તાજેતરમાં જામનગરની એક હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીથી એક બાળકીનું મોત નિપજ્યાનો બનાવ સામે આવ્યો. ડોક્ટરની બેદરકારી અને જુઠ સાબિત કરતા ભભદિં ના ફૂટેજ પરથી સમગ્ર ઘટનાંનો પર્દાફાશ થયો.
જામનગરમાં રહેતા એક પટેલ પરિવારની સાત વર્ષની બાળકીનું લગભગ આઠ મહિના પહેલા કાર અકસ્માતમાં પગમાં ઇજા થવાને લીધે ઓપરેશન થયેલું. આ ઓપરેશન વખતે પગમાં સળિયો ફિટ કરવામાં આવેલો. થોડા દિવસોમાં બાળકી સ્વસ્થ થઈ પોતાના રૂટિનમાં ફરી ગોઠવાઈ ગઈ. બહુ નાની વયમાં પગમાં રહેલો સળિયો આગળ જતાં એના પગના વિકાસને રૂંધી શકે છે એવી ડોકટરની સલાહ માની આ પરિવારે આઠ મહિના બાદ એ સળિયો કાઢવા માટે ફરી ઓપરેશન કરાવવાનું નક્કી કર્યું. બીજી વખતના આ ઓપરેશનમાં બાળકી અવસાન પામી. આ બાળકી એના માતાપિતાનું એક માત્ર સંતાન હતી. હસતી-રમતી બાળકી આ સામાન્ય ઓપરેશનમાં કઈ રીતે મૃત્યુ પામે? બાળકીના પરિવારજનોએ જવાબ માંગ્યો જેમાં ડોકટર દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો કે બાળકીને ઓપરેશન સમયે અપાયેલા એનેસ્થેસિયાનો ડોઝ હેવી હતો જેના કારણે એ મૃત્યુ પામી.
મૃતક બાળકી એના માતા-પિતાનું એકમાત્ર બાળક હતી. આ સમગ્ર ઘટના બાદ પરિવારજનો તરફથી આ ઘટનાની સચ્ચાઈ જાણવા માટે ડોક્ટર્સ અને પોલીસતંત્ર પર દબાણ વધતું ગયું. શરૂઆતમાં જે ઘટનામાં બાળકી ઓપરેશન બાદ મૃત્યુ પામેલી જાહેર કરેલી એ ઘટનાની સચ્ચાઈ કંઈક જુદી જ હતી. પરિવાર તરફથી દબાણ વધતાં સઘન પોલીસ તપાસ હાથ ધરાઈ. શરૂઆતમાં તો હોસ્પિટલ તરફથી પરિવારને કે પોલિસતંત્રને સહકાર ન મળ્યો અને એને ગુમરાહ કરવામાં આવ્યા પરંતુ તંત્રના કડક વલણને કારણે અંતે હોસ્પિટલે ભભદિં ફૂટેજ બતાવતા સમગ્ર ઘટનામાં ડોક્ટરની ગંભીર ભૂલ અને એ ભૂલને છુપાવવા કરેલો ગુનો સામે આવ્યા.
ભભદિંના ફૂટેજ મુજબ બાળકીને ઓપરેશન સમયે જ્યારે એનેસ્થેસિયા આપ્યું એ પછી તરતજ બાળકીને આંચકી શરૂ થઈ ગઈ અને ડોકટર કશું કરે એ પહેલાં બાળકી ત્યાંજ મૃત્યુ પામી. એનેસ્થેસિયાના ડોઝની માત્રા વધી જવાના કારણે આ ઘટના બની છે એ ડોક્ટરને સમજાય એ પહેલાં બાળકીનું પ્રાણપંખેરૂં ઉડી ગયેલું. બહુ વખત સુધી ગભરાઈને રૂમમાં જ ભરાઈ રહેલા ડોક્ટને સમજણ નહોતી પડતી કે હવે શું કરવું. આ તરફ બાળકીનો પરિવાર વારંવાર પૃચ્છા કરી રહ્યો હતો ત્યારે એવું કહેવામાં આવ્યું કે ઓપરેશન ચાલી રહ્યું છે . બનાવની સૌથી ગંભીર ઘટના જે ફૂટેજ પરથી જાણવા મળી એ એ હતી કે બાળકી મૃત્યુ પામી છે એ જાણ્યા પછી પણ ડોક્ટરે ઓપરેશન કર્યું. મૃતબાળકીના પગનું ઓપરેશન કરી એને વોર્ડમાં ખસેડાઇ પરંતુ બાળકી ભાનમાં ન આવતા પરિવારે ડોક્ટરની પૃચ્છા કરતા જણાવ્યું કે રોકટર બહાર ગયા છે પરંતુ ભભદિં ફૂટેજ મુજબ ડોકટર દર્દીના પરિવારનો સામનો કરવા માટે સજ્જ થઈ રહ્યા હતા.
લગભગ બે માસ પૂર્વે બનેલી આ ઘટના અંગે હજુ કોઈ નક્કર સત્ય સામે આવ્યું નથી. બાળકીના પરિવારજનોને એકજ જવાબ મળે છે કે હજુનપોસ્ટમોર્ટમ રિપોર્ટ આવેલ નથી. આ ઘટનામાં એમને ન્યાય મળશે કે કેમ અને મળશે તો કેટલો એ વિશે શંકા છે. ન્યાય મળશે તો પણ શું? ડોકટર સંસ્પેન્ડ થાય, એની ડીગ્રી અને લાયસન્સ જપ્ત થાય, મૃતકના પરિવારને વળતર અપાય -બસ આ જ ને? પણ એનાથી શું? પરિવારે ગુમાવેલ સદસ્યની ખોટને પૈસાથી ભરી દેવાની? અને આવી ઘટનાના ચુકાદામાં આટલો વિલંબ કેમ?
