દરરોજ, 1500થી વધારે ડૉક્ટરો ઇ-સંજીવની ટેલિમેડિસિન પ્લેટફોર્મના માધ્યમથી દૂરથી જ દર્દીઓની સેવા કરે છે
કેટલાક રાજ્યો વિશેષ હોમ આઇસોલેશન OPD શરૂ કરવા માટે કામ કરી રહ્યાં જ્યાં MBBSના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ દૂરથી જ દર્દીઓનું કોવિડ-19 માટે સ્ક્રિનિંગ કરી શકશે
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW) દ્વારા લગભગ એક વર્ષ કરતાં વધુ સમયથી શરૂ કરવામાં આવેલી મુખ્ય રાષ્ટ્રીય ટેલિમેડિસિન સેવા ‘ઇ-સંજીવની‘ના માધ્યમથી 50 લાખથી વધારે દર્દીઓને સેવા આપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રાલયે એપ્રિલ 2020માં દેશમાં પ્રથમ લૉકડાઉન દરમિયાન જ્યારે OPD સેવાઓ બંધ થઇ ગઇ હતી. ત્યારે દર્દી અને ડૉક્ટર વચ્ચે દૂરથી કન્સલ્ટેશન સેવાનો પ્રારંભ કર્યો હતો. ઇ-સંજીવની પહેલ દેશમાં 31 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કાર્યરત છે, અને દેશભરમાંથી અંદાજે 40,000 દર્દીઓ દરરોજ તેનો લાભ ઉઠાવે છે. આ સાથે સંપર્કરહિત તેમજ જોખમી આવનજાવનથી મુક્ત આ આરોગ્ય સંભાળ સેવાઓ મેળવી રહ્યાં છે.
ઇ-સંજીવનીના બે મોડ્યૂલ છે
ઇ-સંજીવની AB-HWC- ડૉક્ટરને ડૉક્ટર સાથે પરામર્શ કરવા માટેનું ટેલિમેડિસિન પ્લેટફોર્મ છે. દેશમાં તમામ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રોમાં ભારત સરકારની આયુષમાન ભારત યોજના અંતર્ગત હબ એન્ડ સ્પોક મોડેલથી તેનો અમલ કરવામાં આવ્યો છે. આજદિન સુધીમાં ઇ-સંજીવની AB-HWCનો અમલ 18000થી વધારે આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો અને 1500થી વધારે હબમાં કરવામાં આવ્યો છે, અને ડિસેમ્બર 2022 સુધીમાં ટેલિમેડિસિનની સેવાઓ 1,55,000 આરોગ્ય અને સુખાકારી કેન્દ્રોમાં કાર્યાન્વિત થઇ જશે. ઇ-સંજીવની AB-HWCનો પ્રારંભ નવેમ્બર 2019માં 22 રાજ્યોમાં ડિજિટલ મોડેલિટીનો ઉપયોગ કરીને કરવામાં આવ્યો હતો. જેથી અંદાજે 2 મિલિયન લોકો સુધી ડૉક્ટરો અને નિષ્ણાંતો દ્વારા આપવામાં આવતી આરોગ્ય સેવાઓનું વિસ્તરણ કરી શકાય. વિશેષજ્ઞો, ડૉક્ટરો અને સામુદાયિક આરોગ્ય અધિકારીઓ સહિત 21,000થી વધારે વપરાશકર્તાઓને તાલીમ આપવામાં આવી છે, અને ઇ-સંજીવની AB-HWC પર તેમને નિયુક્ત કરવામાં આવ્યા છે.
રાષ્ટ્રીય ટેલિમેડિસિન સેવાનું અન્ય એક મોડેલ ઇ-સંજીવની OPD છે. આનો પ્રારંભ 28 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં આવ્યો છે. 350થી વધારે OPD ઇ-સંજીવની OPD પર ઉભા કરવામાં આવ્યા છે, આમાંથી 300થી વધારે સ્પેશિયાલિટી OPD છે. 30,00,000થી વધારે દર્દીઓને ઇ-સંજીવની OPD દ્વારા વિનામૂલ્યે સેવા આપવામાં આવી છે. ડિજિટલ હેલ્થના આ મોડેલ દ્વારા નાગરિકોને તેમના ઘરમાં જ રહીને આરોગ્ય સેવાઓ પૂરી પાડી શકાય છે.
