લોકોએ વિડીયો બનાવ્યા ફોટા પાડ્યા પણ મદદ માટે કોઈ આગળ ન આવ્યું
ગોંડલ શ્યામ વાળી ચોક પેલેસ રોડ પર આવેલ ગોકુલ મેટરનિટી હોસ્પિટલની પાસે રહેતા વૃધ્ધ મહિલા બીમારીથી કણસતા રોડ ઉપર પડ્યા હોય તબીબ અને તેના સ્ટાફે વૃદ્ધા નો જીવ બચાવવા રેકડી દોડાવી હોસ્પિટલે લઇ ગયા હતા પરંતુ વૃદ્ધાએ દમ તોડી દીધો જ્યારે લોકોના ટોળાએ માત્ર ફોટા પાડી વીડિયો બનાવી તમાશો જોયા કર્યો મદદે કોઈ ના આવ્યા.
ગોંડલના પેલેસ રોડ ઉપર ગાયનેક હોસ્પિટલ ધરાવતા ડોક્ટર હિતેશ કાલરીયા હોસ્પિટલમાં ઓપીડી કરી રહ્યા હતા ત્યારે બે મકાન દૂર પાડોશમાં જ રહેતા ચંદ્રિકાબેન દિનેશભાઈ પારેખ રોડ ઉપર કણસતા હતા. અલબત તેમની સાથે તેનાં પુત્રવધુ હતા.જે ડોકટર ની મદદ માટે પ્રયત્ન કરી રહ્યા હતા.આ વેળાં ડોક્ટર હિતેશ કાલરીયા તેમના ઓટી આસિસ્ટન્ટ અશોકભાઈ અને સિક્યુરિટી મેન ત્રણે જણા મદદ માટે દોડી ગયા હતા વૃદ્ધા નો વજન આશરે 100 કિલો જેવો હોય રિક્ષામાં બેસી શકે તેમ ન હતા અને 108 એમ્બ્યુલન્સ સતત વેઇટિંગમાં હોય રાહ જોઈ શકાય તેમ ન હતી હોસ્પિટલ ની સામે ઉભા રહેતા નારિયેળ પાણી વાળાની ની રેંકડી ઉપર તબીબની નજર પડતા તુરંત જ તેમાં વૃદ્ધાને સુવડાવી નજીકની ડોક્ટર પિત્રોડા ની ઓમ હોસ્પિટલ ખાતે લઈ ગયેલા હતા પરંતુ વૃદ્ધા નો જીવ બચી શક્યો ન હતો
ડોક્ટર હિતેશ કાલરીયા દ્વારા આવતા જતા લોકોને મદદ માટે પોકાર કરવામાં આવી હતી પરંતુ કોરોનાની બીકના કારણે કોઈ આગળ આવી રહ્યું ન હતું અને માત્ર મોબાઈલમાં વિડીયો શુટીંગ ફોટા પાડી તમાશો જોયા કર્યો હતો જેનું તબીબને ઘણું દુ:ખ થવા પામ્યું છે.સૂત્રોએ જણાવ્યું હતું કે વૃદ્ધાના પતિ અને પુત્ર બીમાર હોય તેઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બીજી બાજુ પુત્રવધુ સાસુ ની તબિયત વધુ નાદુરસ્ત થતાં દવાખાને લઈ જઈ રહ્યા હતા પરંતુ પુત્રવધુ અને તબીબની મહેનત કારગર નીવડી નહોતી.