ડોકટર કે જેને ભગવાન પછીનો દરજ્જો આપવામાં આવ્યો છે. ઈશ્વર મનુષ્યમાં પ્રાણ પૂરે છે અને ડોકટર એ પ્રાણને તકાવવામાં મદદરૂપ થાય છે તો ડોકટરનો દરજ્જો અને એની જવાબદારી ઈશ્વર જેટલીજ સમજવી રહી. અત્યંત મહેનત અને પુષ્કળ પ્રમાણમાં ખર્ચ પછી મળતી ડોક્ટરની ડીગ્રી એ માત્ર એક પ્રમાણપત્ર નહિ, દર્દીના જીવનનું જવાબદારીપત્ર છે. ડોક્ટરની એક નાની ભૂલ દર્દીની જિંદગીને જોખમમાં મૂકી શકે છે.
આ તો માત્ર એક કિસ્સો નજરે ચડ્યો પરંતુ આજકાલ આવી ઘટનાઓ બનવી તદ્દન સ્વાભાવિક થઈ ગઈ છે. ડોક્ટરની નાદાની, બેદરકારી, અણઆવડત કે પછી પૈસાથી ખરીદાયેલી ડિગ્રીનો પ્રતાપ શુ સમજવું? ડોક્ટરની બેદરકારીનો ભોગ બનેલો પરિવાર તો ન્યાય મેળવવા માટે થોડા ઉધામાં પછી શાંત થઈ જશે પરંતુ એમને ન્યાય મળશે? સ્વજન ગુમાવ્યા પછી ન્યાય મેળવવા માટે કોર્ટ કચેરીના ધક્કામાં જ પરિવારનું જીવન ઘસાઈ જાય છે. માનસિક રીતે ભાંગી ગયેલો પરિવાર આર્થિક રીતે પણ જ્યારે સાવ તૂટી જાય ત્યારે એ હારી જાય છે અને એ સમય દરમ્યાન પણ આવા ગુનેગારો મોજથી ફરતા હોય છે.
આપણે કહીએ પણ છીએ અને માનીએ પણ છીએ કે માણસ માત્ર ભૂલને પાત્ર અને ડોકટર પણ આખરે માણસ છે પરંતુ ડોક્ટરને ભૂલ કરવાનો અધિકાર નથી. હા, ડોક્ટરની ભૂલનો ભોગ બનેલો પરિવાર પછી મન મનાવવા માટે એવું કહે પણ ખરા કે મૃતકની જિંદગી આટલી જ હતી પરંતુ એનાથી એનો રોષ, આક્રોશ કે દુ:ખ ઓછા નથી થતા. ડીગ્રી લેતા પહેલા ડોક્ટર્સને પણ પોતાની જવાબદારી માટે શપથ લેવાના હોય છે. જોખમ અને જવાબદારી ભર્યા આ વ્યવસાયને અપનાવતા પહેલા વિદ્યાર્થીમાં નૈતિકતા અને પ્રમાણિકતાના ગુણ હોવા અતિ આવશ્યક છે. ભૂલને ગુનામાં ફેરવી કાયદાની છટકબારી શોધી નીકળી જવું કે પછી પૈસા અને પ્રતિષ્ઠાના જોરે કાયદો ખરીદી લઈ એક ગુના ને છાવરવા બીજા અનેક ગુનાઓ કરનાર નૈતિકતા વગરના માણસને તબીબીવિદ્યા પસંદ કરવાનો હક્ક નથી.
એક દર્દી અને એના પરિવાર માટે ડોકટર ભગવાન હોય છે. કેટલીય આશાઓ સાથે, આર્થિક અગવડોને વેઠીને પણ એ ડોક્ટરને એનો જીવનદાતા સમજી એની પાસે બીમારીનો ઈલાજ કરાવવા જાય છે ત્યારે ડોકટરની ભૂલ દર્દીના શ્વાસ ટકાવવાને બદલે અટકાવવા માટે જવાબદાર સાબિત થાય તો માણસ ક્યાં જાય? મોંઘાદાટ રિપોર્ટ્સ, અસંખ્ય ધક્કા અને તમામ યાતનાઓ પછી પણ દર્દીનું આયુસ્ય માત્ર ડોક્ટરી ભૂલના કારણે ટૂંકાય ત્યારે ભરોસો કોનો કરવો?
જવાબદારીભર્યા આ વ્યવસાયની ગંભીરતા સમજવી અને સમજાવવી એ આપણી પહેલી ફરજ છે. આવડત,આત્મવિશ્વાસ અને અનુભવ એ તબીબી વ્યવસાયની સફળતા માટે આવશ્યક પાસા છે. ડોક્ટર્સની અક્ષમ્ય ભૂલ બદલ કોઈ ઠોસ પગલાં લેવાશે તો જ આવી ઘટનાઓને રોકી શકાશે. ન્યાયતંત્ર પણ આવી ઘટનામાં કડક બને એ આવશ્યક છે અને તો જ આવી લોકોનો ન્યાયતંત્ર પર ભરોસો ટકી રહેશે.
મિરર ઇફેક્ટ :
સેવાની પ્રવૃત્તિ જ્યારે ધંધો બને છે ત્યારે એમાં ગેરરીતિઓ અને બેજવાબદારીપણું અજાણતાજ ભળી જતા હોય છે અને એ નજરઅંદાજ પણ થતા હોય છે.