સુરત, અમદાવાદની હોસ્પિટલમાં સારવાર માટે બતાવવામાં આવેલ ત્યારે આ ઓપરેશન માટે એકાદ લાખના ખર્ચનું કહ્યું પણ કેશોદની આસ્થા હૉસ્પિટલમાં નજીવા દરે ઓપરેશન સફળ રીતે થતાં પરિવાર ખુશ
કહેવાય છે ને કે ડોક્ટર દેવનાં દૂત હોય છે. ડોક્ટર, નર્સએ ભગવાનનું બીજું રૂપ મનાય છે. આ વાત કેશોદની આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત આસ્થા હોસ્પિટલમાં સાચી ઠરી છે. કેશોદના બસ સ્ટેન્ડ રોડ પર આવેલ આસ્થા હોસ્પિટલ વર્ષોથી કાર્યરત છે અને આ હોસ્પિટલમાં ડોક્ટર સમીર વાઘેલા સેવા આપી રહ્યા છે. હોસ્પિટલમાં તમામ ઓપરેશન સેવાના ઉદેશ્યથી કરવામાં આવે છે. ત્યારે નજીવા દરે ઓપરેશન કરી એક યુવતીના પેટમાંથી ૧૧ કિલોની ગાંઠ કાઢી તેણીને જીવનદાન આપ્યું છે.
વિસાવદર તાલુકાના વિરપુર ગામના શિરોયા પરિવારની એક યુવતીને પેટમાંગાંઠ હોવાથી અસહ્ય દુખાવો થતો હતો. પરિવાર દ્વારા વિસાવદર તેમજ સુરત, અમદાવાદની હોસ્પિટલમાં સારવાર માટે બતાવવામાં આવેલ ત્યારે ગાંઠની ઓપરેશન માટે એકાદ લાખ જેવો ખર્ચ થવાનું જણાવ્યુ હતું. પરિવાર સામાન્ય પરિસ્થિતિમાં જીવતો હોય એટલે આ ચાર્જ વસૂલી શકે તેમ ન હોય ત્યારે પરિવારને કોઇ જગ્યાએથી વાત જાણવા મળી કે કેશોદની આસ્થા હોસ્પિટલ દ્વારા આ ઓપરેશન થઇ શકે તેમ છે અને એ પણ નજીવા ચાર્જમાં. શિરોયા પરિવાર દ્વારા યુવતીને કેશોદની આસ્થા હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવેલ. અને ડો. વાઘેલાને તમામ પરિસ્થિતિ જણાવેલ ત્યારે સમીર વાઘેલાએ આ ઓપરેશન માટે સહમત થઈ યુવતીના પેટમાંથી 11 કિલોની ગાંઠ જીવના જોખમે કાઢી ઓપરેશન સફળ રીતે પાર પડ્યું હતું. જે બાદ હોસ્પિટલના ડોક્ટર સમીર વાઘેલા તેમજ દર્દીના પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો અને પરિવારે ડોક્ટરનો તેમજ હોસ્પિટલના સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો