સ્તન-કેન્સર ધરાવતી એક મહિલાનું નિદાન કર્યા બાદ, બે ડોક્ટરોએ જણાવ્યું કે હોસ્પિટલમાં દાખલ થયેલી એ મહિલાનાં મૃત્યુ પામવાની સંભાવના ૯.૩ ટકા જેટલી છે. આની સામે ગુગલે ૧૯.૯ ટકાની વધુ સંભાવના જણાવી અને ખરેખર ગુગલનું અનુમાન સાચું પડ્યું!
ગુગલ એવા પગલા ભરી રહ્યું છે જે માનવજાતને વધુ ખતરામાં મૂકી શકે એમ છે,તાજેતર માં જ ફેસબુક અને ઇનસ્ટાગ્રામ બંધ થઈ જશે એવા પોસ્ટ અને મીમ વાઇરલ થયા હતા. બધા ના જીવ તાળવે ચોંટી ગયા હતા કે શું થશે? આજકાલ કેટલાય લોકો ઇનસ્ટાગ્રામ ઇન્ફ્લુએંસર તરીકે પોતાનું કરિયર બનાવી રહ્યા છે. એવામાં જો આ સોશિયલ મીડિયા ભારતમાં બંધ થઈ જાય તો શું થાય?
પ્રાઇવસી વિશે ભારત માં હમેશા ખેચમ-ખેચ રહી છે. સોશિયલ મીડિયા આજકાલ યુઝરનો ડેટા સ્ટોર કરે છે કે કેમ એ વિશે લોકો સજાગ થયા છે. પરંતુ આ સોશિયલ મીડિયા ની ટેવ નું શું? આ સોશિયલ મીડિયા સાથે ગૂગલ જેવા સર્ચ એંજિન પણ તમને દરેક સવાલના જવાબો આપી શકે છે. તે આ બધી માહિતી લાવે છે ક્યાથી?
થોડા સમય પહેલા ફેસબૂક પર માણસનું મૃત્યુ ક્યારે અને કયા કારણોસર થશે એ જણાવતી એક ઓનલાઇન લિન્ક બહુ વાઇરલ થયેલી. એકેય કમ્પ્યુટર સોફ્ટવેર ક્યારેય વ્યક્તિની મૌતને પારખી ન શકે એવું જાણતાં હોવા છતાં આપણામાંથી મોટાભાગનાંઓએ માત્ર જિજ્ઞાસા ખાતર પણ એ લિન્ક પર એકાદવાર મુલાકાત તો લીધી જ! આને કહેવાય હ્યુમન-સાયકોલોજીનો ઉપયોગ પૈસા માટે કરવો..!
માણસમાત્રને મૃત્યુ શબ્દથી ભય લાગે છે. દરેકનાં મનમાં જાણે-અજાણે ફફડાટ છે કે આવતી ઘડીએ મારી સાથે કંઈ થઈ તો નહીં જાય ને! ગુગલ કંપની આપણો ભય ઓળખી ગઈ છે, એટલે એમણે આર્ટિફિશિયલ ઇન્ટલિજન્સની મદદથી એક એવો પ્રોગ્રામ વિકસાવ્યો છે, જે માણસને તેની મૃત્યુ-તારીખ ૯૫ ટકા ચોકસાઈ સાથે કહી આપે છે! ગુગલની અલગ-અલગ ટેકનોલોજી, ડિવાઇસ, સોફ્ટવેરનો ઉપયોગ કરનારા યુઝર્સની કુલ સંખ્યા છે : ૧.૧૭ અબજ! કોન્ટેક્ટ નંબરથી માંડીને આપણા ઘરનાં એડ્રેસ સુધીની તમામ માહિતી ગુગલ પાસે છે, પરંતુ હવે ન કરે નારાયણ, અગર તમે અસ્પતાલમાં દાખલ થયા તો ગુગલ તમારા તમામ હેલ્થ-રિપોર્ટ્સ તપાસી તમારી મૃત્યુ-તારીખ પણ જણાવી આપશે! ઓછામાં ઓછા ૨૪ કલાક સુધી હોસ્પિટલમાં દાખલ થયેલા ૨,૧૬,૦૦૦ દર્દીઓ પર ગુગલની મેડિકલ-બ્રેઇન ટીમ દ્વારા પ્રયોગ આદરવામાં આવ્યો.
