ઉનાના તબીબે માસિકની સમસ્યાથી પીડિત મહિલાની સારવાર કરતા મૃત્યુ થયું, ગ્રાહક તકરાર નિવારણ આયોગે તબીબને 11.30 લાખ સાથે 9 ટકા વ્યાજ ચૂકવવાનો આદેશ કર્યો
અબતક, રાજકોટ : ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ આયોગે ઉનાના ડોક્ટરને એક મહિલા પેશન્ટને આપેલી ગર્ભનિરોધક ગોળીઓની પ્રતિકૂળ પ્રતિક્રિયાને કારણે દર્દીના મૃત્યુ પેટે વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. કારણ કે ડોક્ટરે આપેલી દવાના કારણે દર્દીના શરીરમાં લોહીના ગાંઠા જામવા લાગ્યા હતા. ડોક્ટરને 2011 થી 9% વ્યાજ સાથે મહિલાના પરિવારને 11.3 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. અને રકમનો એક તૃતીયાંશ તેના સૌથી નાના પુત્રના નામે ફિક્સ ડિપોઝિટમાં મૂકવામાં આવશે, જે પછી પાંચ વર્ષ પછી આ રકમ ઉપાડી શકશે.
મળતી વિગતો પ્રમાણે ઉનામાં માર્ચ 2011માં 29 વર્ષીય જ્યોતિકા પટેલ અનિયમિત માસિક ધર્મની ફરિયાદ લઈને ડોક્ટર ચૈતન્ય નેનુજી પાસે ગઈ હતી. ડોક્ટરે ઓરલ ગર્ભનિરોધક ગોળીઓ લખી આપી હતી. ડોક્ટરે 3 માર્ચે 2011ના રોજ ઇન્ટિમસી પ્લસ 2 લેવાનું સૂચવ્યું હતું અને જે બાદ 28 માર્ચે મહિલાને આગામી ત્રણ અઠવાડિયા માટે માય પિલ લેવાની સલાહ આપવામાં આવી હતી. જોકે ગોળીઓ લીધાના થોડા દિવસો પછી તે ડોક્ટર પાસે ગઈ અને તેના હાથમાં ધ્રુજારીની ફરિયાદ કરી હતી. ડોક્ટરે કથિત રીતે તેને ચિંતા ન કરવા અને ગોળીઓ લેવાનું ચાલુ રાખવા જણાવ્યું હતું.
પરંતુ મહિલના હાથમાં સમસ્યા વધતી ચાલી અને તેને દુખાવો થવા લાગ્યો. જેથી જૂનાગઢના અન્ય ડોક્ટર પાસે રીફર કરવામાં આવી હતી, પરંતુ કોઈ રાહત મળી નહીં. જે બાદ મહિલાને વડોદરાના ડોક્ટર પાસે રીફર કરવામાં આવી હતી, જ્યાં તેના શરીના ઉપરના ભાગનો ડોપ્લર ટેસ્ટ કરવામાં આવતા જાણવા મળ્યું હતું કે તેની નસમાં લોહીના ગંઠાઈ રહ્યું હતું. જેના કારણે મે 2011 માં સર્જરી કરાવવી પડી, પરંતુ થોડા દિવસો પછી તેને ફરી એકવાર તીવ્ર માથાનો દુખાવો, અપચો અને ચક્કરની ફરિયાદ થઈ. જે બાદ તેની તબિયત સતત બગડતી હોવાથી, તેને રાજકોટ અને ત્યારબાદ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં જુલાઈ 2011માં તેને બે અલગ અલગ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી. ત્યાં સુધીમાં દર્દીને સ્પાસ્ટિક લકવો અને 100% અપંગતા હોવાનું નિદાન થયું હતું. જેના કારણે મહિલાનું જીવન પથારીમાં સીમિત થઈ ગયું હતું અને પછી સપ્ટેમ્બર 2014 માં તેનું અવસાન થયું હતું.
