- 24 કલાક કામગીરીથી દૂર રહેવા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા અપાયું એલાન
કલકતામાં જુનિયર ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના મામલે સમગ્ર ગુજરાતમાં 17 ઓગસ્ટ એટલે કે આવતીકાલે સવારે 6 વાગ્યાથી 24 કલાક માટે ડોક્ટર હડતાળ પર ઉતરશે. આ દરમિયાન સરકારી અને ખાનગી હોસ્પિટલો તેમજ મેડિકલ કોલેજના ડોક્ટર નિયમિત કામગીરીથી દૂર રહેશે.
કલકતામાં જુનિયર ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના મામલે દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. આ ઘટનાને લઈને દેશભરમાં તબીબી આલમમાં રોષ વ્યાપ્યો છે. ત્યારે આ ઘટનાના પ્રત્યાઘાત ગુજરાતમાં પણ પડ્યા છે. મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના વિરોધમાં દેશભરમાં ડોક્ટર હડતાલ પર જવાનું આયોજન કર્યું છે ત્યારે ગુજરાતમાં ડોક્ટરો પણ આ હડતાળમાં જોડાશે.
કલકત્તામાં જુનિયર મહિલા ડોક્ટર પર બળાત્કાર અને ત્યારબાદ તેને હત્યાની ઘટના બની છે, જેને લઈને પશ્ચિમ બંગાળમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. એટલું જ નહીં દેશભરમાંથી પણ આ ઘટનાના વિરોધમાં તબીબો આગળ આવી રહ્યા છે. ખાસ કરીને ડોક્ટરોની સલામતીનો મુદ્દે હવે ચર્ચાનો એરણ પર જોવા મળી રહ્યો છે. દેશભરમાંથી આ ઘટનામાં જવાબદાર લોકો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે, તેમજ આ ઘટનાની સીબીઆઈએ પણ તપાસ શરુ કરી છે.
મહિલા જુનિયર તબીબ પર બળાત્કારની અને હત્યાની ઘટના મામલે દેશભરના ડોક્ટરોએ ગંભીરતાથી નોંધ લઈ ઓનલાઈન બેઠક કરી હતી. જેમા ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના હેડકવાર્ટરના તબીબો અને જે તે રાજ્યના પ્રતિનિધિ ડોક્ટર પણ ઓનલાઈન બેઠકમાં જોડાયા હતા. બેઠક અંતર્ગત ઘટનાના વિરોધમાં દેશભરના ડોક્ટર આગામી 17 ઓગસ્ટને શનિવારે સવારે 6 વાગ્યાથી રવિવારે સવારે 6 વાગ્યા સુધી હડતાળ કરશે. ડોક્ટરોએ આ બેઠકમાં 24 કલાકની હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે. ચોવીસ કલાકની આ હડતાળ અંતર્ગત ઈમરજન્સી સેવાઓ અને કેઝ્યુલિટી સેવાઓ ચાલુ રાખવામાં આવશે. આ સિવાય તમામ તબીબી સેવા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત દર્દીઓને હાલાકી ન પડે તેનું પણ તબીબો દ્વારા ધ્યાન રાખવામાં આવશે. મહત્વનું છે કે આ હડતાળને લઈને ગુજરાતના તબીબોએ કેવા પ્રકારનું વિરોધ પ્રદર્શન કરવા હડતાળને લઈને દર્દીઓને હાલાકી ન પડે તેનું કેવી રીતે આયોજન કરવું તેની પણ એક ઓનલાઈન બેઠકનું આયોજન ગુજરાતના ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના ડોક્ટર્સ દ્વારા કરવામાં આવ્યું છે.
જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દર્દીના પરિજનો દ્વારા તબીબ અને નર્સ પર હુમલો
ગત મોડી રાત્રે સુખનાથ ચોકમાં રહેતા યુનુસભાઇ હુસેનભાઇ ખત્રીને છાતીમાં દુખાવો ઉપાડતા તેમના પરિવારજનો દ્વારા જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટર દ્વારા તેમને ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. ઇન્જેક્શન આપ્યા બાદ થોડાક જ સમયમાં યુનુસભાઇનું મૃત્યુ થતા પરિવારજનો ઉશ્કેરાયા હતા અને ડોક્ટરની બેદરકારીથી જ મૃત્યુ થયા હોવાનો આક્ષેપ કર્યો હતો. જે બાદ મૃતક યુસુફભાઈમાં પરિવારજનો દ્વારા ડોક્ટર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. તેમજ નર્સિંગ સ્ટાફ તરીકે હાજર અન્ય બે કર્મચારીને પણ આ હુમલામાં ઇજા પહોંચી હતી. ઉપરાંત ફરજ
પરના તબીબનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યા હોવાનો ડોક્ટર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટનાને પગલે જૂનાગઢ એસપી સહિતના અધિકારીઓ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. હુમલાને લઈને જુનાગઢ મેડિકલ કોલેજ તેમજ સિવિલ હોસ્પિટલમાં રેસીડેન્સીયલ ડોક્ટરો હડતાલ પર ઉતરી ગયા હતા અને ડોક્ટરોની સુરક્ષા અને સલામતી માટેની માંગણી કરવામાં આવી હતી.