વૈજ્ઞાનિકોને એ જાણવામાં રસ હતો કે કમ્પ્યુટર પ્રોગ્રામને યોગ્ય રીતે ડેટા પૂરા પાડવામાં આવે તો તે વ્યક્તિનાં સ્વાસ્થ્ય અંગે ખરેખર કેટલા અંશે સાચું અનુમાન લગાવી શકે!? હોસ્પિટલનાં કમ્પ્યુટર-મોનિટર સાથે ગુગલ અલ્ગોરિધમ (ગાણિતીક પ્રક્રિયા)ને જોડી બે મેડિકલ સેન્ટર, યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા (સાનફ્રાન્સિસ્કો હેલ્થ સિસ્ટમ) અને યુનિવર્સિટી ઓફ શિકાગો મેડિસીન સિસ્ટમમાંથી ડેટા એકઠા કરવામાં આવ્યા. પહેલા અને બીજા સેન્ટરમાંથી પ્રાપ્ત થયેલા ડેટા બાદ એવું પૂરવાર થયું કે, દર્દીનું મૃત્યુ ભાખવામાં ગુગલ અનુક્રમે ૯૫ ટકા અને ૯૩ ટકા જેટલું સફળ રહ્યું છે. ગુગલે એવું ખાસ પ્રકારનું ટૂલ વિકસાવ્યું છે, જેનાં માધ્યમ વડે દર્દીનાં બિમારીમાંથી બચવાનાં ચાન્સ વિશે ટકાવારી નક્કી કરી શકાય છે. તદુપરાંત, દર્દીને ફરી વખત દવાખાનામાં દાખલ થવાની આવશ્યકતા ઉભી થશે કે કેમ, તેનો રોગ ભગાડવા માટે કયા પ્રકારની ટ્રીટમેન્ટનો આશરો લઈ શકાય, દર્દીને કેટલા સમયની અંદર દવાખાનામાંથી રજા આપી ઘેર મોકલી શકાય જેવી તમામ બાબતોનો જવાબ ગુગલ આપશે!
સ્તન-કેન્સર ધરાવતી એક મહિલાનું નિદાન કર્યા બાદ, બે ડોક્ટરોએ જણાવ્યું કે હોસ્પિટલમાં દાખલ થયેલી એ મહિલાનાં મૃત્યુ પામવાની સંભાવના ૯.૩ ટકા જેટલી છે. આની સામે ગુગલે ૧૯.૯ ટકાની વધુ સંભાવના જણાવી. અને ખરેખર ગુગલનું અનુમાન સાચું પડ્યું! દાખલ થયાનાં થોડા જ દિવસોમાં મહિલાનો સ્વર્ગવાસ થઈ ગયો. તમને થશે કે, ગુગલ પાસે આ શક્તિ આવી ક્યાંથી?!
મૃત્યુ વિશેની આગાહી કરવા માટે ગુગલ ન્યુરલ નેટવર્ક (એક એવા પ્રકારનું આર્ટિફિશિયલ ઇન્ટલિજન્સ સોફ્ટવેર, જે પોતાની મેળે શીખ્યા રાખે છે, અપગ્રેડ થાય છે) નો ઉપયોગ કરે છે. વૈજ્ઞાનિકોને આશ્ચર્ય તો ત્યારે થયું જ્યારે ન્યુરલ નેટવર્કે પોતાની જાતે જ અમુક દર્દીનાં ભૂતકાળનાં મેડિકલ-રિપોર્ટ ફંફોળીને કેટલાક મહત્વનાં પાસાઓ ચકાસ્યા! કારણકે મોટાભાગની ફાઇલો એવી હતી, જે અત્યારસુધી હોસ્પિટલનાં જૂના રેકોર્ડ્સમાં સાચવીને નહોતી રાખવામાં આવી! એમનાં ધાર્યા કરતાં ઘણું ઝડપી અને ચોકસાઇપૂર્વકનું કામ ગુગલે કરી આપ્યું હતું.
ગુગલ આગામી વર્ષોમાં દુનિયાભરની તમામ હોસ્પિટલ અને મેડિકલ-સેન્ટરમાં આ સોફ્ટવેર લોન્ચ કરવાની પેરવીમાં પડી ચૂક્યું છે. વૈજ્ઞાનિકો દ્વારા હાલ, રોગનાં લક્ષણો પારખી, એનો કોઇ યોગ્ય ઇલાજ શક્ય છે કે કેમ એ વિશે ચોકસાઇપૂર્વક કહી શકે એવું ન્યુરલ નેટવર્ક વિકસાવવાની તૈયારી ચાલી રહી છે. ગુગલ અત્યારે એવા ફેઝમાં પહોંચી ગયું છે, જ્યાં આર્ટિફિશિયલ ઇન્ટલિજન્સનાં ફાયદા અને ગેરફાયદાઓ વિશે ગરમાગરમી જોવા મળી રહી છે. સાયબર-સિક્યોરિટી રિસ્કથી માંડીને અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ પણ આવા મશીનો પર આંગળી ચીંધવામાં આવી રહી છે. લાખો કર્મચારીઓની નોકરી છીનવાઈ જશે તો? મોટાભાગની વસ્તી બેરોજગાર બની જશે તો?