મહિલના મોતથી તેના સંબંધીઓએ વળતર માટે ડો નેનુજી સામે દાવો કર્યો હતો કે તેનું મૃત્યુ તેમની દવાની આડઅસરને કારણે થઈ હોવાનો આરોપ મુક્યો હતો. સંબંધીઓનો દાવો હતો કે જ્યારે મહિલાએ દવાની આડઅસરો વિશે ફરિયાદ કરી, ત્યારે ડોક્ટરે તેને ખાતરી આપી કે ગોળીઓથી કોઈ સમસ્યા નહીં થાય અને દવાઓ ચાલુ રાખવાનો આગ્રહ રાખ્યો. ડોક્ટરે કોઈ ડ્રગ સેન્સિટિવિટી ટેસ્ટ માટે કહ્યું ન હતું.
ડો. નેનુજીએ પોતાનો બચાવ કરતા કહ્યું કે તેમણે ગર્ભનિરોધક ગોળીઓ આપી હતી કારણ કે મહિલા અનિયમિત માસિક ચક્રથી પીડાતી હતી. આ દવાઓની 40 કલાક પછી આડઅસર થતી નથી. દવા લીધા બાદ દર્દી ફરીયાદ કરવા માટે પાછો ફર્યો ન હતો અને કોઈ આડઅસર જોવા મળી ન હતી તેથી તેણે 28 માર્ચથી 18 એપ્રિલ, 2011 સુધી ગોળીઓ ચાલુ રાખવા કહ્યું. ડોક્ટરે જણાવ્યું કે ગોળીઓમાં હોર્મોન એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટિન હોય છે અને આડઅસર સામાન્ય રીતે ઉલ્ટી થાય છે. ડોક્ટરે અન્ય ઓરલ ગર્ભનિરોધક ગોળીઓ જેમ કે ’ચોઈસ’ અને ’માલા-ડી’ પણ મૂકી જેને ખુદ સરકાર સબસિડીવાળા દરે વિતરણ કરે છે. જેના મારફત તેમણે દર્શાવ્યું કે તેમણે લખી આપેલી દવા અને સરકાર દ્વારા આપવામાં આવતી આ દવાના ઘટકો સમાન છે.
અરજદાર દ્વારા ન્યુરોલોજીસ્ટ ડો. જિતેન્દ્ર સિંઘનો અભિપ્રાય પણ રેકોર્ડમાં મૂકવામાં આવ્યો હતો કે ’માય પિલ’માં 0.035ળલ એથિનિલેસ્ટ્રાડિઓલ હોય છે અને જ્યારે દર્દીના હાથમાં ધ્રુજારી આવતી હોય, ત્યારે ગોળીઓ તરત જ બંધ કરી દેવી જોઈએ. ડો. નેનુજીએ દાવો કર્યો હતો કે દર્દીને અલગ-અલગ ડોક્ટરો પાસે લઈ જવામાં આવ્યા હતા અને આ કોઈ અન્ય ડોક્ટર દ્વારા સૂચવવામાં આવેલી કોઈપણ દવાની આડઅસર હોઈ શકે છે. તેના પ્રિસ્ક્રિપ્શનને કારણે મહિલાની તબિયત બગડી હોવાના કોઈ સીધા પુરાવા નથી. રેકોર્ડ પર પોસ્ટમોર્ટમ રિપોર્ટ મૂકવામાં આવ્યો ન હતો. ડોકટરોના મંતવ્યો અને હરીફ પક્ષોના દાવાઓને ધ્યાનમાં લીધા પછી, કમિશને દર્દીના મૃત્યુ માટે વળતર આપવા માટે ડોક્ટર નેનુજીને જવાબદાર ઠેરવ્યા અને તેની ઉંમર અને તેણે પાછળ છોડેલા બે બાળકોના આધારે રકમની ગણતરી કરી હતી.