મહામારી શરૂ થઇ ત્યારથી અત્યાર સુધીમાં, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની રાષ્ટ્રીય ટેલિમેડિસિન સેવા દર્દીઓ અને ડૉક્ટરોમાં ખૂબ જ ઝડપથી ગ્રાહ્ય બની રહી છે. આ સાથે લોકો તેને ઝડપથી અપનાવી રહ્યાં છે. ઇ-સંજીવની દેશની આરોગ્ય સંભાળ ડિલિવરી સિસ્ટમની સમાંતર કામ કરી રહી છે, અને અત્યારે તેમાં ક્ષમતા કરતાં વધારે ભારણ નોંધાઇ રહ્યું છે. ગયા વર્ષે એપ્રિલ મહિનામાં ઇ-સંજીવનીનો પ્રારંભ થયો ત્યારે પ્રાથમિકરૂપે બિન-કોવિડ સંબંધિત આરોગ્ય સેવાઓ આપવાનો તેનો ઉદ્દેશ હતો. પરંતુ ઇ-આરોગ્યની આ એપ્લિકેશનના સંભવિત લાભોના આધારે રાજ્યો કોવિડ-19 સંબંધિત આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે ઇ-સંજીવનીને ઝડપથી ડિઝાઇન કરીને કાર્ય કરવાનું શરૂ કર્યું હતું. રાજ્યોએ કોવિડ-19 હોમ ક્વૉરેન્ટાઇન દર્દીઓની દેખરેખ અને વ્યવસ્થાપન માટે OPD ઉભા કર્યા છે.
કેટલાક રાજ્યો વિશેષ હોમ આઇસોલેશન OPDનો અમલ કરવાની દિશામાં કામ કરી રહ્યાં છે. જેમાં દર્દીઓનું દૂરથી કોવિડ-19 માટે સ્ક્રિનિંગ કરવામાં આવશે અને દૂરથી સ્ક્રિનિંગ કરવા માટે રાજ્યો MBBSના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ પ્રક્રિયામાં જોડવાના આયોજનમાં છે. કેસોની સંખ્યામાં થઇ રહેલી વૃદ્ધિને ધ્યાનમાં રાખીને, કેટલાક રાજ્યોમાં ઇ-સંજીવની OPDનો ચોવીસ કલાકના ધોરણે અમલ ઉપયોગ થઇ રહ્યો છે. ઇ-સંજીવની પર 10 લાખથી વધારે કન્સ્લ્ટેશન સૌથી પહેલાં તમિલનાડુમાં નોંધાયા છે. સંરક્ષણ મંત્રાલયે પણ સશસ્ત્ર દળોની મેડિકલ સેવાઓના નિવૃત્ત કર્મચારીઓને પસંદગીના રાજ્યોમાં જાહેર જનતાને તેમની સેવાઓ પૂરી પાડવા માટે નિયુક્ત કર્યાં છે.
મોહાલીમાં C-DACના કેન્દ્ર ખાતે, ઇ-સંજીવની તૈયાર કરનારી ટીમ ઇ-સંજીવની OPDમાં વધુ નવીનતમ સુવિધાઓ ઉમેરવા માટે સતત કામ કરી રહી છે. જે ઇ-સંજીવની OPD પર રાષ્ટ્રીય OPD ચલાવવાનું શક્ય બનાવશે. આ રાષ્ટ્રીય OPDsની મદદથી ડૉક્ટરો દૂરથી દેશના કોઇપણ ખૂણામાં દર્દીઓને આરોગ્ય સેવાઓ પહોંચાડી શકશે. આનાથી, દેશના વિવિધ પ્રદેશોમાં ડૉક્ટરો અને વિશેષજ્ઞોની અછત અને અસમાન વહેંચણીની સમસ્યાનો અમુક અંશે ઉકેલ લાવવામાં મદદ મળશે.
ઇ-સંજીવની અપનાવવાના સંદર્ભમાં સૌથી મોખરાના રાજ્યોમાં તમિલનાડુ (1044446), કર્ણાટક (936658), ઉત્તરપ્રદેશ (842643), આંધ્રપ્રદેશ (835432), મધ્યપ્રદેશ (250135), ગુજરાત (240422), બિહાર (153957), કેરળ (127562), મહારાષ્ટ્ર (127550) અને ઉત્તરાખંડ (103126) છે.