનોને યાદ કરવામાં આવે છે.
ડોક્ટર ડે એટલે કે 1 જુલાઈ એ દેશના મહાન તબીબ બિધાનચંદ્ર રોયની પુણ્યતિથિ છે. આ દિવસ તેમની યાદમાં ઉજવવામાં આવે છે. કેન્દ્ર સરકારે 1991માં રાષ્ટ્રીય ડોક્ટર દિવસની ઉજવણી શરૂ કરી હતી. ડો. બિધાનચંદ્ર રોય દેશના મહાન ડોક્ટર હોવા સાથે પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. ડો. બિધાનચંદ્ર રોયનો જન્મ 1 જુલાઈ 1882 ના રોજ બિહારના પટણામાં થયો હતો. રોય પહેલેથી જ ભણવામાં તેજસ્વી હતા. રોયે તેનું પ્રારંભિક શિક્ષણ ભારતમાં અને ઉચ્ચ શિક્ષણ ઇંગ્લેંડમાં લીધું હતું.
ગાંધીના કહેવા પર રાજકારણમાં પ્રવેશ કર્યો
ડોક્ટરની સાથે બિધાનચંદ્ર રોય સામાજિક કાર્યકર, આંદોલનકાર અને રાજકારણી પણ હતા. બિધાનચંદ્ર રોયે કારકીર્દિની શરૂઆત સિયાલદાહથી ડોક્ટરી સાથે કરી હતી. પછી તેમને સરકારી હોસ્પિટલમાં ડોક્ટરની ફરજ નિભાવી હતી. તે આઝાદીની લડત દરમિયાન અસહકાર આંદોલનનો પણ એક ભાગ હતા. શરૂઆતમાં, લોકો તેમને મહાત્મા ગાંધી, નેહરુના ડોક્ટર તરીકે ઓળખતા હતા. તેમણે મહાત્મા ગાંધીના કહેવાથી રાજકારણમાં પ્રવેશ કર્યો.
જે કમાય તે બધું દાન કરી દેતા
બિધાનચંદ્ર રોયના સમાજ પ્રત્યેના યોગદાનને ક્યારેય ભૂલી શકાય નહીં. તે જે કંઇ કમાતા તે બધું દાન કરી દેતા. આજે પણ, તે ડોક્ટરો માટે એક રોલ મોડેલ છે. સ્વતંત્રતા ચળવળ દરમિયાન, તેમણે નિસ્વાર્થ પણે ઈજાગ્રસ્તો અને પીડિતોની સેવા કરી હતી. દેશના આ મહાન રત્નનું મૃત્યુ 1 જુલાઈ 1962 ના રોજ કલકત્તામાં થયું હતું.