કૃત્રિમ બુદ્ધિક્ષમતા ક્યાંક માનવ-મગજ પર ભારે પડવા માંડી તો? ટેકનોવિદ દ્વારા હાલ આ તમામ પ્રશ્નો પર ગંભીરતાપૂર્વક ધ્યાન સેવાઈ રહ્યું છે. પરંતુ આ બધાની વચ્ચે, હેલ્થ-કેર ડિપાર્ટમેન્ટ બાબતે ગુગલનું સક્રિય થવું એ વિશેષજ્ઞો માટે વધુ મોટી ચિંતાનો વિષય બન્યો છે! સૌથી મોટો સવાલ છે, પ્રાઇવેસી! આટલા બધા લોકોનાં અંગત ડેટા કમ્પ્યુટર પાસે પહોંચી જાય અને કોઇક શાતિર મગજ એને હેક કરવામાં સફળ થઈ ગયું તો!? ડોક્ટર્સ પાસે જ્યાં સુધી આ સલામત છે ત્યાં સુધી વાંધો નહીં, પણ અગર મેડિકલ કંપનીઓએ પોતાનાં નફા માટે આને વેચવાનું શરૂ કરી દીધું તો? અઢળક મૂંઝવણ નજર સામે દેખાઈ રહી છે, જેનો જવાબ ગુગલ પાસે નથી.
મુદ્દો ફક્ત પ્રાઇવેસીનો જ નથી. મશીન પણ ક્યારેક તો ભૂલ કરે જ ને! ડોક્ટરથી જ્યારે સ્વાસ્થ્ય-સંબંધી ભૂલો થાય છે ત્યારે કદાચ તેને સુધારી શકાય એવી શક્યતા ખરી! પણ ભૂલ મશીનથી થઈ તો? આડાઅવળા નિદાનથી જાન જવાનો ભય પેદા થાય એ વળી પાછું નફામાં. ૨૦૧૩ની સાલમાં લંડનનાં રોયલ ફ્રી ટ્રસ્ટ પાસે ૧૬ લાખ દર્દીઓનો ડેટા જમા થયો હતો. ઘણા લોકોએ એ સમયે કંપનીની વિશ્વનીયતા પર શંકા કરી હતી, જે બાદમાં રાષ્ટ્રીય મુદ્દો બની ગયો હતો! અરે, સામાન્ય નાગરિકોની વાત છોડો સાહેબ, ગુગલ કંપનીનાં અમુક કર્મચારીઓ સુધ્ધાં આર્ટિફિશિયલ ઇન્ટલિજન્સથી ખફા છે. ગયા એપ્રિલ મહિનામાં, લગભગ ૩૧૦૦ જેટલા કર્મચારીઓએ આનાં વિરોધમાં એક પત્ર પર હસ્તાક્ષર કરી, તેને કંપનીનાં સીઈઓ સુંદર પિચ્ચઇ સુધી પહોંચાડ્યો હતો.
દિવસે ને દિવસે ગુગલ વધુ એડવાન્સ રૂપ ધારણ કરી રહ્યું છે. નેત્રપટલનું પરીક્ષણ કર્યા બાદ, દર્દીને હ્રદયરોગનો હુમલો આવવાની શક્યતા કેટલા ટકા છે એ જાણવા માટેની રેટિના-સ્કેન પધ્ધતિ ગુગલે ઘણા સમય પહેલા વિકસાવી લીધી છે. ડાયાબિટીસ રેટિનોપેથી(મધુપ્રમેહને કારણે નેત્રપટલને થયેલું નુકશાન)ની મદદ વડે પેશન્ટની આંખોનું નિદાન પણ ગુગલ-બ્રેઇન પાસેથી સંભવ છે. ફક્ત સર્ચ-એન્જીન તરીકે શરૂ થયેલી સેવા આજે વિશ્વનાં દરેક ખૂણામાં પોતાનો અડિંગો જમાવીને બેસી ગઈ છે. એક રીતે જોવા જઈએ તો બધું જ સારું છે. પરંતુ દરેકનાં અમુક લાભાલાભ હોય છે, જેને ભોગવવા માટે માણસે તૈયારી કરી રાખવી પડશે.
આખી ઘટનાની બીજી બાજુ વિચારીએ તો સમજાય કે, ગુગલ એવા પગલા ભરી રહ્યું છે જે માનવજાતને વધુ ખતરામાં મૂકી શકે એમ છે. કોઇક દર્દીનું મનોબળ ખૂબ સારું હોય અને એનાં સાજા થઈ જવાનાં ચાન્સિસ પૂરેપૂરા હોય એમ છતાં ગુગલ એને ગણતરીનાં કલાકોનો મહેમાન દેખાડે તો?! નકારાત્મક વિચારોને કારણે એનાં સાજા થઈ જવાની તક પણ કદાચ જતી રહે! જોકે, ભારતમાં તો આવી બધી ટેકનોલોજીને સફળ થવામાં વખત લાગી શકે છે, કારણકે અહીંયાની હોસ્પિટલમાં લોકો સામાન્યત: જીવતાં-જાગતાં ડોક્ટર કરતાં પણ વધુ મહત્વ પ્રાર્થનાને આપે છે. આસ્થા અને શ્રધ્ધા પર ટકેલા આ દેશમાં, આર્ટિફિશિયલ ઇન્ટલિજન્સ ક્યારે પગપેસારો કરીને દવાખાનાંઓમાં પોતાનું સ્થાન ગ્રહણ કરે છે એ જોવું વાસ્તવમાં રસપ્રદ રહેશે.